જીવાદોરી ટુંકાવતા ‘ચાઈનીઝ દોરા’ ઉપર પ્રતિબંધ

સંક્રાંત પહેલા દોરો બની રહ્યો છે ઘાતકી

માંઝાએ રાજકોટ-વડોદરામાં ૨, અમદાવાદમાં ૩ લોકોનો જીવ લીધો

મકર સંક્રાંતિનો તહેવાર આવતાની સાથે જ બજારમાં રંગબેરંગીઓ પતંગો અને ફિરકીઓ તેમજ દોરા અને માંઝાથી બજાર છલકાઈ ઉઠતું હોય છે પરંતુ દર વર્ષે કાચના ભુકકાથી તૈયાર કરાયેલા માંઝાના દોરાને કારણે પક્ષીઓથી લઈને લોકોને પણ હાની પહોંચતી હોય છે. વર્ષ ૨૦૧૬ તેમજ ૨૦૧૮માં પતંગના દોરાને કારણે ૧૬ લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલીક વખત રોડ અકસ્માતને કારણે લોકોના ગળા કપાયા છે.

ગુજરાત ગૃહ મંત્રાલયે માંઝા ઉપર પ્રતિબંધ લાદવાની વિચારણા કરી છે. જેના ઉપર પહેલેથી જ પ્રતિબંધ છે છતાં માંઝાથી તૈયાર કરાયેલા દોરાનું વેંચાણ ખુબજ વધી રહ્યું છે.

ઉત્તરાયણ હવે ગણતરીના દિવસો વધ્યા છે ત્યારે જીવલેણ માંઝાએ ૨૨ વર્ષના યુવાન મેહુલસિંહ ડાભીનો જીવ લીધો છે. હાટકેશ્વર ફલાય ઓવર ઉપર માંઝાને કારણે મેહુલનું ગળુ કપાયું હતું. તેમજ વધુ એક કિસ્સો ખરાડી પરિવારમાં બન્યો હતો. આ પરિવારના ૩૦ વર્ષીય યુવાન અંકિતનું ગળુ કપાતા તે હાલ જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.

સોલા ઓવરબ્રિજ પરથી ટુ-વ્હીલર લઈને જઈ રહેલા યુવાનના ગળામાં દોરો ફસાતા તેની સાથે દૂર્ઘટના ઘટી હતી. જો કે ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું હતું કે, આ વર્ષે માંઝાના પ્રતિબંધ અંગે ખુબજ મોડુ થઈ ગયું છે કારણ કે, તેનાથી હવે ફિરકીના વેપારીઓને મોટું નુકશાન થઈ શકશે. પોલીસ કમિશનરે જાહેર કર્યું હતું કે, ચાઈનીઝ દોરી અને આગની ઘટનાઓ માટે જવાબદાર બનતા ચાઈનીઝ તુકલો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વિશ્ર્વભરમાં રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા સહિત શહેરો કાઈટ કેપીટલ તરીકે માનવામાં આવે છે. દર વર્ષે હજારો સહેલાણીઓ ગુજરાતના કાઈટ ફેસ્ટીવલને માણવા આવતા હોય છે. હજુ તો મકરસંક્રાંતિને વાર છે ત્યારે અમદાવાદમાં ૩, રાજકોટના ૨ અને મહેસાણામાં ૧ વ્યક્તિનો જીવ માંઝાએ લીધો છે.