Abtak Media Google News

રેસ્ટ ઓફ પ્રેસના 197ના ટાર્ગેટને ‘ટીમ અબતક’ને વેંત છેટુ રહી જતાં રનર્સઅપ બન્યું

રાજકોટ મીડિયા કલબનું સફળ આયોજન: આગામી સમયમાં આઈપીએલની જેમ કેમેરા સેટઅપ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી ટૂર્નામેન્ટને વધુ પારદર્શક બનાવવા આયોજકોનો કોલ

સતત છ વર્ષથી કિન્નરભાઈ આચાર્ય અને તુષારભાઈ રાચ્છ સહિતના સભ્યોની ટીમ દ્વારા તંદુરસ્ત વાતાવરણમાં ટૂર્નામેન્ટ પૂર્ણ 

Dsc 4494

રાજકોટ મીડિયા કલબ દ્વારા છેલ્લા છ વર્ષથી ઈન્ટર પ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમાં આ વર્ષે ખુબજ તંદુરસ્ત વાતાવરણમાં ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ‘ક’થી જ કોરોના સમજવા લાગેલા પત્રકારો અને મીડિયાકર્મીઓમાં ઘર કરી ગયેલા તણાવને દૂર કરીને ‘ક’થી ક્રિકેટ પણ થાય છે તે સમજવાના ઉમદા આશ્રય સાથે રાજકોટ મીડિયા કલબ દ્વારા રેસકોર્સના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ માધવ રાવ સિંધીયા ક્રિકેટ સ્ટેડિયમ ઉપર પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મીડિયાની 9 ટીમો વચ્ચે સીઝન બોલ ટી-20 ટૂર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. લીગની સતત ત્રણ મેચ જીતીને ‘ટીમ અબતક’ દ્વારા સેમી ફાઈનલમાં પણ શાનદાર પરર્ફોમન્સ કરતા ફાઈનલમાં પહોંચી હતી. રવિવારે રેસ્ટ ઓફ પ્રેસ અને ‘ટીમ અબતક’ વચ્ચે રોમાંચક ફાઈનલ રમાયો હતો. અત્યાર સુધીના ટૂર્નામેન્ટમાં ક્યારેય ન રમાયો હોય તેવો રોમાંચક ફાઈનલ મેચ નિહાળી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત સ્પોન્સર મોંઘેરા મહેમાનો અને ક્રિકેટરસીકો આફરીન પોકારી ઉઠ્યા હતા. ફાઈનલ મેચ ખુબજ રસપ્રદ રહી હતી. જો કે, મેચમાં માનવરહીત ભૂલોના કારણે હવે આગામી સમયમાં આઈપીએલની જેમ કેમેરા સેટઅપ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી ટૂર્નામેન્ટની વધુ પારદર્શક બનાવવા આયોજકોએ જણાવ્યું હતું. ટૂર્નામેન્ટમાં સ્પોન્સરોનો સારો સહયોગ રહ્યો હતો. કોમોડીટી ગ્રુપ ઓફ ન્યુઝ પેપરના મયુર મહેતાએ વિજેતા ઉપર ઈનામોનો વરસાદ વરસાવ્યો હતો. વિજેતા ટીમને 25000 અને રનર્સઅપને 15000 સહિત કુલ 63000ના રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. ટીએલસીના અમેશભાઈ દફતરી દ્વારા ઉમદા પ્રવૃતિને પ્રોત્સાહન આપી અનેક ઈનામોનો વરસાદ કર્યો હતો. ‘ટીમ અબતક’ની શાનદાર લડત બાદ ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતાએ રૂા.25000નું ઈનામ જાહેર કર્યું હતું.

ફાઈનલ મેચમાં રેસ્ટ ઓફ પ્રેસે કપ જીત્યો હતો જો કે ‘ટીમ અબતક’ ખુબજ શાનદાર પરર્ફોમન્સ કરતા સૌ કોઈના દિલ જીતી લીધા હતા. ટોસ જીતી પ્રથમ બેટીંગ કરતા રેસ્ટ ઓફ પ્રેસની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 196 રન બનાવ્યા હતા. રેસ્ટ ઓફ પ્રેસ વતી ભાવેશ લશ્કરીએ આક્રમક શૈલીમાં બેટીંગ કરતા 65 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 113 રન બનાવ્યા હતા. બોલીંગમાં ‘ટીમ અબતક’ વતી મોનીલ, સંજય અને તેજસે 1-1 વિકેટ નામે કરી હતી. રેસ્ટ ઓફ પ્રેસે આપેલા 197 રનનો પીછો કરવા ઉતરેલી ‘ટીમ અબતક’ 7 રનમાં 3 વિકેટ ગુમાવી દીધા બાદ પલટવાર કરતા લક્ષ્યાંકનો આબેહુબ પીછો કર્યો હતો. દિપેન પારેખે 65 બોલમાં 13 ચોગ્ગાની મદદથી અણનમ 108 રન બનાવ્યા હતા તો તેજસ ઈન્જર્ડ હોવા છતાં ટીમને જીત અપાવવાના લક્ષ્ય સાથે 45 અને સંજયે 17 રનનું યોગદાન આપ્યું હતું. એકંદરે 20 ઓવરમાં ‘ટીમ અબતક’ 181 રન જ બનાવી શકી હતી અને 15 રન છેટી રહી ગઈ હતી. ભલે ‘ટીમ અબતક’એ મેચ હાર્યો હોય પરંતુ ઉત્કૃષ્ટ રમત રમી સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

કોરોનાની અત્યંત વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ટૂર્નામેન્ટ શાનદાર રીતે સમાપન આપવા બદલ આયોજકો કિન્નર આચાર્ય અને તુષાર રાચ્છ સહિતનાની મહેનતને ઉપસ્થિત સૌએ બિરદાવી હતી. દર વર્ષે આ જ પ્રકારની ટૂર્નામેન્ટનું આયોજન કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. વિજેતાને કોમોડીટી વર્લ્ડના મેનેજર રાજેશ ભાવસાર, ‘અબતક’ મીડિયાના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા તથા ટીએલસીના અમેશ દફતરીના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા.

‘ટીમ અબતક’ના દિપેન પારેખને બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ

‘ટીમ અબતક’ના યુવા ખેલાડી દિપેન પારેખની શાનદાર અને સાતત્યપૂર્ણ બેટીંગના લીધે તમામ ખેલાડીઓના દીલ જીત્યા હતા. દિપેને ટૂર્નામેન્ટમાં 313 રન બનાવી બેસ્ટ બેટ્સમેનનો એવોર્ડ મેળવ્યો હતો. સેમી ફાઈનલમાં કાઠિયાવાડ પોસ્ટે 172 રનનો સ્કોર ખડક્યો હતો ત્યારે દિપેન પારેખે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી સેમી ફાઈનલમાં ‘ટીમ અબતક’ને વિજય અપાવ્યો હતો ફાઈનલમાં પણ રેસ્ટ ઓફ પ્રેસે 196 રન બનાવ્યા ત્યારે આ ટાર્ગેટ સુધી પહોંચવા દિપેન પારેખે શાનદાર સદી બનાવી ટીમને વિજયની સાવ નજીક લાવી દીધા હતા. કમનસીબે તેનો ભગીરથ પુરૂષાર્થ એળે ગયો હતો. પરંતુ તેને સૌ કોઈના દિલ જીત્યા હતા.

ભાવેશ લશ્કરી મેન ઓફ ધ સીરીઝ અને નવનીત લશ્કરીને બેસ્ટ બોલરનો એવોર્ડ

રેસ્ટ ઓફ પ્રેસના ખેલાડી ભાવેશ લશ્કરી અને નવનીત લશ્કરીએ ટીમને ચેમ્પીયન બનાવવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. લગભગ તમામ મેચમાં ભાવેશ લશ્કરી મેન ઓફ ધ મેચ બન્યો હતો. મેન ઓફ ધ સીરીઝનો ખિતાબ પણ ભાવેશ લશ્કરીને મળ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં બે સદી સાથે કુલ 450 રન બનાવ્યા હતા. જ્યારે નવનીત લશ્કરીને બેસ્ટ બોલરનો એવોર્ડ મળ્યો હતો. તેણે ટૂર્નામેન્ટમાં 10 વિકેટો લીધી હતી. ફાઈનલમાં પણ ભાવેશ લશ્કરી મેન ઓફ ધ મેચ થયા હતા.

પિંકી રાચ્છ બન્યા વુમન ઓફ ધ સીરીઝ

મીડિયા ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં આ વખતે પ્રથમ વખત મેન ઓફ ધ સીરીઝની સાથે વુમન ઓફ ધ સીરીઝ પણ જાહેર કરાયા હતા. આખી ટૂર્નામેન્ટના મેચના બ્રેકમાં ખેલાડી સહિત સૌ ઉપસ્થિત લોકોને ગરમા-ગરમ નાસ્તો પહોંચાડતા પિંકીબેન તુષારભાઈ રાચ્છને રાજકોટ મીડિયા કલબથી ખાસ સન્માન આપી તેમનો આભાર માનવામાં આવ્યો હતો. તેમની અતુલ્ય સેવાને દરેક ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.