કોરોનાના લીધે અનાથ થયેલા 52 બાળકોના ખાતામાં જમા થશે રૂ.10-10 લાખ

જિલ્લા કલેકટર નોમીની બની પોસ્ટ ઓફિસમાં લાભાર્થી બાળકોના ખાતા ખોલાવશે : ઉપરથી મંજૂરી મળ્યા બાદ સહાયની રકમ સીધી ખાતામાં જમા થશે: બાળક 23 વર્ષનો થાય ત્યાં સુધી રૂપિયા 10 લાખ ખાતામાં રહેશે

કોરોનાના કારણે અનાથ થયેલા રાજકોટ શહેર- જિલ્લાના 52 બાળકોને રૂ. 10-10 લાખની સહાય મળવાની છે. આ સહાયની રકમ ઉપરથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં તેના ખાતામાં જમા થવાની છે. જે રકમ બાળક 23 વર્ષનો થશે ત્યારબાદ તેને મળશે.મોદીએ પીએમ કેર ફોર ચિલ્ડ્રન નામની યોજના લોંચ કરી હતી. જેનો હેતુ કોરોના પ્રભાવિત બાળકોને મદદ કરવાનો છે. કોરોના રોગચાળામાં માતા-પિતાને ગુમાવેલા  બાળકોને પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ મદદ કરવામાં આવશે. તેમજ સરકાર દ્વારા અનાથ બાળકોને નિ: શુલ્ક શિક્ષણ આપવામાં આવશે.

પીએમઓએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે અનાથ બાળકોને જ્યારે તેઓ 18 વર્ષના થશે ત્યારે માસિક ભથ્થું આપવામાં આવશે અને જ્યારે તેઓ 23 વર્ષના થશે ત્યારે પીએમ કેયર્સ  ફંડમાંથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમના માટે મફત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. પીએમઓએ અગાઉ જણાવ્યું હતું કે, કોરોનાને લીધે માતાપિતા ગુમાવનારા બાળકોને 18 વર્ષના થાય ત્યાં સુધી પાંચ લાખનો મફત આરોગ્ય વીમો પણ મળશે. આ સાથે આવા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને પીએમ કેયર્સ ફંડ દ્વારા વ્યાજ વહન કરવામાં આવશે.આ યોજનાની અમલવારી રાજકોટ શહેર- જિલ્લામાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.

જે અંતર્ગત કોરોનાના લીધે માતા અને પિતા બન્નેનું મૃત્યુ થયું હોય તેવા 10 બાળકો તથા માતા કે પિતા બન્ને માંથી કોઈ એક હયાત હોય અને તેનું પણ કોરોનાના કારણે મૃત્યુ થયું હોય તેવા 42 બાળકો મળી કુલ 52 બાળકો લાભાર્થી બન્યા છે. આ બાળકો માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ નોમીની બનીને પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ખોલાવશે. બાદમાં ઉપરથી મંજૂરી મળ્યા બાદ પીએમ કેર્સ ફંડ દ્વારા આ ખાતામાં રૂ. 10 -10 લાખ સીધા ટ્રાન્સફર કરવામાં આવનાર છે.લાભાર્થી બાળકોના ખાતામાં રૂ. 10-10 લાખની રકમ જમા થઈ ગયા બાદ બાળક 23 વર્ષનો થાય ત્યારબાદ આ રકમ મેળવી શકશે. ત્યાં સુધી આ રકમ બાળકના ખાતામાં જ જમા રહેશે. જો કે તેને વિવિધ અન્ય લાભો પણ મળતા રહેશે.

વધુમાં કોરોનાકાળમાં માતા-પિતા બેય ગુમાવનારા અનાથ- નિરાધાર બાળકોને માસિક રૂા. 4000થી 6000ની આર્થિક સહાય આપવાનો નિર્ણય રાજ્ય  સરકારે પણ કર્યો હતો.  આ માટે આજે બાલ સેવા યોજનાની જાહેરાત કરવામાં આવી છે.માતા પિતા બંને ગુમાવનાર અનાથ-નિરાધાર બાળકોને આધાર-શિક્ષણ-આરોગ્ય- ઉચ્ચ અભ્યાસ- રોજગારી- તાલીમ- વિદેશ અભ્યાસ માટે લોનમાં પણ અગ્રક્રમ આપવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હોવાનું અગાઉ જાહેર કરવામાં આવ્યું હતું. બાલ સેવા યોજનાના અમલીકરણ માટેની નોડલ એજન્સી તરીકે રાજ્ય સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કાર્યરત છે. આની અમલવારી પણ રાજકોટ જિલ્લામાં કરવામાં આવી છે.

કોરોનાથી મૃત્યુની સહાયની ગ્રાન્ટ કલેકટર તંત્રને મળી ગઈ, હવે કાલથી 50-50 હજારની સહાયનું વિતરણ

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. 50 હજારની સહાય આપવાનું નક્કી કરાયું છે. જે અંતર્ગત જિલ્લા કલેકટર કચેરી અને મામલતદાર કચેરી ખાતેથી ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે ફોર્મ મળ્યા બાદ સ્ક્રુટીની કરવામાં આવે છે. આ સહાયની ગ્રાન્ટ મળી ગઈ છે. જેથી હવે જેટલી અરજીની સ્ક્રુટીની થઈ ચૂકી છે. તે અરજીના આધારે રૂ. 50-50 હજારની સહાય સીધા ખાતામાં જમા કરવાની કાર્યવાહી આવતીકાલથી શરૂ કરવામાં આવનાર છે.