સ્ટીલ-લોખંડના કાચા માલનો ભાવ વધારો ફોર્જીંગ ઉદ્યોગનું ‘ગળુ ઘોંટી’ દેશે !!!

નિકાસને રોકવા સરકાર સમક્ષ માંગણી કરતા ફોર્જીંગના ઉદ્યોગકારો

ફોર્જીંગ ઉદ્યોગમાં સ્ટીલનો ઉપયોગ ભરપુર પ્રમાણમાં થાય છે. ત્યારે સ્ટીલના વધતા જતા ભાવ ફોર્જીંગ ઉદ્યોગનું ‘ગળુ ઘોંટી’ દે તેવી દહેશત છે. પરિણામે ફોર્જીંગ ઉદ્યોગકારોએ સ્ટીલ અને કાચા લોખંડનું નિકાસ બંધ કરવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ કરી છે.

ભારતીય ફોર્જીંગ ઉદ્યોગના સંગઠને રજૂઆતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં સ્ટીલના ભાવ ૨૫ થી ૩૦ ટકા વધી ગયા છે. જેની પરિણામે ફોર્જીંગ ઈન્ડસ્ટ્રી ઉપર સંકટના વાદળો ઘેરાયા છે.

કોરોના મહામારીના બાદ માંડ કળ વળી રહી છે. ત્યારે કેશ ફલો અને કેશ રિઝર્વ માટે મુશ્કેલી પડી રહી છે.

કાચા લોખંડ અને સ્ટીલની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવાની વિચારણા હાથ ધરવામાં આવે તેવી માંગણી છે. ફોર્જીંગ ઉદ્યોગમાં સ્ટીલ મુખ્ય કાચો માલ છે. ફોર્જીંગમાં ૬૦ થક્ષ ૬૫ ટકા ભાવ સ્ટીલનો હોય છે. ભાવના વધારાના કારણે ઈનપુટ કોસ્ટ વધી જશે. છેલ્લા ૬ મહિનાની ૧૦ સુધી ભાવ વધ્યો છે. હજુ ૧૫ ટકા ભાવ વધશે. મહિનામાં હોટ રોલેડ કોઈલનો જથ્થાબંધ બજારમાં ભાવ ટન દીઠ રૂ.૩૬,૫૦૦ હતો જે હવે ૪૩ ટકા વધીને રૂ.૫૨૦૦૦ સુધી પહોંચી ગયો છે. ગુણવત્તાસભર સ્ટીલના ભાવ હજુ વધશે જેના કારણે ફોર્જીંગ ઉદ્યોગને વધુ તકલીફ પડશે.

હોટ રોલ્ડ કોઈલનો ભાવ ૪૩ ટકા વધ્યો !

જુલાઈ મહિનામાં હોટ રોલ કોઈલનો જથ્થાબંધ ભાવ રૂા.૩૬૫૦૦માંથી વધીને રૂા.૫૨૦૦૦એ પહોંચી ગયો હતો. આ વધારો ૪૩ ટકા જેટલો તોતિંગ હતો.

ઘર આંગણે સ્ટીલના વધતા ભાવ પાછળ નિકાસ જવાબદાર

ઘર આંગણે સ્ટીલના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. પાડોશી દેશોને સ્ટીલ વધુ પ્રમાણમાં નિકાસ થતું હોવાથી સ્થાનિક સ્તરે ભાવ વધ્યા છે. ઘર આંગણે માંગ સામે પુરવઠો મળતો નથી. કાચુ લોખંડ થોડા સમયમાં જ ૬૩ ટકા ઉછળ્યું હતું.