Abtak Media Google News

વિધાનસભા દીઠ પેજ સમિતિનું કાર્ય પરિપૂર્ણ કરીએ તો બેઠક 50 હજારથી વધુ લીડથી જીતી શકાય: પ્રદેશ ભાજપ અધ્યક્ષ

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના કાર્યકાળને 2 વર્ષ પૂર્ણ થતા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે અગત્યની પ્રદેશ બેઠક યોજવામાં આવી હતી.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું કે, મારા 2 વર્ષના કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપાએ વિધાનસભાની પેટાચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં જે ભવ્યાતીભવ્ય વિજય મેળવ્યો છે તે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમનું પરિણામ છે. સંગઠનાત્મક પ્રક્રિયામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુર્દેશીભર્યા નિર્ણયોને કારણે અમુક મહત્વના નિર્ણયો લઇને આગામી 25-30 વર્ષના ગુજરાત ભાજપના સંગઠનને ધ્યાને રાખીને રોડ મેપ નક્કી કરવામાં આવ્યો છે તે અંતર્ગત સંગઠનમાં એક વ્યક્તિને એક થી વધુ જવાબદારી નહીં, એક પરિવારમાંથી એક થી વધુ વ્યક્તિને જવાબદારી નહી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રણ ટર્મથી વધુ ચૂંટણી જીતેલ અથવા તો 60 વર્ષની વય મર્યાદાને ધ્યાનમાં રાખીને ટિકીટોની વહેચણી કરવામાં આવી હતી. પેજ સમિતીના અભેદ શત્રના કારણે 8 વિધાનસભામાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભવ્ય વિજય સાથે સાથે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં 90 ટકાથી વધારે બેઠકો સાથે ગુજરાતમાં ભાજપાનો ભવ્ય વિજય થયો છે. આ બધુ જ કાર્યકર્તાઓના અથાગ પ્રયત્ન અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેની લોકલાગણી, જન ચાહનાનો પડધો છે.

પેજ સમિતી અને બુથ સમિતીનો કાર્યકર્તા જન સંપર્ક કરીને પ્રજાની ગેર સમજ દૂર કરીને પાર્ટીએ જાહેર કરેલ ઉમેદવારને બહુમતીથી જીતાડવાનો જે પ્રયત્ન કરે છે તે ખરેખર વંદનીય અને અભિનંદનીય છે.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે દેશની વિવિધ રાજકીય પાર્ટીઓ અંગે કટાક્ષ કરતા જણાવ્યું કે આપણી તમામ વિરોધી પાર્ટીઓ એ માત્રને માત્ર એક પરિવારની કે એક પ્રદેશની પાર્ટી બનીને રહી ગઇ છે ત્યારે ભાજપા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી રાજકીય અને રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે તેના કારણે દેશના લોકોની અપેક્ષા પણ ભાજપાથી ખૂબ વધી ગઇ છે. આપણે દેશના વિકાસ – રક્ષણ – સુરક્ષા – લાંબા ગાળાના આયોજનો થકી દેશવાસીઓની સેવા કરવાનો સંકલ્પ કરીને દેશના લોકોના ભવિષ્ય માટે, બાળકો માટે, દેશ માટે સતત મજબૂતાઇ થી કાર્યશીલ રહીએ તેવી અપીલ સૌને કરી હતી. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પેજ કમિટીની વૈજ્ઞાનિક ફોર્મ્યુલા સૌને દર્શાવતા જણાવ્યું કે, વિભાનસભા દીઠ પેજ સમિતીનું કાર્ય પરીપુર્ણ કરીને આપણે દરેક બેઠક 50 હજારથી વધુની લીડથી જીતી શકીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.