Abtak Media Google News

જન સેવાની એક પણ તક ન ચૂકવવા અધિકારીઓને સીએમનું આહવાન: ચિંતન શિબિરનું સમાપન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે યોજાયેલી રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા કહ્યું કે, અંત્યોદય-છેવાડાના માનવીને પણ સરકારી સેવા કે યોજનાનો લાભ મેળવવામાં કોઇ મુશ્કેલી ના પડે તેવી રાજ્ય સરકારની નવતર કાર્યશૈલી વિકસાવવા અને તેમાં ટેક્નોલોજીનો વિનિયોગ કરવા ચિંતન શિબિર ખૂટતી કડીઓ પૂરવાનું કામ કરે છે.

ભૂપેન્દ્રભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે  રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને હજું પણ આપણે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ એમ છીએ. ચિંતનશિબિર આપણને સૌને નિજદર્શન કરવાની તક આપે છે. કોઇ જગ્યાએ કંઇ મુશ્કેલી હોય તો તેને આ શિબિરના માધ્યમથી ઉકેલી શકાય છે.પહેલ કરવાની વૃત્તિ વિકસાવવાનું આહ્વાન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, શુભકાર્યની શરૂઆત તો કરવી જ પડે. સારા કાર્યોમાં શરૂઆતના તબક્કે થોડા વિઘ્નો પણ આવી શકે છે. આવા વિઘ્નોને દૂર કરવાની પણ આપણા સૌમાં ક્ષમતા રહેલી છે. નવતર બાબતોના અમલમાં કેવી મુશ્કેલી કે પડકારો આવી શકે, તે શોધવા માટે ચિંતન શિબિરના વિચારો બહુ જ ઉપયોગી નિવડે છે. પ્રજાકલ્યાણનું શ્રેષ્ઠ કર્મ કરવું હોય તો નવોન્મેષ વિચારો સાથે આગળ વધવું પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ચિંતન શિબિરના માધ્યમથી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર થાય છે, એમ કહેતા મુખ્ય મંત્રી પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકાર નાગરિકોના હિતમાં સારી તમામ બાબતો અને સૂચનોના આધારે કામ કરી રહી છે. આવા સૂચનો અને ચિંતનશિબિરના મનોમંથનમાંથી આવેલા નિષ્કર્ષો ઉપર ત્વરિત કામ કરવા તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી એ અધિકારીઓને તણાવમુક્ત વાતાવરણમાં કામગીરી કરવાનું અનુરોધ કરી ફરજનિષ્ઠાથી કર્મઠ રહીને સુશાસન તેમજ સામાન્ય માનવીના ભલા માટે વૈષ્ણવજન જેવા નિષ્કામ ભાવથી કામ કરવા પ્રેરક સૂચન કર્યું હતું.તેમણે માનવગૌરવ ગાન અને વૈષ્ણવજન ભજનનો સાર કહેતા જણાવ્યું કે, આપણને સૌને કુદરતે સરકારમાં રહીને સેવા કરવાની તક આપી છે. ત્યારે જનસેવાની એક પણ તક ચૂકવી જોઇએ નહીં.

મુખ્યમંત્રી એ જણાવ્યું કે, વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલી, આચરણ અને પ્રજાના પ્રશ્નો સમજી તેને સકારાત્મક રીતે હલ કરવાની રીત આપણને ઘણું શીખવે છે. તેમણે ચિંતન શિબિરનો હેતું મેં નહીં, હમ અને વન ટીમ, વન વિઝન, વન મિશન, ટીમ ગુજરાત થકી સમજાવ્યો છે. આ બાબત આપણને એક ટીમ બની કામ કરવાની પ્રેરણા આપે છે.

તેમણે કહ્યું કે, એક ટીમ બની કેવી રીતે કામ કરવું એ વિશે વડાપ્રધાનએ એક સારી બાબત કહી છે. ટીમમાં ભાષા અનેક, ભાવ એક. રાજ્ય અનેક, રાષ્ટ્ર એક. પંથ અનેક, લક્ષ્ય એક. બોલી અનેક, સ્વર એક. રંગ અનેક, તિરંગો એક. સમાજ અનેક, ભારત એક. રિવાજ અનેક, સંસ્કાર એક. યોજના અનેક, મકસદ એક. કાર્યસંકલ્પ અનેક, રાહમંઝીલ એક. પહેરાવ અનેક, પ્રતિભા એક. ચહેરા અનેક, મુસ્કાન એક એમ વિવિધતામાં એકતા સાથે કામ કરવાનું છે. મુખ્યમંત્રીએ સૌ એક થઇ, નેક થઇ ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોચિંગ કર્યું હતું.

એકતાનગર ખાતે  ચિંતન શિબિરનો  સમાપન સમારોહ યોજાયો હતો. જે સંદર્ભે આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે   જણાવ્યું હતું કે, સૌ મંત્રીઓ, અધિકારીઓ સહિત જેમના શિરે ગુજરાતનું ભલું કરવાની, વંચિત, પીડિત, શોષિતોના હમદર્દ બનવાની જવાબદારી છે તે સૌ માટે સાડા છ કરોડ ગુજરાતીઓના કલ્યાણની નવી દિશા, નવી ઉર્જા મેળવવા માટેના વૈચારિક મંથનની આ ત્રણ દિવસની ’ચિંતન-મનન શિબિર’ શિબિર ફળદાયી રહી છે.

ગુજરાતના બહેતર વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આ શિબિરમાં થયેલું મનોમંથન મહત્વપૂર્ણ બનશે.  વિવિધ ચર્ચા સત્રોમાં સૌ મંત્રીઓ, સચિવો, અધિકારીઓ નહીં, સિનિયર, જુનિયરના ભેદ નહીં પણ એક સામાન્ય શિબિરાર્થી બન્યા હતા. પોતાની શક્તિઓ, ક્ષમતાઓને ઉજાગર કરી સામૂહિક ચિંતન મનન વિચાર વિમર્શ કરીને પ્રજાને સુશાસન, યોજનાકીય લાભો અને સુખાકારી અર્પવા માટે મોટીવેટ અને પ્રતિબદ્ધ બન્યા છે. જેની ઝલક હરેક ચર્ચામાં જોવા મળી છે તેનો સંતોષ વ્યકત કર્યો હતો.

તેમણે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ(એ.આઈ.)ના સકારાત્મક ઉપયોગથી વહીવટને વધુ સરળ, પીપલ સેન્ટ્રીક બનાવીશું એવી પણ ચર્ચાવિચારણા થઈ છે એમ જણાવી નવી ટેકનોલોજી અપનાવવા રાજ્ય સરકાર હરહંમેશ તત્પર અને અગ્રેસર રહી છે, ત્યારે સરકારની કામગીરીને અસરકારક બનાવવા આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ ગુજરાતના પ્રશાસનિક વહીવટનો ભાગ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.