ચોરીની શંકા સાથે ત્રણ યુવાનને ચાર શખ્સોએ બેરહેમીથી માર માર્યો

  • રિક્ષામાં અપહરણ કરી મનહરપુર લઇ જઇ રાતભર મારી મુક્ત કરવાના બદલમાં રૂા.1 લાખની માગણી કરી
  • મોરબીના ત્રણેય શખ્સોને યુનિર્વસિટી પોલીસ સ્ટાફ ઇક્કો કારમાં એક લાખ ચુકવવા જવાના સ્વાંગમાં પહોચી ઝડપી લીધા

ઘંટેશ્વર પાસે 25 વારીયા પ્લોટના બે યુવાન અને શાસ્ત્રીનગરના એક શખ્સ યુવકને રૈયાધાર પાસે પાણીના ટાંકા પાસેથી ચોરીનો આળ મુકી ચાર શખ્સોએ રિક્ષામાં અપહરણ કરી મનહરપુર લઇ જઇ રાતભર બેરહેમીથી માર મારી ત્રણેયને મુક્ત કરવાના બદલામાં એક લાખની માગણી કરતા યુનિર્વસિટી પોલીસે પેમેન્ટ આપવા ઇક્કો કારમાં જઇ મોરબીના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. ઘવાયેલા ત્રણેય યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્ર્વર પાસે 25 વારીયા પ્લોટમાં રહેતા બકુલ કેશાભાઇ સોલંકી (ઉ.વ.19), રાહુલ તુલશી દેતાણી (ઉ.વ.18) રામાપીર શાસ્ત્રીનગરમાં રહેતા ચંદ્રેશભાઇ નારવીભાઇ ગૌસ્વામી નામના 40 વર્ષના રિક્ષા ચાલક ગતરાતે રૈયાધાર પર પાણીના ટાંકા પાસે હતા ત્યારે રિક્ષામાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ કામે આવવાનું કહી રિક્ષામાં મનહરપુર લઇ ગયા બાદ ત્રણેય યુવાનને કેમ ચોરી કરી તેમ કહી લાકડી અને વિકલાંગની કાખ ઘોડીથી રાત આખી માર મારી રિક્ષામાં તોડફોડ કરી હતી. ત્રણેય શખ્સોએ એક લાખની માગણી કરી હતી.

ત્રણેય શખ્સોએ બકુલ પાસે તેના જ મોબાઇલમાંથી મનિષા સાથે વાત કરાવી હતી અને એક લાખ મનહરપુર આપી જવા જણાવ્યું હતું. આથી મનિષાબેન પોતાના પાડોશીની મદદથી યુનિર્વસિટી પોલીસ મથકે રાવ કરતા પી.આઇ. એ.બી.જાડેજા સહિતના સ્ટાફ અપહરણકારોને એક લાખ આપવા અંગે વાતચીત કરી ઇક્કો કારમાં ગયા હતા. ત્યારે ઘટના સ્થળે ઉપસ્થિત મોરબીના લીલાપર રોડ પર આવેલા ચાર માળીયા અને વીશીપરા ફાટક પાસે રહેતા કાસીમ ઉર્ફે રાજલો ઇબ્રાહીમ શાહમદાર, તાહિર ઉર્ફે શાયર દલસુખ મકવાણા અને આફતાબ હાજી શમા નામના શખ્સોને ઝડપી લીધા હતા.