33 પૈકી 23 હોર્ડિંગ્સ સાઇટના દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટમાં માત્ર રૂ.1.67 કરોડની આવક થતી હોય ભાવ ઓછા લાગતા અભ્યાસ અર્થે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દરખાસ્ત રખાઇ પેન્ડિંગ: 46 પૈકી અન્ય 44 દરખાસ્તોને બહાલી: રૂ.38 કરોડના વિકાસકામોને બહાલી

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 46 પૈકી 44 દરખાસ્તોને બહાલી આપી રૂ.38 કરોડના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા હતા. શહેરના જુદા-જુદા સ્થળોએ હોર્ડિંગ્સ બોર્ડ પર જાહેરાત પ્રસિધ્ધ કરવાના હક્ક આપવાના કોન્ટ્રાક્ટમાં એજન્સીઓએ રીંગ રચી દઇ ભાવ ઓછા ભર્યા હોવાની શંકા લાગતા દરખાસ્ત વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર 33 સાઇટ પર હોર્ડિંગ્સ બોર્ડ દ્વારા જાહેરાત પ્રસિધ્ધ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં સારથી કોમ્યુનિકેશન, મીનાલ પબ્લીસીટી, જાસ્મીન કંપની, મંત્રા એડ એન્ડ માર્કેટીંગ, વિનાયક એડ, પરિવાર એડ એન્ડ ક્રિએશન, વિકાસ આઉટડોર અને લાકવિલા પ્રમોશન એલએલપી એમ કુલ નવ એજન્સીઓ દ્વારા ઓફર આપવામાં આવી હતી. ટેકનીકલ બીડ દરમિયાન જાસ્મીન કંપની, મંત્રા એડ એન્ડ મિડીયા પ્રાઇવેટ લીમીટેડ, સાકેત એડવટાઇઝમેન્ટ એન્ડ માર્કેટીંગ, પરિવાર એડ એન્ડ ક્રિએશન એમ કુલ ચાર કંપની ક્વોલીફાઇ થઇ હતી. 33 સાઇટ પૈકી આઠ સાઇટ માટે કોઇ જ ભાવ આવ્યા ન હતા. જ્યારે બે સાઇટના ટેન્ડર રદ્ કરાયા છે અને બે સાઇટની સ્ટ્રક્ચર સ્ટેબિલીટી ન હોય કુલ 10 સાઇટને બાદ કરતા અન્ય 23 સાઇટના હોર્ડિંગ્સ બોર્ડના કોન્ટ્રાક્ટ આપવાથી કોર્પોરેશનને રૂ.1.67 કરોડની આવક થવાનો અંદાજ હતો. જેમાં એડ એજન્સી દ્વારા રીંગ રચી ઓછા ભાવ ભરવામાં આવ્યા હોવાની શંકા જણાતા હાલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે. અભ્યાસ બાદ રિ-ટેન્ડરીંગ કરવા કે કોન્ટ્રાક્ટ મંજૂર કરવો તે અંગે નિર્ણય લેવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 44 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. લોહાણા મહાજન ટ્રસ્ટ દ્વારા ધાર્મિક હેતુના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડ નિયત સમય મર્યાદા પહેલા બુકીંગ કરવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ સંસ્થાનો કાર્યક્રમ જ રદ્ થયો હોય આ દરખાસ્ત અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. મહાપાલિકામાં સાતમા પગાર પંચ મુજબ લેવલ-9માં વર્ગ-2માં ફરજ બજાવતા અધિકારીઓના સળંગ નોકરીના 12 વર્ષ બાદ લેવલ-11 મુજબ પગાર ધોરણ સુધારણાનો લાભ આપવાની દરખાસ્ત અગાઉ બે વખત પેન્ડિંગ રખાયા બાદ આજે બહાલી આપવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રો પરથી બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે કરવામાં આવેલો રૂ.22.42 લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. વોર્ડ નં.5માં પેડક રોડ પર અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ પાસેના અનામત પ્લોટમાં વોકીંગ ટ્રેક તથા કમ્પાઉન્ડ વોલ અને લાગૂ વોંકળા પર સ્લેબ કલ્વર્ટ કરી રિટેનીંગ વોલ બનાવવા માટે રૂ.2.30 કરોડનો, લાયન સફારી પાર્કમાં અલગ-અલગ બે જગ્યાએ ટુ-વે ગેઇટ બનાવવા માટે રૂ.1.46 કરોડનો અને ઇન્સ્પેક્શન પાથ બનાવવા રૂ.91 લાખ મંજૂર કરાયા છે. વોર્ડ નં.12માં રામધણથી પુનિતનગરના વોંકળામાં રિટેનીંગ વોલ બનાવવા માટે રૂ.11.25 કરોડ ખર્ચ મંજૂર કરાયો છે. સેક્રેટરી વિભાગમાં હવાલેથી ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓને સેક્રેટરી વિભાગના સ્ટાફ સેટઅપમાં સમાવવાના નિર્ણયને પણ બહાલી આપવામાં આવી છે. કુલ રૂ.38.16 કરોડના વિકાસકામો મંજૂર કરાયા છે. ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ સ્ટાફ સેટઅપ રિવાઇઝ કરવા અને ભરતીના નિયમોમાં ફેરફાર કરવાની દરખાસ્તોને પણ બહાલી આપવામાં આવી છે.

માનવીય અભિગમ: આર્થિક સ્થિતિ કથળતા આવાસ યોજનાની દુકાન ખરીદનારને રકમ પરત કરવાનો નિર્ણય

આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન જયમીન ઠાકરે માનવીય અભિગમ અપનાવી નિર્ણય લીધો હતો. કોર્પોરેશનની શહીદ સુખદેવ ટાઉનશીપના શોપીંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાન નં.5 વિનોદકુમાર રામભાઇ પ્રજાપતિ નામના વ્યક્તિએ જાહેર હરાજીમાં સૌથી ઉંચી રૂ.35.10 લાખની બોલી લગાવીને ખરીદી કરી હતી. 25 ટકા લેખે રૂ.8.77 લાખ કોર્પોરેશનમાં જમા કરાવ્યા હતા. દરમિયાન કોઇ કારણોસર તેઓની આર્થિક સ્થિતિ કથળતા તેમને આ રકમ પરત કરવા માટે કોર્પોરેશન સમક્ષ હાજીજી કરી હતી. જે અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાઇ હતી. દરમિયાન આજે ખડી સમિતિ દ્વારા વિનોદકુમાર પ્રજાપતિએ ભરેલા રૂ.8.77 લાખ પૈકી બે લાખની ડિપોઝીટની રકમ જપ્ત કરી બાકીની 6.77 લાખની રકમ પરત કરવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી છે.

બે વોર્ડમાં ડીઆઇ પાઇપલાઇનના નેટવર્ક માટે રૂ.12.68 કરોડ મંજૂર

શહેરમાં વર્ષો જૂની પાઇપલાઇનના સ્થાને કોર્પોરેશન દ્વારા ડીઆઇ પાઇપલાઇનનું નેટવર્ક ઉભું કરવામાં આવી રહ્યું છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વોર્ડ નં.2માં અમૃત-2 યોજના અંતર્ગત પુનિતનગર ઇએસઆરથી ડીઆઇ પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યૂશન નેટવર્ક તથા હાઉસ કનેક્શનનું કામ અને રોડ રિસ્ટોરેશનના કામ માટે રૂ.5.11 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. જ્યારે વોર્ડ નં.3માં જુદા-જુદા વિસ્તારમાં અમૃત-2 અંતર્ગત રૈયાધાર ઇએસઆરથી ડીઆઇ પાઇપલાઇન તથા રોડ રિસ્ટોરેશનના કામ માટે રૂ.7.57 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.

પ્રદ્યુમન પાર્કમાં મોટા ઉંદર, નાના વાંદરા અને કાચબા લગાશે

પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓ માટે આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા વધુ ત્રણ પ્રાણીઓ લાવવામાં આવશે. જેના પાંજરા બનાવવા માટે રૂ.58 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સ્મોલ અનિમલ કોપયુ (પાણીમાં રહેતા મોટા ઉંદર), મારકોસેટ (નાના વાંદરા) અને કાચબા લાવવામાં આવશે. બીજી તરફ પ્રદ્યુમન પાર્કમાં નિર્માણ પામી રહેલા લાયન સફારી પાર્કનું કામ પણ હવે આગળ ધપી રહ્યું છે. લાયન સફારી પાર્કમાં બે સ્થળોએ ટુ-વે ગેઇટ બનાવવા માટે રૂ.1.46 કરોડ અને ઇન્સ્પેક્શન પાથ માટે રૂ.91.34 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.