Abtak Media Google News

રિટર્ન ભરનારાઓની સંખ્યા ડબલ થઇ!!!

આવતીકાલે જીએસટી કાઉન્સીલની મળશે બેઠક: રાજ્યોની વળતર ચૂકવણી અંગે થશે ચર્ચા

જીએસટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા અનેકવિધ મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહ્યું છે ત્યારે જીએસટીના ઘરમાં ઘટાડો થતાની સાથે જ એસએસસીની સંખ્યામાં અડધો અડધ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ જીએસટી કાઉન્સીલને એ વાતની આશા પણ ઉદભવિત થઈ છે કે, હવે લોકોની આવકમાં વધારો થતાની સાથે જ એસએસસીની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે પ્રતિ માસ એક લાખ કરોડ રૂપિયાનાં લક્ષ્યાંકને પહોંચી વળવા માટે જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સામે જીએસટી ભરનારાઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે. આવતીકાલે એટલે કે તા.૨૭ ઓગસ્ટના રોજ જીએસટી કાઉન્સીલની બેઠક મળશે જેમાં રાજયોની વળતર ચુકવણી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે જીએસટી પૂર્વેની વાતો અંગે નાણામંત્રી નિર્મલા સીતારામને ચર્ચા કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જીએસટી પૂર્વે વેટ, એકસાઈઝ, સેલ્સ ટેકસ જેવા કરો થકી લોકો પર ૩૧ ટકાનું ભારણ આવતું હતું ત્યારે હવે જીએસટીની અમલવારી થતાની સાથે જ હવે દરમાં પણ ઘટાડો કરાશે જેથી લોકો જીએસટીનો મહતમ લાભ લઈ શકે અને દેશની આવકમાં પણ વધારો થાય. હાલ જીએસટીનાં એસએસસી અંગે જો વાત કરવામાં આવે તો આંકડો ૬૫ લાખે પહોંચ્યો હતો પરંતુ જીએસટીનાં દરમાં ઘટાડો થતાની સાથે જ કરદાતાઓની સંખ્યા ૧.૨૪ કરોડે પહોંચી ગઈ છે.

કાઉન્સીલ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને ધ્યાને લેતા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે ઉધોગોનું વાર્ષિક ટનઓવર ૪૦ લાખ રૂપિયા જેટલું હોય તે તમામ ઉધોગો અને વેપારીઓને જીએસટીમાંથી મુકિત આપવામાં આવશે. સાથો સાથ દોઢ કરોડનાં ટર્નઓવર ધરાવતા લોકોને કમ્પોઝીશન સ્કિમનો લાભ મળવાપાત્ર રહેશે અને તે અંગે તેઓની પસંદગી પણ કરાશે. આ સ્કિમ હેઠળ કરદાતાએ માત્રને માત્ર ૧ ટકાનો જ ટેકસ ચુકવવો પડશે. આવતીકાલ એટલે ૨૭ ઓગસ્ટના રોજ જીએસટી કાઉન્સીલની બેઠક મળવાની છે જેમાં રાજયોનાં વળતરની ચુકવણી અને આવક ઘટાડા અંગે ચર્ચા થઈ શકે છે. બીજી તરફ નાણા મંત્રાલય દ્વારા અરૂણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ નિમિતે તેમના દ્વારા કરવામાં આવેલા ફેરફારો અંગેની વાતો પણ કરવામાં આવી હતી. નાણા મંત્રાલય દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ૧લી જુલાઈ ૨૦૧૭ના રોજ જયારે જીએસટીને અમલી બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ મોટાભાગની ચીજવસ્તુઓ ઉપર જીએસટીનો રેટ ઘટાડવામાં આવ્યો છે. મંત્રાલયનાં જણાવ્યા મુજબ ૨૮ ટકાના ટેકસ સ્લેબ હેઠળ લકઝરી વસ્તુઓ અને ડિજિટલ વસ્તુઓ રાખવામાં આવી છે જે ટેકસ સ્લેબ હેઠળ કુલ ૨૩૦ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ આશરે ૨૦૦ જેટલી વસ્તુઓને ઓછા ટેકસ સ્લેબમાં મુકવામાં આવ્યું છે ત્યારે આવતીકાલે યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠક ખુબ જ ઉપયોગી સાબિત થશે. દેશ માટે જીએસટીની આવક જ સૌથી મહત્ત્વપૂર્ણ છે ત્યારે પ્રતિ માસ એક લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક સરકાર દ્વારા જીએસટી મારફતે નિર્ધાર કરવામાં આવ્યો છે. જે આવનારા સમયમાં પૂર્ણત: શક્ય બનશે કારણ કે જીએસટી ભરનારાઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે.

લોકોની ‘જરૂરિયાત’ એવા ટુ-વ્હીલરમાં જીએસટીના દરમાં ધરખમ ઘટાડો થશે!

કોરોના કાળ દરમિયાન લોકો પબ્લીક ટ્રાન્સપોર્ટમાં જવા માટેની પસંદગી સહેજ પણ કરતા ન હતા ત્યારે સેલ્ફ ટ્રાન્સપોર્ટ કરનારાઓની સંખ્યામાં અનેકગણો વધારો નોંધાયો છે. બીજી તરફ દેશમાં મધ્યમ વર્ગીય લોકો વધુ હોવાના કારણે તેઓ ગાડીની પસંદગી કરી શકતા નથી જેના માટે તેઓએ મુખ્યત્વે ટુ-વ્હીલરો ઉપર મદાર રાખવો પડે છે પરંતુ હાલ આ ટુ-વ્હીલરો ઉપર કુલ ૨૮ ટકાનો જીએસટી દર લગાવવામાં આવે છે જેના કારણે ઘણા પ્રશ્ર્નો ઉદભવિત થઈ રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીઓએ નાણા મંત્રાલય અને જીએસટી કાઉન્સીલને ભલામણ કરી હતી અને જણાવ્યું હતું કે, ટુ-વ્હીલર વાહનો કોઈ લકઝરી ગુડઝમાં સમાવેશ કરાતો નથી નહીં કે સીન ગુડઝમાં પણ ટુ-વ્હીલરોનો સમાવેશ નથી કરવામાં આવતો જેથી નાણા મંત્રાલય અને જીએસટી કાઉન્સીલે ટુ-વ્હીલરો ઉપર લગાવવામાં આવતા ૨૮ ટકાના દરમાં ઘટાડો કરી ૧૮ ટકામાં લાવવું જોઈએ. આ અંગેની ભલામણ નાણામંત્રીને કરતા નિર્મલા સીતારામને માહિતી આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે યોજાનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં આ અંગે વાત કરવામાં આવશે. નાણામંત્રીના જણાવ્યા મુજબ જે સુચનો ટુ-વ્હીલર માટે કરવામાં આવ્યા છે તે ખરાઅર્થમાં સારો વિચાર છે. ગત વર્ષે દેશની સૌથી મોટી ટુ-વ્હીલર બનાવતી કંપની હીરો મોટોકોપે ૧૫૦ સીસી સુધી આવતા બાઈકોને ૧૮ ટકાના જીએસટી દરમાં સમાવવા માટેની ભલામણ કરી હતી. દેશમાં મોટા પ્રમાણમાં મધ્યમ વર્ગીય લોકો વસવાટ કરી રહ્યા છે ત્યારે તેમના માટે ટુ-વ્હીલર જરૂરીયાતની વસ્તુ હોવાથી સરકાર દરમાં ઘટાડો કરશે તેવી શકયતા પણ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.