- સાવચેતી જ સલામતી !!!
- બળતરા, આનુવંશિક પરિબળો અને વિટામિનની ઉણપ હૃદયરોગનું જોખમ વધારી શકે છે
- બેઠાડું જીવનશૈલી હૃદય રોગ માટે ખતરારૂપ
- ડાબા હાથમાં ખાલી ચડવી કે ભારે લાગવો, છાતીમાં ભાર લાગવો, ગભરામણ, મુંજારો, ચક્કર આવવા જેવા લક્ષણોને અવગણો નહીં
આજકાલ હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. કોઈ પણ ઉંમરે કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવી જવાના કિસ્સાઓ છાશવારે આપણે સાંભળી રહ્યા છીએ ત્યારે આપણા શરીરને જીવંત રાખતું અને 24/7 કાર્યરત રહેતા હૃદયની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.
આ અંગે નિષ્ણાતો જણાવે છે કે કોલેસ્ટ્રોલના સામાન્ય સ્તરને હૃદયના સંપૂર્ણ સ્વાસ્થ્યની ગેરંટી ન ગણી શકાય. નવા સંશોધનો અનુસાર, સામાન્ય કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોમાં પણ બળતરા, આનુવંશિક પરિબળો અને વિટામિનની ઉણપ હૃદયરોગનું જોખમ વધારી શકે છે.
હૃદયના જોખમોનું મૂલ્યાંકન કરવા માટે વત-CRP (બળતરાનું માર્કર), લિપોપ્રોટીન (ફ) (આનુવંશિક ખરાબ કોલેસ્ટ્રોલ) અને હોમોસિસ્ટીન (વિટામિન બી ની ઉણપ સંબંધિત) જેવા નવા માર્કર્સનું પરીક્ષણ હવે પ્રમાણભૂત લિપિડ પેનલ જેટલું જ મહત્વપૂર્ણ છે.આધુનિક જીવનશૈલીમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
તણાવ, બેઠાડું જીવન, ફાસ્ટ ફૂડનું સેવન અને પૂરતી ઊંઘનો અભાવ જેવા પરિબળો હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં, શહેરના અગ્રણી આરોગ્ય નિષ્ણાતો – હોમિયોપેથી ક્ધસલ્ટન્ટ ડો. રાજેશ પટેલ, હાર્મની ફિઝીયોથેરાપી ના ડો. હની મહેતા, આયુર્વેદ ક્ધસલ્ટન્ટ ડો. સંજય જીવરાજાની, અને કાર્ડિયોલોજિસ્ટ ડો. મિહિર તન્ના – એ હૃદયરોગના કારણો, લક્ષણો અને તેના નિવારણ માટે મહત્ત્વપૂર્ણ દ્રષ્ટિકોણ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
ઓછી સુગર અને ફાસ્ટ ફુડ ટાળી નિયમિત કસરત કરવી હ્રદયના સ્વાસ્ય માટે જરૂરી: ડો. મિહિર તન્ના
શહેરના અગ્રણી કાર્ડિયોલોજિસ્ટ ડો. મિહિર તન્નાએ હૃદય રોગના વધતા જતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના મુખ્ય કારણો, લક્ષણો અને આધુનિક સારવાર પદ્ધતિઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને આનુવંશિકતાને હૃદય રોગના મુખ્ય કારણો ગણાવ્યા હતા. ડો. તન્નાએ ખાસ કરીને એચડીએલ (સારું) અને એલડીએલ (ખરાબ) કોલેસ્ટ્રોલના પ્રકારો સમજાવ્યા અને કહ્યું કે લોહી જાડું હોવું એટલે હંમેશા કોલેસ્ટ્રોલ વધારે હોવું એવું નથી. તેમણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ધુમ્રપાન જેવી આદતો પર નિયમિત તપાસ કરાવવાના મહત્વ પર ભાર મૂક્યો.
ડો. તન્નાએ ઇિં ઈછઙ ટેસ્ટનું મહત્વ સમજાવ્યું, જે હૃદયની નસોમાં સોજાનું પ્રમાણ દર્શાવે છે. 6 થી ઉપરનું સ્તર જોખમી ગણાય છે. લિપો પ્રોટીન અને હોમોસિસ્ટિનનું વધેલું પ્રમાણ લોહીને ઘટ્ટ બનાવી હૃદય રોગનું જોખમ વધારે છે. વિટામિન ઇ6 અને ઇ12 ની ઉણપ પણ આમાં ફાળો આપી શકે છે. તેમણે જણાવ્યું કે લગભગ 70% લોકોને હૃદય રોગ આવ્યા પેલા છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, થાક લાગવો, ઊંધો ગેસ, ખભા કે વાંસામાં દુખાવો જેવા અગાઉથી સંકેતો મળે છે, જેને અવગણવા ન જોઈએ.નિવારણ માટે, ડો. તન્નાએ નાનપણથી જ સ્વસ્થ આહાર અપનાવવા, ઓછી સુગર અને ફાસ્ટ ફૂડ ટાળવા તેમજ નિયમિત કસરત કરવાની સલાહ આપી. ફેમિલી હિસ્ટ્રી ધરાવતા લોકોએ ધુમ્રપાન ટાળીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ. સારવાર પદ્ધતિઓમાં આવેલા બદલાવ અંગે તેમણે એન્જીયોગ્રાફી, બલૂન, સ્ટેન્ટ અને બાયપાસ સર્જરી જેવી આધુનિક પદ્ધતિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હૃદય રોગ માટે તાસીર અને જીવનશૈલી સૌથી અગત્યનો ભાગ ભજવે છે. સુગર, સોલ્ટ અને મેંદો ઓછો ખાવા, યોગા, પ્રાણાયામ અને મેન્ટલ હેલ્થ પર ધ્યાન આપવાથી લાંબા સમય સુધી રોગમુક્ત રહી શકાય છે.
આધુનિક જીવનશૈલી અને આહાર હ્રદય રોગ થવાનું મુખ્ય કારણ: ડો. સંજય જીવરાજાની
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદના પ્રેસિડેન્ટ અને આયુર્વેદ ક્ધસલ્ટન્ટ, ડો. સંજય જીવરાજાનીએ હૃદય રોગના વધતા જતા પ્રમાણ પર ચિંતા વ્યક્ત કરી અને આયુર્વેદિક દૃષ્ટિકોણથી તેના નિવારણ અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે અનિયંત્રિત જીવનશૈલી અને આહાર હૃદય રોગના મુખ્ય કારણો છે, જેમાં વધુ પડતા તેલવાળી વસ્તુઓ, નોનવેજ, ચીઝ અને મલાઈવાળી પ્રોડક્ટ્સનું સેવન તેમજ શાકભાજી અને ફળોનો ઓછો ઉપયોગ જવાબદાર છે. આ ઉપરાંત, ભોજન પછી શારીરિક પ્રવૃત્તિનો અભાવ, ગુટકા, સિગારેટ, દારૂ જેવા વ્યસનો અને માનસિક તણાવ પણ હૃદય રોગનું જોખમ વધારે છે.
ડો. જીવરાજાનીએ હૃદય રોગના પ્રાથમિક લક્ષણો વિશે માહિતી આપતા કહ્યું કે ડાબા હાથમાં ખાલી ચડવી, છાતીમાં ભાર લાગવો, ગભરામણ, મુંઝારો, ચક્કર આવવા, ઊલટી થવી, ઠંડો પરસેવો વળવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા સંકેતોને ગંભીરતાથી લેવા જોઈએ. તેમણે ગેસ-એસિડિટી અને હૃદય રોગ વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે, હૃદય રોગમાં ઊલટી થવી અને ઠંડો પરસેવો વળવો એ મુખ્ય નિશાની છે, જે ગેસ-એસિડિટીમાં જોવા મળતી નથી.
આયુર્વેદિક ઉપચાર અને નિવારક પગલાં સૂચવતા ડો. જીવરાજાનીએ સવારે લીંબુ નાખીને હુંફાળું પાણી પીવું અને 30 થી 40 મિનિટ ચાલવા પર ભાર મૂક્યો. આહારમાં સંતુલન જાળવીને જંક ફૂડ ટાળવું અને ફળોનું પ્રમાણ વધારવાની સલાહ આપી. 40 વર્ષ પછી વર્ષમાં એકવાર અને 50 પછી દર છ મહિને નિયમિત મેડિકલ ટેસ્ટ કરાવવાની ભલામણ કરી. તેમણે અર્જુન શિરપાક, લસણ, આદુ, પ્રભાકરવટી (ડોક્ટરની સલાહ મુજબ), અને પંચકર્મ પદ્ધતિઓ જેવા આયુર્વેદિક ઉપચારોને પણ ફાયદાકારક ગણાવ્યા. તેમણે લોકોને પોતાની ક્ષમતા મુજબ જ શારીરિક શ્રમ કરવા અને નિષ્ણાતની દેખરેખ હેઠળ કસરત કરવાની સલાહ આપી, અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીને હૃદય રોગથી બચવા અને યોગ્ય કાળજી લેવા અપીલ કરી.
સ્ટ્રેસ હાર્ટ એટેકનું મુળ, રોગનો ભય રોગ કરતાં વધુ ખતરનાક: ડો. રાજેશ પટેલ
25 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા હોમિયોપેથી ક્ધસલ્ટન્ટ ડો. રાજેશ પટેલે હૃદયના સ્વાસ્થ્ય અને તેના સંકેતો વિશે મહત્ત્વપૂર્ણ દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે શરીર હૃદયરોગ થવાના અણસાર આપે છે, જેમાં હોમોસિસ્ટિન અને કોલેસ્ટ્રોલનું સ્તર મુખ્ય ભૂમિકા ભજવે છે. ડો. પટેલના મતે, હોમોસિસ્ટિન નામનું પ્રોટીન, જેનું સામાન્ય સ્તર 6 થી 15 માઇક્રોમોલ પ્રતિ લીટર હોય છે, તે વધવાથી હૃદય પર જોખમ વધે છે. આ ઉણપ ખાસ કરીને વિટામિન ઇ6, ઇ12 અને ફોલિક એસિડની કમીને કારણે થાય છે. જ્યારે કોલેસ્ટ્રોલ (સામાન્ય સ્તર 200 મિલીગ્રામ પ્રતિ લીટર) શરીર માટે અત્યંત જરૂરી છે, જે પાચન, સેલ વોલની મજબૂતી અને હોર્મોન્સ-વિટામિન ડીના નિર્માણમાં મદદ કરે છે.
ડો. પટેલે ભારપૂર્વક જણાવ્યું કે હોમોસિસ્ટિન અને કોલેસ્ટ્રોલની ઉણપને દવાઓ વિના પણ આહાર અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા પૂરી કરી શકાય છે. તેમણે લીલા શાકભાજી, દહીં, પનીર, માખણ, ફણગાવેલા કઠોળ અને પલાળેલા ચણાનો આહારમાં સમાવેશ કરવાની ભલામણ કરી. તેમણે ખાસ કરીને આજકાલની મોટાભાગની બીમારીઓ, ખાસ કરીને હૃદયરોગ, જીવનશૈલી આધારિત હોવાનું અને તણાવ (સ્ટ્રેસ) તેમાં મોટો ભાગ ભજવે છે તેમ જણાવ્યું. “રોગનો ભય પણ રોગ કરતાં વધુ ભયાનક છે,” તેમ કહી તેમણે તણાવમુક્ત જીવનશૈલી અપનાવવા પર ભાર મૂક્યો. હોમિયોપેથીમાં, “રોગ કરતા રોગીને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે,” એટલે કે દર્દીના માનસિક તણાવ અને મનોદૈહિક પાસાઓને ધ્યાનમાં રાખીને સારવાર અપાય છે.
હૃદયરોગથી બચવા માટે, ડો. પટેલે મેડિટેશન, પ્રાણાયામ, મેન્ટલ રિલેક્સેશન, નિયમિત કસરત, ચાલવું, શાકાહારી અને હેલ્ધી ડાયટ અપનાવવાની તેમજ જંક ફૂડ ટાળવાની સલાહ આપી. સૌથી અગત્યનું, તેમણે માનસિક તણાવ ઓછો રાખવા પર ભાર મૂક્યો, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ચાવીરૂપ છે..
નિષ્ણાંતની દેખરેખ હેઠળ અને ક્ષમતા મુજબ જ શારીરિક શ્રમ કરવો હિતાવહ: ડો. હની મહેતા
હાર્મની ફિઝીયોથેરાપીના ઓનર અને ફાઉન્ડર ડો. હની મહેતાએ હૃદય રોગના મૂળભૂત કારણો અને તેના નિવારણમાં ફિઝિયોથેરાપીની ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના મતે, બેઠાડું જીવન, જંક ફૂડનું સેવન, પૂરતી ઊંઘનો અભાવ, વિટામિન ડી અને બી12 ની ઉણપ, અને તણાવ (સ્ટ્રેસ) હૃદય રોગ માટે મુખ્યત્વે જવાબદાર છે. તેમણે હૃદયને “સાઈલેન્ટ કિલર” ગણાવ્યું કારણ કે તે લક્ષણો સ્પષ્ટ દેખાતા નથી ત્યાં સુધી ફરિયાદ કરતું નથી. જોકે, છાતીમાં દુખાવો, ડાબા હાથે દુખાવો ઉતરવો, અસામાન્ય થાક લાગવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવી જરૂરી છે.
ડો. મહેતાએ ફિઝિયોથેરાપીની ભૂમિકા સમજાવતા કહ્યું કે આજના બેઠાડું જીવનમાં, ખાસ કરીને ઓફિસ વર્ક કરતા લોકો માટે, શારીરિક પ્રવૃત્તિ ઘટી ગઈ છે. આવા સમયે, શરીરને સક્રિય રાખવા માટે ફિઝિયોથેરાપી ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે હૃદય રોગથી બચવા માટે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વોકિંગ અથવા સાયકલિંગ અને એરોબિક એક્સરસાઇઝ કરવાની સલાહ આપી. આ ઉપરાંત, જંક ફૂડ ટાળીને ઘરે બનાવેલો ખોરાક લેવો, દૈનિક આહારમાં લીલા શાકભાજી, ફળો અને દૂધનો સમાવેશ કરવો. ઓછામાં ઓછી આઠ કલાકની ઊંઘ લેવાથી તણાવ ઓછો થાય છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. ઉંમર વધવાની સાથે વર્ષે એકવાર નિયમિત ચેકઅપ કરાવવું પણ હિતાવહ છે.
જે લોકોને હળવો હાર્ટ એટેક આવ્યો હોય, તેમના માટે ફિઝિયોથેરાપી અત્યંત મહત્વપૂર્ણ છે. ડો. મહેતાએ જણાવ્યું કે આઈસીયુમાંથી જ દર્દીના વાઇટલ્સ મોનિટર કરીને બ્રિધિંગ એક્સરસાઇઝ શીખવવાથી લઈને વ્યક્તિની ક્ષમતા મુજબ કસરતો સૂચવવામાં આવે છે.
શ્વાસોશ્વાસને નિયંત્રિત કરવામાં અને શારીરિક સ્વસ્થતા જાળવવામાં ફિઝિયોથેરાપી ખૂબ અસરકારક છે. તેમણે વધુ પડતી કસરત કે જીમમાં ક્ષમતા કરતાં વધુ વજન ઉઠાવવા સામે ચેતવણી આપી. તેમણે લોકોને સંદેશ આપ્યો કે, “તમે જે પણ શારીરિક એક્ટિવિટી કરી શકો છો, તે શરૂ કરી દેવી જોઈએ. અને એકવાર કોઈ કન્ડિશન આવે, તો યોગ્ય કાળજી રાખવી જોઈએ જેથી તે બીજી વાર ન આવે.”