અમદાવાદથી રાજકોટ આવતા રૂ.૪ કરોડના સોનાની લૂંટ

કપડવંજ-રાજકોટ રૂટની એસ.ટી. બસને બાવળા પાસે કારમાં આવેલા છ શખ્સોએ અટકાવી આંગડીયા પેઢીના બે કર્મચારીનાં અપહરણ કરી લૂંટ ચલાવી

ઈન્કમટેક્ષના અધિકારીના સ્વાંગમાં આવેલા લૂંટારાઓએ આંગડીયાના બંને કર્મચારીને ખેડા નજીક ખેતરમાં બાંધી દીધા

જાણભેદુ લૂંટારાઓએ રેકી કરી લૂંટ ચલાવ્યાની શંકા સાથે સીસીટીવી ફૂટેજ તપાસતી પોલીસ

બાવલા બગોદરા હાઈવે પર એસ.ટી.બસમાં દિલધડક લુંટનો બનાવ બન્યો હતો. જેમાં કારમાં આવેલા છ શક્સોએ બસ અટકાવીને અંદર ઘુસી બે આંગડીયા કર્મચારીઓને ઈન્કમટેક્સના ઓફિસર છીએ કહીને નીચે ઉતાર્યા હતા. બાદમાં બન્નેને કારમાં ખેડા લઈ જઈને બાંધી દીધા હતા. બાદમાં તેમની પાસેથી ૩ કરોડની કિંમતનું પાંચ કિલોગ્રામ સોનુ લઈને ફરાર થઈ ગયા હતા. બગોદરા પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ રતનપોળમાં મિર્ચી પોળમાં આવેલી અમૃતલાલ માધવલાલ એન્ડ કંપનીના કર્મચારી અને પાટણમાં રહેતા ચૈનાજી લાલુજી પરમાર તથા મિર્ચી પોળમાં જ આવેલી માધવલાલ મગનલાલ એન્ડ કંપનીના નરોડા પાસેના હંસપુરામાં રહેતા કર્મચારી રાજેશભાઈ ચેલાભાઈ પટેલ(૫૫) ૨૪ ફેબુ્રઆરીના રોજ સવારે ગીતા મંદિરથી એસ.ટી બસમાં રાજકોટ જવા નીકળ્યા હતા. દરમિયાન બસ બાવળા બગોદરા હાઈવે પર કલ્યાણગઠ, કામધેનુ કંપની પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે કારમાં આવેલા છ શક્સોએ એસ.ટી.બસને અટકાવી હતી. બાદમાં કારમાંથી બે શક્સો ઉતરીને બસમાં ચઢ્યા હતા. તેમણે ચૈલાજી પરમાર અને રાજેશભાઈ પટેલને પોતે ઈન્ક્મટેક્સના ઓફિસરો છે કહીને બસમાંથી નીચે ઉતાર્યા હતા. તેમણે તપાસ માટે જવાનું છે કહીને બન્નેને કારમાં બેસાડી દીધા હતા.

ત્યારબાદ આ શક્સો બન્નેને કારમાં ખેડા પાસેના રઢુ ગામ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેમમે બન્નેને બાંદી દીધા હતા તેમણે બન્ને પાસેથી અંદાજે રૃ.૩,૦૦,૦૦,૦૦૦ ની કિમતનું પાંચ કિલોગ્રામ સોનું લુંટી લીધું હતું.  લુંટ કર્યા બાદ આ શક્સો ત્યાંતી કારમાં ભાગી ગયા હતા. દરમિયાન અહીંતી પસાર થતા કોઈ વાહનચાલકે બન્નેને બાંધેલી હાલતમાં જઈને પુછપરછ કરતા લુંટ થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બગોદરા પોલીસ ઘટનાસ્થલે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આંગડીયાના બન્ને કર્મચારીઓની પુછપરછ કરીને આ અંગે ગુનો નોંધ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા વીરેન્દ્રસિંહ યાદવના જણાવ્યા મુજબ આરોપીઓએ બન્ને આંગડીયા કર્મચારીઓની પહોંલા રેકી કરી હોવાની શંકા છે. તે સિવાય બન્ને વેપારીઓ પાસે મોટી રકમનું સોનુ હોવાની ટીપ આપી હોવાની શક્યતા છે. હાલમાં પોલીસે આ વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.