Abtak Media Google News

વાયબ્રન્ટમાં એમઓયુની માત્ર વાતો થતી હોવાની બેહુદી ટીકા કરનારા વિપક્ષોને વિજયભાઈ રૂપાણીએ જડબાતોડ જવાબ આપ્યો છે

 

વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળ ફળશ્રુતિરૂપે જે એમઓયુ થયાં છે તેમાંથી રૂ. ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણોના ૪૦૦થી વધુ વ્યાપાર-ઉદ્યોગ અને સેવાલક્ષી સાહસો આગામી તા. ૩૧ માર્ચ ર૦૧૯ પહેલાં ખાતમૂર્હત, ઉદ્દઘાટન કે કાર્યારંભના સ્તરે પહોંચી જવાના હોવાની લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાતને ઉમળકાભેર વધાવી લેતાં ભાજપ અગ્રણી અને પક્ષના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, ‘વાયબ્રન્ટ ગુજરાત’માં ‘એમઓયુ’ની માત્ર વાતો જ થાય છે તેવી બેહુદી ટીકા કરનારાઓને આ જડબાતોડ જવાબ છે.

એક નિવેદનમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, વાયબ્રન્ટ સમિટ-ર૦૧૯ સફળતાપૂર્વક પૂર્ણ થવાના માત્ર બે જ દિવસમાં મુખ્યમંત્રીએ આ અંગેનું આયોજન વિદ્યુતવેગે હાથ ધર્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન, નરેન્દ્રભાઇ મોદીજીના આગવા વિઝનથી શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટની નવમી કડી ૧૮-૧૯-ર૦ જાન્યુઆરીએ સફળતાપૂર્વક યોજાઈ ગઈ. જેમાં ૧૩પથી વધુ દેશોના પ્રતિનિધિ સહિત ૧ લાખથી વધુ ડેલીગેટસ આવ્યા અને ર૦૦થી વધુ ઇવેન્ટસ યોજાઇ તેની સફળતા જોઇ નહીં શકનારા લોકોએ જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેની સામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ૧ લાખ ૧૧ હજાર કરોડના રોકાણોના વિવિધ તબક્કે અમલીકરણ થવાની જાહેરાતથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

ધ્રુવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રીએ જે પ્રોજેક્ટ્સના ઉદ્દઘાટન થશે તેમાં વાયબ્રન્ટ સમિટની અગાઉની કડીઓમાં જાહેર થયેલા મૂડીરોકાણોના ઉદ્યોગો પણ હશે તેવી જાહેરાત કરી છે જે પણ અત્યંત આવકારદાયક છે. આ રોકાણોમાં ખાતમૂર્હત, ઉદ્દઘાટન, કાર્યારંભના વિવિધ તબક્કે જે પ્રોજેક્ટ્સ અમલી બનવાના છે તેમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગમાં ૧૪, અને સહકારમાં ર૦, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ અને જી.આઇ.ડી.સી.ના ૩૦, ઓટોમોબાઇલ અને એન્જીનિયરીંગના ૩ર, હેલ્થકેર એન્ડ ફાર્માસ્યુટિકલ્સના પ૯, આઇ.ટી.ના ર૬, મિનરલ બેઝ્ડ ર૧, એમએસએમઇના ૧૬૧, પોર્ટ એન્ડ પોર્ટ બેઝ્ડ ૭, રિન્યુએબલ એનર્જી તથા ઓઇલ એન્ડ ગેસના પ, ટેક્ષટાઇલ એન્ડ એપરલના ૯, હાઉસીંગ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ખાનગી રોકાણોના ૧૧ તેમજ અન્ય ૬૯ મળી કુલ અંદાજીત ૪૬૪ જેટલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

વાયબ્રન્ટ સમિટ ર૦૧૯ પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ રાજ્ય સરકારે ચોક્કસ કાર્યઆયોજન સાથે નાણાંકીય વર્ષ ર૦૧૯ પૂર્ણ થતાં પહેલાં પ્રોજેક્ટ્સના કામ શરૂ થઇ જાય તેવી પ્રતિબધ્ધતા દર્શાવી છે જે વિજયભાઈના અસરકારક નેતૃત્વની સાક્ષી પૂરે છે. રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે પણ અગ્રણી સર્વે સંસ્થા ક્રિસીલના અહેવાલોમાં વાર્ષિક વૃધ્ધિ દરના વિકાસ માપદંડમાં નાણાંકીય શિસ્ત, જીએસડીપી અને દેવા નિયંત્રણમાં ગુજરાત અગ્રેસર રહ્યું હોવાની જે વિગતો આપી છે તે સરકારની નિષ્ઠા અને કાર્યક્ષમતા દર્શાવે છે તેમ ધ્રુવે જણાવ્યું છે.

ગુજરાતમાં જીએસડીપી વર્ષ ર૦૧૩થી ૧૭ દરમિયાન ૯.૯ ટકા હતો તે વધીને ર૦૧૮ના વર્ષમાં ૧૧.૧ ટકાએ પહોંચ્યો છે. ગુજરાત સૌથી ઓછું દેવું ધરાવે છે તેની સાથે રાજ્ય સરકારની નાણાંકીય શિસ્તની પણ ક્રિસિલ અહેવાલમાં પ્રસંશા કરવામાં આવી છે એટલું જ નહીં, રોજગારીના સર્જનમાં પણ ગુજરાતે રાષ્ટ્રીય ૭ ટકાની એવરેજ સામે ૧૧.પ ટકાની વૃધ્ધિ હાંસલ કર્યાનું જણાવ્યું છે. વાર્ષિક વૃધ્ધિ દરમાં તેમજ જીએસડીપીમાં હાઇએસ્ટ સ્ટેટ બનીને ગુજરાત વિકાસના નવા પરિમાણો મુખ્યમંત્રી વિજયભાઈના કુશાગ્ર નેતૃત્વ હેઠળ પ્રાપ્ત કરી મેળવી રહ્યું છે જે અત્યંત સરાહનીય છે તેમ અંતમાં રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.