Abtak Media Google News

મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, કમિટી કોન્ફરન્સ રૂમ અને ભાજપ કાર્યાલય સેનીટાઈઝ કરાયા: સેક્રેટરી વિભાગના કર્મચારીઓના આરોગ્ય પર સતત નજર

વૈશ્વિક મહામારી કોરોનાએ શહેરમાં અજગરી ભરડો લીધો છે. હવે વીઆઈપી લોકો પણ કોરોનાના સકંજામાં સપડાઈ રહ્યાં છે. બે દિવસ પૂર્વે શહેરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન આચાર્યના પતિ જે.પી.આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ગઈકાલે સાંજે મેયર પણ કોરોનાગ્રસ્ત બન્યા છે અને હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દરમિયાન કોર્પોરેશન કચેરીમાં અરજદારોના આવવા પર રોક લગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કોઈ અરજદાર અજાણતા પણ કચેરીએ આવી ચડે તો તેઓને મેયર ચેમ્બરની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. બારથી જ જે તે શાખાનું કામ હોય ત્યાં મોકલી દેવામાં આવે છે. મેયર સહિતના પદાધિકારીઓની ચેમ્બર રોજે-રોજ સેનીટાઈઝ કરવામાં આવી રહી છે. મેયરના પીએ સહિતના સેક્રેટરી વિભાગના સ્ટાફના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. મેયરને કોરોના આવતા કોર્પોરેશન કચેરીમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

ગઈકાલે સાંજે મેયર બીનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસ પૂર્વે તેઓના પતિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ રેસકોર્સ રીંગ સ્થિત મેયર બંગલો, ઢેબર રોડ પર આવેલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આવેલી મેયર ચેમ્બરને સેનીટાઈઝ કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે સાંજે મેયર બીનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા કોર્પોરેશન કચેરીમાં ભયનું લખલખુ પ્રસરી જવા પામ્યુ છે. ગઈકાલે મેયર ચેમ્બર ઉપરાંત ડે.મેયર, સ્ટે.કમીટીના ચેરમેનની ચેમ્બરને સેનીટાઈઝ કરવામાં આવી હતી. સ્ટે. કમીટીના કોન્ફરન્સ રૂમ અને શાસક પક્ષના કાર્યાલયને પણ સેનીટાઈઝ કરાયો હતો. પદાધિકારીઓની ચેમ્બર રોજે-રોજ સેનીટાઈઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સામાન્ય દિવસોમાં મેયરને મળવા માટે અરજદારો કોર્પોરેશન કચેરીએ આવતા હોય છે. આવામાં ખુદ મેયર જ કોરોનામાં સપડાતા આજથી કચેરી ખાતે અરજદારોના આવવા પણ આડકતરી પાબંદી લગાવવામાં આવી છે. કોઈ અરજદાર આવે તો તેને મેયર ચેમ્બરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. બારથી જ સ્ટાફ દ્વારા પુછપરછ કરી અરજદારને જે વિભાગનું કામ હોય ત્યાં મોકલી દેવામાં આવે છે. સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ખુબજ તકેદારી રાખવામાં આવી રહી છે. મેયરના સતત સંપર્કમાં રહેતા તેઓના પીએ સહિત સેક્રેટરી વિભાગના દરેક સ્ટાફના આરોગ્ય પર નજર રાખવામાં આવી છે. જો કે, કોઈપણ કર્મચારીને હજુ સુધી કોરોનાનું એક પણ પ્રાથમિક લક્ષણ દેખાયુ નથી જે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨ દિવસ દરમિયાન મેયરને અનેક ભાજપના નેતાઓ મળ્યા હતા. જેઓના આરોગ્ય પર પણ જોખમ વધ્યું છે. કારણ કે, ગત રવિવારે મેયર બંગલા ખાતે પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ હતો. આ ઉપરાંત વડાપ્રધાનનો મન કી બાદ કાર્યક્રમ પદાધિકારીઓએ મેયર બંગલે સાથે નિહાળ્યો હતો. રવિવારે ભારે વરસાદ દરમિયાન કોર્પોરેશનના કર્મચારીને સાથે રાખી મેયર ફિલ્ડમાં પણ નિકળ્યા હતા. સોમવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આવાસ યોજનાના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પણ મેયર ઉપસ્થિત રહ્યાં હતા અને સાંસદ તથા ધારાસભ્યને પણ મળ્યા હતા. આવામાં મેયર જ કોરોનાગ્રસ્ત થતાં ભાજપના સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેશનના પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો પર જોખમ વધ્યું છે. જો કે મેયરને છેલ્લા બે દિવસ દરમિયાન સંપર્કમાં આવેલા કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણો હજુ સુધી દેખાયા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલ મેયર બીનાબેન આચાર્ય કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં હોય કોર્પોરેશન કચેરી ખાતે મળી શકે તેમ નથી. આવામાં અરજદારોએ કોર્પોરેશન કચેરીએ મેયરને મળવા માટે ધક્કો ન ખાવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.