Abtak Media Google News

પીજીવીસીએલે સતત બીજે દિવસે શહેરમાં કોઠારીયા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ અર્થે 37 ટિમો મેદાને ઉતારી

ચેકીંગ ડ્રાઇવનો વિસ્તાર કુખ્યાત હોય સુરક્ષા માટે લોકલ પોલીસની 25 ટિમો, જીયુવીએનએલ પોલીસની 4 ટિમો તેમજ એસઆરપીની 12 ટિમો સાથે રખાઈ

અબતક, રાજકોટ : પીજીવીસીએલે સતત બીજે દિવસે શહેરમાં વીજ ચેકીંગ ઝુંબેશ યથાવત રાખી છે. બીજી તરફ ગઈકાલના દિવસની ચેકીંગ ડ્રાઇવના આંકડા જાહેર કર્યા છે. જેમાં રૂ. 33 લાખની વીજચોરી પકડાઈ હોવાનુ જાહેર કરાયુ છે. આ ઉપરાંત આજની ચેકીંગ ડ્રાઇવમાં પણ લાખોની વીજ ચોરી પકડાશે તેવું જાણવા મળ્યું છે.

પીજીવીસીએલ દ્વારા ગઇકાલે રાજકોટ શહેરના બેડીનાકા, પ્રદ્યુમનનગર અને ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં 39 ટિમો મેદાનમાં ઉતારી દરોડા પાડવામાં આવ્યા હતા. આ ટીમોએ બેડીનાકા, પ્રદ્યુમનનગર અને ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના રૂખડીયાપરા, પોપટપરા, રઘુનંદન સોસાયટી, રેલવે સ્ટેશન નજીકનો વિસ્તાર, સંજયનગર, વાંકાનેર સોસાયટી, મોચીનગર-1, રાજીવનગર, બજરંગવાડી, શીતળ પાર્ક, મોમીન સોસાયટી, ભીલવાસ, ખત્રીવાડ, જિલ્લા પંચાયત ચોક, સદરબજાર, નવલનગર, લોહાણાનગર, કૃષ્ણનગર, સ્વામિનારાયણનગર, ગોકુલધામ આવાસ ક્વાર્ટર્સ સહિતના વિસ્તારોમાં કુલ 1029 કનેક્શન ચેક કર્યા હતા. જેમાંથી 122 કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઇ હતી. આ તમામને કુલ રૂ. 33.63 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બીજી તરફ આજે પણ પીજીવીસીએલ દ્વારા વીજ ચેકીંગ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. આજે જેમાં 37 ટિમો દ્વારા કોઠારિયા રોડ સબ ડિવિઝન હેઠળના જંગલેશ્વર શેરી નં. 1થી લઈને શેરી નં. 32 તેમજ રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં. 1થી લઈને શેરી નં. 20 સુધીના કનેક્શનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તાર કુખ્યાત હોય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 25 લોકલ પોલીસની ટિમો અને 4 જીયુવીએનએલ પોલીસની ટિમો તેમજ 12 એસઆરપીની ટિમો પણ સાથે રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.