- વિદ્યાર્થીઓને પહેલા જ દિવસે યુનિફોર્મ અને બુટ-મોજા મળ્યા
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થયા બાદ લાંબા સમય સુધી વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને અન્ય શૈક્ષણિક સામગ્રી મળતી ન હોવાની ફરિયાદો ઉઠતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળતી હતી. જોકે, આ વખતે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આગોતરું આયોજન કરીને એક ક્રાંતિકારી પહેલ કરી છે. શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે ધોરણ ૨ થી ૮ ના ૧.૬૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને સમયસર યુનિફોર્મ, બુટ અને મોજાનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. આ નિર્ણય શિક્ષણ સમિતિની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતા દર્શાવે છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે. સમિતિના ચેરમેન અને સભ્યોના આગોતરા આયોજન અને સઘન પ્રયાસોને કારણે આ વખતે ઇતિહાસ રચાયો છે. શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં ધોરણ ૨ થી ૮ ના ૧,૬૮,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને બુટ, મોજા અને શાળાનો ગણવેશ વિતરિત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બાલવાટિકા અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટેની સ્ટેશનરી કીટ, સ્કૂલબેગ અને ગણવેશ પણ દરેક શાળામાં પહોંચી ગયો છે, જે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન તેમને આપવામાં આવશે. આજે બોમ્બે માર્કેટ પાસે આવેલી શાળા નંબર ૬૮, ૬૯ અને ૭૧ માં બાળકોને બુટ અને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.
સમયસર ચીજવસ્તુઓ પહોંચાડવાનો નિર્ણય સફળ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરાએ જણાવ્યું હતું કે, “અમે આ વખતે વિદ્યાર્થીઓને ઝડપથી ગણવેશ, બુટ-મોજા સહિતની વિદ્યાર્થીઓની કીટ તેમના સુધી પહોંચાડી દીધી છે. વિદ્યાર્થીઓના ચહેરા પર ખૂબ જ સંતોષ અને સ્મિત જોવા મળ્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર ખૂબ સારી રીતે વધ્યું છે. જે રીતે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે અને તેના જે આંકડા સામે આવી રહ્યા છે તે પરથી એક વાત સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વાલીઓ ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવા કરતા પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ આપવા માટે પ્રયાસ કરે છે.
આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. આ તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ક્ષેત્ર તેમજ તેમના ભવિષ્યની ચિંતા કરીને તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ આજે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે આશીર્વાદરૂપ બની રહી છે.
તેમણે ગૌરવભેર ઉમેર્યું કે, “જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના હોય છે, જે અમારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે.” આવી જ રીતે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ આગળ આવે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રથમ દિવસે જ ધોરણ બે થી આઠના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની જરૂરી સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે, અને બાલવાટિકા તેમજ ધોરણ એકમાં પ્રવેશ ઉત્સવ દરમિયાન તેમની કીટ આપવામાં આવશે તે પણ જે તે શાળામાં પહેલાથી જ પહોંચાડી દેવામાં આવી છે.
આ પહેલ દર્શાવે છે કે યોગ્ય આયોજન અને અમલીકરણ દ્વારા સરકારી શાળાઓ પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી શકે છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.