આગામી દશકામાં ઈલેકટ્રોનિક મીડિયાની રોકેટ ગતિ રૂ.૭૫૦ લાખ કરોડનો વેપલો કરાવી દેશે

હવેનો દશકો ઈલેકટ્રોનિક મીડિયાનો !

ડિજિટલ મીડિયાની મર્યાદા અને વિશ્વાસનીયતાનો અભાવ આગામી સમયમાં ઈલેકટ્રોનિક મીડિયાનું કદ વધારી દેશે

સ્ટાર એન્ડ ડિઝની ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર કે.માધવનના મત અનુસાર દેશમાં ઈલેકટ્રોનિક મીડિયાનું કદ વધે તે બાબતમાં શંકાને સ્થાન નથી. ઈલેકટ્રોનિક મીડિયા પાસે હજુ ઘણી તાકાત પડેલી છે જે બહાર આવતા ઈલેકટ્રોનિક મીડિયાનું કદ ચાર ગણુ વધી ૧૦૦ બીલીયન ડોલર (૭.૫૦ લાખ કરોડ)ને આંબે તેવી પ્રબળ શકયતાઓ રહેલી છે. ઈલેકટ્રોનિક મીડિયાનું ક્ધટેઈન્ટ અને ટેકનોલોજી આધારીત પ્રસારણના કારણે લોકચાહના પણ વધી રહી છે અને આ પરિસ્થિતિ યથાવત રહે તો આગામી સમયમાં ઈલેકટ્રોનિક મીડિયાની લોકપ્રિયતા તેમજ વિશ્ર્વસનીયતામાં પણ અનેક ગણો વધારો થઈ શકે છે.

પરિવર્તન દુનિયાનો સનાતન નિયમ છે. વિકાસ માટે પરિવર્તન આવશ્યક છે. ૨૧મી સદીના વિશ્વમાં હવે માહિતી, વિગતો અને ડેટા સમૃધ્ધિનો પર્યાય બની રહ્યાં છે. ત્યારે ભારતમાં મીડિયા ઉદ્યોગ અને તેમાં પણ ઈલેકટ્રોનિક મીડિયા માટે વિશાળ તકો રહેલી છે. ભારતનો ઈલેકટ્રોનિક મીડિયા આગામી ૧૦ વર્ષમાં ૨૪ બીલીયન ડોલરથી વધી ૧૦૦ બીલીયન ડોલર સુધી પહોંચે તેવી શકયતા હાલના તબક્કે સેવાઈ રહી છે. હાલ દેશના જીડીપીના એક ટકા જેટલી ૨૪ અબજ ડોલરનું મનોરંજન અને મીડિયા ઉદ્યોગ ૧૦ વર્ષમાં ૧૦૦ અબજ ડોલર એટલે કે, ચાર ગણુ વધવાની સંભાવના છે. વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા અને વિશાળ જન સંખ્યા ધરાવતા દેશ ભારતમાં મીડિયા અને મનોરંજન, ઉદ્યોગમાં વિકાસની વિશાળ તકો રહેલી છે. સ્ટાર એન્ડ ડિઝની  ઈન્ડિયાના મેનેજીંગ ડિરેકટર અને સીઆઈઆઈના નેશનલ કમિટીના અધ્યક્ષ કે.માધવનના જણાવ્યાનુસાર આગામી ૧૦ વર્ષમાં ભારતને ઈલેકટ્રોનિક મીડિયા અને મનોરંજન ઉદ્યોગ ચાર ગણો વધીને ૧૦૦ અબજ ડોલરનું વિશાળ કદ ઉભુ કરશે. સમય બદલાતા લોકોનો મનોરંજન અંગેની પસંદ પણ બદલાઈ રહી છે અને માંગની સાથો સાથ વિકાસની પદ્ધતિ પણ બદલાઈ રહી છે. બીગ પીકચર સમીટમાં કે.માધવને જણાવ્યું હતું કે, મીડિયા ઉદ્યોગ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨૪ બીલીયન ડોલરથી વધી ૧૦૦ બીલીયન ડોલર સુધી પહોંચશે. મીડિયા જગતનો વિકાસ આશાસ્પદ બન્યું છે. જો કે, તેમણે એવું પણ જણાવ્યું હતું કે, આ ઉદ્યોગને હળવા પરંતુ ચોક્કસ નિયમો મર્યાદિત નિયંત્રણ, અપગ્રેડેશન અને ટેકનોલોજીના આવિશ્કાર માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે. આ ક્ષેત્રના વિકાસ માટે સુદ્રઢ નિયમોનું માળખુ જરૂરી છે. નીતિ ઘડનારાઓ સાથે ચર્ચા અને સંકલનથી ધંધામાં સરળતા અને વિકાસમાં રોકાણ કરવું જરૂરી બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ટેલીવિઝનનો વિપરાશ હજુ કુલ ક્ષમતાના ૭૦ ટકા જેટલું જ છે. આ ક્ષેત્રમાં હજુ વિકાસ માટે વિશાળ તકો રહેલી છે. દેશમાં પારિવારીક વપરાશકારોની સંખ્યા અબજનો આંકડો ધરાવે છે. પરંતુ હજુ તેમાં ૭૦ ટકા ઘરો જ ટીવીનો વપરાશ કરે છે. મીડિયા ઉદ્યોગ માટે આ બાબત શકારાત્મક ગણી શકાય છે. બજારના મોટાભાગનો હિસ્સો હજુ ટેલિવિઝનથી દૂર છે.

ટેલિવિઝન અને સ્ટ્રીમીંગ પ્લેટફોર્મની સરેરાશ વપરાશનું પ્રમાણ ઓછુ છે. માધવને જણાવ્યું હતું કે, દેશમાં ૧ અબજ મોબાઈલમાંથી ફકત અડધા એટલે કે, ૬૦૦ મીલીયન જ સ્માર્ટફોન છે. સ્માર્ટ સ્કીન અત્યારે વ્યક્તિગત વપરાશનું માધ્યમ બની ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ મહત્વનું માધ્યમ છે. એ પણ વિકાસના નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૦માં થિયેટરની આવકમાં ઓટ આવી છે પરંતુ ડિજીટલ અને બિન પરંપરાગત આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થઈ છે આ ક્ષેત્રમાં આગામી વર્ષમાં ૩૦ ટકા જેટલી વાર્ષિક વૃદ્ધિની શકયતા છે. ફિલ્મ ઉદ્યોગને બજારમાં નવા ઉપયોગકર્તા સુધી પહોંચવા માટે માધ્યમોનો પુરેપુરો ઉપયોગ કરવયો પડશે. ભારતનો ફિલ્મ ઉદ્યોગ સ્વદેશી ધોરણે પ્રેક્ષકો માટે હંમેશા આકર્ષક જ રહ્યો છે. પરંતુ હવે તેને વિશ્ર્વના પ્રેક્ષકોને આકર્ષવા માટે સક્ષમ બનવું પડશે. દા.ત. હોલીવુડ એવી ફિલ્મો બનાવે છે કે જે સ્થાનિક થિયેટરની આવકના ૫૦ ટકા અમેરિકા બહારથી મેળવે છે. જ્યારે ભારત વિદેશી પ્રેક્ષકોની સંખ્યા માત્ર ૧૦ થી ૧૨ ટકા ધરાવે છે. ભારતમાં એવી ફિલ્મોનું નિર્માણ થવું જોઈએ કે જેને વિશ્ર્વના પ્રેક્ષકો માણી શકે. બોલીવુડમાં જો કે હવે આ પરિવર્તનના પ્રયોગો શરૂ થઈ ચૂકયા છે. સમાચારપત્રો અંગે માધવને કહ્યું હતું કે, પ્રિન્ટ મીડિયામાં ૩૦,૦૦૦ કરોડની આવકમાં હજુ જાહેરાતોની આવક ૨૦,૦૦૦ કરોડ સુધી પહોંચી છે. અખબારો પણ પ્રાદેશીક ધોરણે સ્થાનિક અને અતિ સંવેદનશીલ સમાચાર પર ધ્યાન કેન્દ્રીત કરી બજારમાં ટકીરહ્યાં છે. વિશ્ર્વભરમાં પ્રિન્ટ મીડિયાના માંધાતાઓ ઓનલાઈન એપ અને ડિજીટલ મંચ પર ધ્યાન કેન્દ્રીત કરતા થયા છે. એનીમેશન એન્ડ વિઝયુલ સેકટરમાં હજુ ૧૦ ટકા પણ કામ થતું નથી. કુશળ ઉત્પાદથી મીડિયા હજુ વિકાસની વિશાળ તકો ઉભી કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ડિજીટલ યુગમાં ભારતના સમાચાર માધ્યમોને વિકાસ માટે ખુલ્લુ આસમાન મળ્યો છે. હાલના સમયમાં લોકોનો મોબાઈલ અને ડિજીટલ મીડિયા તરફનું આકર્ષણ પણ વધુ રહ્યું છે. પરંતુ ફાસ્ટફૂડની જેમ મોબાઈલ ફોન અને ડિજીટલ મીડિયાની પણ એક મર્યાદા છે. હાલના સમયમાં લોકો ડિજીટલ મીડિયા તરફ ચોકકસ વધી રહ્યાં છે પરંતુ અખબારો અને ઈલેકટ્રોનિક મીડિયા માફક વિશ્ર્વાસ કેળવી શક્યા નથી. વિશ્ર્વસનીયતાના અભાવે લોકો કોઈપણ સમાચારની ખરાઈ કરવા પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિક મીડિયા પર નિર્ભર હોય છે. જેથી આ બન્ને માધ્યમો માટે હાલ મોકળુ મેદાન છે. તેમાં પણ ખાસ હાલના ટેકનોલોજીના યુગમાં લોકો સમાચાર પત્રોના પ્રકાશિત થવાની રાહ જોઈ શકતા નથી. ત્યારે ઈલેકટ્રોનિક મીડિયા એકમાત્ર વિકલ્પ બની સામે આવી રહ્યું છે. ત્યારે કહી શકાય કે, આગામી દિવસોમાં ઈલેકટ્રોનિક મીડિયા માટે ખુલ્લુ આસમાન છે.