રિસ્ક હૈ તો ઈશ્ક હૈ: શું આજથી શરૂ થતા ટેસ્ટ મેચમાં ભારત અખતરો કરશે?

અબતક, લંડન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ ગુરૂવારે લંડનના ધ ઓવલમાં રમાશે. પાંચ મેચોની શ્રેણીમાં બંને ટીમે ૧-૧ મેચ જીતી છે. ભારતીય ટીમ લીડ્સ મેચ હાર્યા બાદ ધ ઓવલમાં ધમાકેદાર પર્ફોમન્સ સાથે ઉતરશે. ભારતીય ટીમ શ્રેણીમાં ફરી એક વખત મેચ જીતવાની આશા ઉતરશે.

ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર જોવા મળી શકે છે. આઉટ ફોર્મમાં ચાલી રહેલા વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે પણ ટીમમાંથી આઉટ થઈ શકે છે. તો રહાણેની જગ્યાએ હનુમા વિહારીને ટીમમાં સામેલ કરાઈ શકે છે. આ સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની જગ્યાએ સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિનની ટીમમાં વાપસી થઈ શકે છે. તો ફાસ્ટ બોલર ઈશાન્ત શર્માની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્ના અથવા શાર્દૂલ ઠાકુર અંતિમ ઈલેવનમાં સ્થાન બનાવી શકે છે.

અશ્વિન ભારતીય ટીમના નંબર વન બોલર છે અને ટેસ્ટ શ્રેણીની ત્રણ મેચોમાં તેમને રમવાની તક મળી નથી. કેપ્ટન વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટ તરફથી ચાર ફાસ્ટ બોલર અને રવિન્દ્ર જાડેજાના કોમ્બિનેશનને તક આપવામાં આવી. જેમાં જાડેજાની બેટિંગને પ્રાધાન્ય આપવામાં આવ્યું.

 ઓવલની પિચ પર સિમની જગ્યાએ સ્પિન બોલિંગને વધુ મહત્વ આપશે ટીમ ઇન્ડિયા ? 

અનુભવી ફાસ્ટ બોલર ઈશાન્ત શર્માએ લીડ્સ ટેસ્ટ મેચમાં કોઈ ખાસ પ્રદર્શન કર્યુ નથી. તેમની બોલિંગની ઝડપ પણ ૧૨૦ થી ૧૩૦ કિમિ પ્રતિ કલાકની વચ્ચે રહી હતી. તેણે ૨૨ ઓવર ફેંકી હતી અને એક વિકેટ પણ લીધી ન હતી. ઈશાન્તની જગ્યાએ પ્રસિદ્ધ ક્રિષ્ના અથવા શાર્દૂલ ઠાકુરને ટીમમાં સ્થાન મળી શકે છે. શાર્દૂલ લોઅર સ્થાને આવીને ધુઆદાર બેટિંગ કરીને પોતાનું યોગદાન આપે છે. શાર્દૂલે શ્રેણીની પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કર્યુ હતું.

ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમમાં અન્ય ફેરફાર પણ થઈ શકે છે. બુમરાહને બહાર કાઢી સીરાજને સ્થાન અપાય તો પણ નવાઈ નહીં. ભારત ચોથા ટેસ્ટમાં અનેક અખતરા કરી શકે છે. જે રીતે ત્રીજા ટેસ્ટમાં ભારતીય ટીમ ફક્ત ૭૮ રનમાં સમેટાઈ ગઈ હતી જેની સામે ઇંગ્લેન્ડની ટીમે ખૂબ મોટો સ્કોર ખડકયો હતો તેમાં બેટ્સમેનો કરતા બોલર્સની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે.

ઇંગ્લિશ ટીમના કેપ્ટન જો રુટને મેદાન પર જામી જતા પૂર્વે આઉટ કરવો અતિ આવશ્યક છે. ગત મેચમાં ભારતીય બોલર્સ રુટને આઉટ કરી શકયા ન હતા જેના કારણે રૂટે ટીમને એક મજબૂત સ્કોર આપ્યો હતો. ત્યારે હવે રુટને આઉટ કરવા ભારતીય ટીમના નંબર ૧ બોલર અશ્વિનને મેદાનમાં ઉતારવો ખૂબ જરૂરી છે.

બંને ટીમો માટે ચોથો ટેસ્ટ જીતવો અતિ મહત્વપૂર્ણ બની ગયું છે. પાંચ મેચની સિરીઝમાં જે ટીમ ચોથો મેચ જીતશે તે સિરીઝમાં ૨-૧ની લીડ મેળવી લેશે જેથી તે ટીમની સિરીઝમાં હાર તો નહીં જ થાય. ત્યારે બંને ટીમો એડી ચોંટીનું જોર લગાવી દેશે. ભારતીય ટીમે અખતરા કરવા ખૂબ જરૂરી છે. ઇંગ્લિશ ટીમના બેટ્સમેનોને નજીવા સ્કોરે પેવેલિયન ભેગા કરવામાં જો ટીમ ઇન્ડિયા સફળ રહી તો ચોક્કસ ચોથો ટેસ્ટ ભારતીય ટીમ અંકે કરી શકશે.

ચોથા ટેસ્ટમાં ભારતીય ટીમ સિમ બોલિંગ કરતા સ્પિન બોલિંગને વધુ મહત્વ આપે તેવું પણ લાગી રહ્યું છે. ઓવલની પિચ પર અગાઉ ટીમ ઇન્ડિયાને ટેસ્ટ મેચમાં ક્યારેય વિજય મળ્યો નથી. ઓવલ પિચ પર બોલ ખૂબ જ ટર્ન થતા જોવા મળે છે. ત્યારે સ્પિન બોલિંગની ભૂમિકા ખૂબ વધી જાય છે. જેના કારણે ભારતીય ટીમ ૩ ફાસ્ટ બોલર અને ૨ સ્પિન બોલર સાથે મેદાનમાં ઉતરે તેવું લાગી રહ્યું છે.