Abtak Media Google News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો છે કે, ઊનાળાના આ ધોમધખતા તાપમાં ગુજરાતના ગામે-ગામ લોકશકિત અને શ્રમજીવીઓના શ્રમદાનના પરસેવાથી હાથ ધરાઇ રહેલું જળસંચય અભિયાન આગામી ચોમાસામાં પારસમણિ બનીને જળસમૃધ્ધિ રૂપે ઊગી નીકળવાનું છે.

મુખ્યમંત્રીશ્રી સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત મહિસાગર જિલ્લાના નાની સાસણ ગામે તળાવ ઊંડું કરવાના શ્રમ યજ્ઞમાં સહભાગી થયા હતા. તેમણે ઉમેર્યું કે, દેશનું આ સૌથી મોટું જળસંચય અભિયાન રાજ્યની ભાવિ પેઢીઓને જળસમૃધ્ધિનો વૈભવ વારસો આપશે. ચોમાસા પહેલા મેઘરાજાને આવકારવા માટે રાજયવ્યાપી સુજલામ સુફલામ અભિયાનને જનતા જનાર્દને પોતીકું અભિયાન ગણી વેગવંતુ બનાવ્યું છે. આ અભિયાનમાં મળી રહેલા વ્યાપક જનસહયોગની તેમણે પ્રસંશા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતને પાણીદાર અને હરિયાળુ બનાવવા લોકહિતના આ ઇશ્વરીય કાર્યમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, શૈક્ષણિક સંસ્થાઓનો પણ વ્યાપક સહયોગ સાંપડી રહયો છે. જેના પરિણામે આગામી ચોમાસામાં રાજયમાં ૧૧ હજાર લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધશે અને પીવાના પાણી તેમજ દુકાળની સમસ્યા ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી માટે દુકાળ એક દંતકથા સમાન બનશે.

સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શ્રમયોગીઓને છાશ તથા સુખડીનું વિતરણ કર્યું હતું.
તેમણે લુણાવાડા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂા.૨૨.૮૩ કરોડના ખર્ચે સરકારી અધિકારી-કર્મીઓ માટે નિર્માણ થયેલ વિવિધ કેટેગરીના ૯૦ આવાસોનું ઇ-તકતી દ્વારા લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આ કોઇ ચૂંટણીલક્ષી અભિયાન નહીં પરંતુ ગુજરાતના જળવૈભવ વારસાને વધુ સમૃધ્ધ બનાવવાનું સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભાવનાથી પ્રેરિત જનઅભિયાન છે. રાજય સરકારે લોક સહયોગથી બેટી બચાવો, બેટી પઢાવો, વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, સ્વચ્છ ભારત જેવા સામાજિક ક્રાંતિના અભિયાન ઉપાડયાં છે જેના હકારાત્મક પરિણામો મળી રહયાં છે એ જ કડીમાં હવે આ અભિયાન ઉપાડીને ગુજરાતની ભાવિ પેઢીને જળસમૃધ્ધ બનાવવી છે.

623184 Vijay Rupani5 1મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હવામાન ખાતા દ્વારા આ વર્ષે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ધોમધખતા તાપમાં શ્રમજીવીઓએ જળસંચયના કામો માટે જે પરસેવો પાડયો છે તે રંગ લાવશે અને આગામી ચોમાસામાં તળાવો, નદીઓ, ચેકડેમ છલકાશે અને વરસાદી પાણી અમૃત સમાન બની રહેશે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અમારા માટે સત્તા એ લોકસેવાનું સાધન છે. પ્રજાની આશાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે આ સરકાર પ્રતિબધ્ધ છે.

પંચાયત રાજય મંત્રી અને મહિસાગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહયું છે. રાજયમાં સુજલામ સુફલામ જળઅભિયાન હેઠળ લોકભાગીદારીથી અનેકવિધ જળસંચય-જળસંગ્રહના કામો થઇ રહયા છે. જે રાજયની જળસંગ્રહ ક્ષમતામાં વધારો કરવા સાથે ખેતીને સમૃધ્ધ બનાવશે. મહિસાગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થઇ રહેલ અભૂતપૂર્વ કામગીરીને તેમણે બિરદાવી હતી.

મહિસાગર જિલ્લામાં જળસંચય-જળસંગ્રહના કામો માટે પંચામૃત ડેરી દ્વારા રૂા.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મહિસાગર જિલ્લામાં જળસંચય-જળસંગ્રહના કામો માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા રૂા.૧૦ લાખ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા રૂા.૦૫ લાખ, અમૂલ ડેરી દ્વારા રૂા.પાંચ લાખ તેમજ જિલ્લાની સરકારી મંડળીઓ દ્વારા રૂા.૦૪.૫૦ લાખ સહિત કુલ રૂા.૨૪.૫૦ લાખનો આર્થિક સહયોગ સાંપડયો હતો.

મહિસાગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ૪૪૬ કામોનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી ૪૩૫ કામો પ્રગતિમાં છે અને ૪૫ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જિલ્લામાં જળસંચય- જળ સંગ્રહના કામોથી ૧.૪૦ લાખ ઘનમીટર માટીનું ખોદકામ થતાં જળસંગ્રહ ક્ષમતામાં ૪૯.૪૦ લાખ ઘનફૂટ વધારો થશે. પ્રારંભમાં કલેકટરશ્રી વિજયસિંહ વાઘેલાએ સૌને આવકાર્યા હતા. અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરવિંદ વિજયને આભારવિધિ કરી હતી.

આ અવસરે ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયા, અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન શ્રી રાજેશભાઇ પાઠક, ધારાસભ્ય સર્વશ્રી કુબેરસિંહ ડીંડોર, રતનસિંહ રાઠોડ, અગ્રણી શ્રી હર્ષદભાઇ પટેલ, શ્રી જે.ડી.પટેલ, પૂર્વ ધારાસભ્યો, પ્રભારી સચિવ શ્રી ટી.નટરાજન, તાલુકા પંચાયતના પ્રમુખો, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.