Abtak Media Google News

અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશનાર લોકોની બોર્ડર ઉપર સઘન તપાસ: તમામ એરપોર્ટ ઉપર પણ ટેસ્ટની કામગીરી શરૂ

આંતરરાજ્ય મુસાફરોને આજથી કોરોના ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવશે. જેથી હવે ગુજરાતમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે. મહારાષ્ટ્ર બોર્ડર ઉપરાંત બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની 4 બોર્ડર પર ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કોરોનાના કેસમાં વધારો થતા અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે RT-PCR ટેસ્ટ આજથી ફરજિયાત કરાયો છે. ખાસ કરીને સૌથી વધુ ટ્રાફિક ધરાવતા અમદાવાદ એરપોર્ટ પર દરરોજ સરેરાશ 18 હજાર 500 મુસાફરો અવર જવર કરે છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આજથી અન્ય રાજ્યના જે પણ મુસાફર આવશે તેમનો આરટીપીસીઆર રિપોર્ટ ચકાસવામાં આવશે.

જેમનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હશે તેમને જ અમદાવાદ એરપોર્ટની બહાર જવા દેવામાં આવશે. તો અન્ય રાજ્યને અડીને આવેલા શહેરોની સરહદ પર ચેકપોસ્ટ પર રિપોર્ટ તપાસવામાં આવશે. જો બહારથી આવતી વ્યક્તિ પાસે રિપોર્ટ નેગેટિવ હશે તો જ તેમને રાજ્યની અંદર પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ એરપોર્ટ ઉપર તો ગત તા. 23થી જ મહારાષ્ટ્રથી આવતી ફ્લાઈટના મુસાફરોના ટેસ્ટ કરવામાં આવતા હતા. પણ આજથી તમામ ફ્લાઈટના મુસાફરોના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.

વધુમાં હવે તમામ ચેક પોસ્ટ ઉપર બંદોબસ્ત પણ સઘન બનાવી દેવાયો છે. અન્ય રાજ્યમાંથી પ્રવેશવાની બોર્ડર ઉપર વિશેસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બીજા રાજ્યમાંથી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ પ્રવેશે નહિ તે માટે આજથી સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.