Abtak Media Google News

બે વર્ષમાં પકડાયેલા દારૂનો નાશ કરાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા સૌરભ સિંગ દ્વારા જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળના સમયમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં કબજે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ, જે ઘણા સમયથી પેન્ડિંગ હોય, તેના નાશ કરવા અંગેના નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી અને નાશ કરી, નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી.

જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સુચના તળે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ. કોરટ, પ્રોબ. પીએસઆઇ કે.જે.પટેલ,  દ્વારા નામદાર કોર્ટમાંથી વિદેશી દારૂના નાશ કરવા અંગેના હુકમો મેળવી, ગયકાલે આશરે બે કરોડની કિંમતના વિદેશી દારુનો રોલર ફેરવી અને નાશ કરવામાં આવેલ હતો. વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢના એસડીએમ શ્રી જે.એમ.રાવલ, મામલતદાર શ્રી એચ.વી.ચૌહાણ તથા ઇન્ચાર્જ નશાબંધી અધિક્ષક શ્રી એમ.બી.સોલંકી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એચ. કોરટ, કે.જે.પટેલ, ભવનાથ પીએસઆઇ પી.વી. ધોકડીયાની હાજરીમાં સુખપુર ગામની  વડાલ રોડ ઉપર પડતર સરકારી ખરાબાની જમીન ખાતે કરવામાં આવેલ હતી

વિદેશી દારૂનો નાશ કરવાની આ કાર્યવાહીમાં જૂનાગઢ પોલીસ સ્ટેશનના સને ૨૦૧૭ થી ૨૦૧૯ સુધીના કુલ ૮૧ ગુન્હાની વિદેશી દારૂ તથા બિયરની બોટલો મળી કુલ બોટલો નંગ  ૬૫૪૨૧ કિંમત રૂ. ૧,૯૭,૮૧,૬૭૫/-  ના મુદ્દામાલનું રોલર ફેરવી અને વડાલ રોડ પાસે આવેલ સરકારી ખરાબાની જમીનમાં નાશ કરવામાં આવેલ હતો. નાશ કરવામાં આવેલ દારૂ સને ૨૦૧૭ થી આજદિન સુધીમાં છેલ્લા બે વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂના ગુનાનો મુદ્દામાલ હતો

આ પહેલાં પણ છેલ્લા બે માસ પહેલા જુનાગઢ ડીવિઝનના એ, બી, અને સી, ડિવિઝન પોલીસ સ્ટેશનો ખાતે પકડાયેલ આશરે એક કરોડ રૂપિયાની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા વિસાવદર ખાતે આશરે ૬૦ લાખના ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ હતો. આમ, છેલ્લા ત્રણ માસમાં જૂનાગઢ ડિવિઝન દ્વારા આશરે સાડા ત્રણ કરોડના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થાનો નાશ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.