શુકનવંતો સોમવાર: શેરબજાર તેજીના રથ પર સવાર,સોના અને ચાંદીમાં પણ તેજીનો ટોન

સેન્સેકસમાં 307 અને નિફટીમાં 72 પોઈન્ટનો ઉછાળો: ડોલર સામે રૂપિયો 14 પૈસા મજબૂત: સોના અને ચાંદીમાં પણ તેજીનો ટોન

ભારતીય શેરબજારના મુખ્ય આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસે ગત સપ્તાહે 56000 પોઈન્ટનું શિખર હાસલ કર્યા બાદ માર્કેટમાં થોડી મંદી જોવા મળી હતી. શ્રાવણનો ત્રીજો સોમવાર આજે રોકાણકારો માટે શુકનવંતો બન્યો હતો. શેરબજાર આજે ઉઘડતા સપ્તાહે તેજીના રથ પર ફરી સવાર થઈ જતાં રોકાણકારો રાજીના રેડ થઈ ગયા છે.

આજે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષ સેન્સેકસ અને નિફટી ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. ઈન્ટ્રા-ડેમાં સેન્સેકસે 55781.17 અને નિફટીએ 16592.50ની સર્વોચ્ચ સપાટી હાસલ કરી હતી. જો કે, ત્યારબાદ થોડુ વેચવાલીનું દબાણ વધવાના કારણે બજારમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.

સેન્સેકસ અને નિફટી ઉપરાંત બેંક નિફટીમાં પણ ઉછાળા આવવા લાગ્યા હતા. બુલીયન બજારમાં આજે તેજી રહેવા પામી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે વધુ મજબૂત બન્યો છે.

આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 307 પોઈન્ટના ઉછાળા સાથે 55636 અને નિફટી 72 પોઈન્ટના ઉછાળા સાથે 16527 ઉપર કામકાજ કરી રહ્યાં છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો હાલ 14 પૈસાની મજબૂતી સાથે 74.24 પર ટ્રેડ કરી રહ્યો છે.