Abtak Media Google News

તસ્કરોએ ટેરેસની બારી ખોલી બેડરૂમની સેટીમાં રાખેલા રૂા.10 લાખના ઘરેણા, રૂા.2.50 લાખ રોકડા અને 4,800 બ્રિટીશ પાઉન્ડ ચોરી ગયા

યુ.કે.થી માતા-પિતા અને બેગ્લોરથી નાનો ભાઇ આવ્યા ત્યારે જ કેમ ચોરી થઇ?

પરિવારમાં પંદર દિવસ પહેલાં લગ્ન પ્રસંગ હોવાથી બેન્કના લોકરમાંથી સોનાના ઘરેણા ઘરે લાવ્યા હતા

તબીબ પરિવાર બહાર ગામ જતાં બે કામવાળીને ચાવી આપી હતી

જાગનાથ પ્લોટમાં આવેલા રાજ દર્શન એપાર્ટમેન્ટમાં ત્રણ દિવસથી બંધ રહેલા તબીબના ફલેટને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા, રોકડ અને બ્રિટીશ ચલણ પાઉન્ડ મળી રૂા.20 લાખની માતબાર રકમની ચોરી થતા દોડધામ મચી ગઇ છે. ચોરી આશરે 30 વર્ષનો તસ્કર ફલેટમાં આવતો અને ચોરી કરીને પરત જતા હોવાના સીસીટીવી ફુટેજ મળ્યા છે. પરંતુ ચોરીમાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ ધોરાજીના વતની અને જુના જાગનાથ પ્લોટ શેરી નંબર 1માં રાજ દર્શન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા ડો.સેજુલ કાંતિલાલ અંટાળાના ત્રણ દિવસ દરમિયાન બંધ રહેલા ફલેટમાં તા.26મીની રાતે રૂા.2.50 લાખ રોકડા, રૂા.10 લાખની કિંમતના સોનાના ઘરેણા, અને 4,800 બ્રિટીશ પાઉન્ડની ચોરી થયાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજમાં છેલ્લા 23 વર્ષથી લેકચરર તરીકે ફરજ બજાવતા ડો.સેજુલભાઇ પટેલ ગત તા.26મીએ બપોરે અઢી વાગે પોતાના પત્ની અને બે પુત્રી સાથે અમરેલી સાસરે ગયા હતા જ્યારે 2006થી યુ.કે.સ્થાયી થયેલા માતા ઉખષાબેન, પિતા કાંતીલાલ અને બેગ્લોર રહેતા નાના ભાઇ અમિતભાઇ ગત તા.18મીએ પોતાના વતન ધોરાજી ખાતે આટો દેવા ગયા હતા તે દરમિયાન બંધ રહેલા ફલેટને તસ્કરોએ નિશાન બનાવી ફલેટના ત્રીજા માળના ટેરેસની કાચની બારી ખોલી બેડરૂમમાં પ્રવેશ કરી તસ્કરે સેટીના ડ્રોઅર ખોલી તેમજ દિવાલ કબાટના દરવાજા ખોલી તસ્કરોએ રૂા.2.50 લાખ રોકડા, સોનાનો પેડલ, સોનાની બુટી, સોનાની બંગડી, સોનાનું મંગલસુત્ર, ડાયમંડના બે મંગલસુત્ર મળી રૂા.10 લાખની કિંમતના 18 તોલા સોનાના ઘરેણા, 4,800 બ્રિટીશ પાઉન્ડ અને બ્રિટીશ પાસપોર્ટની ચોરી કરી ગયાનું ફરિયામાં જણાવ્યું છે.

પ્ર.નગર પી.આઇ. એલ.એલ.ચાવડા, રાઇટર સંજયભાઇ દવે અને એએસઆઇ હરેશભાઇ રત્નોતર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોચી તપાસ કરતા બંધ ફલેટમાં આશરે 30 વર્ષની ઉમરનો તસ્કર ટેરસમાથી આવી ચોરી કરી પરત ત્યાંથી જ જતો રહ્યાનું જોવા મળે છે. રાજ દર્શન એપાર્ટમેન્ટ ખાતે તસ્કર કયા રસ્તે આવ્યો તે અંગેની વિગતો મેળવવા યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરી રહ્યા છે.

ડો.સેજુલભાઇ પટેલના પરિવારમાં પંદર દિવસ પહેલાં લગ્ન પ્રસંગ હોવાથી તા.9 ડિસેમ્બરે બેન્ક લોકરમાંથી સોનાના ઘરેણા ઘરે લાવ્યા હોવાનું અને તેઓ અમરેલી સાસરે ગયા ત્યારે ફલેટની ચાવી ઘણા વર્ષોથી કામ કરતી કુસુમબેન બારડ અને અંજુબેન વાઘેલાને આપી હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે બંને કામવાળી બહેનોની પૂછપરછ હાથધરી છે. પરંતુ ડો.સંજુલભાઇ પટેલે ચોરીમાં પોતાને ત્યાં કામ કરતી બંને બહેનોની સંડોવણી ન હોવાનું જણાવ્યું હતું પરંતુ ચોરીમાં કોઇ જાણભેદુની સંડોવણી હોવાનું કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.