Abtak Media Google News

ગુજરાતમાં હવે કોરોનાના સચોટ પરીક્ષણ માટેનો મહત્વપૂર્ણ એવો આરટીપીસીઆર રિપોર્ટ માત્ર રૂા.400માં કરાવી શકાશે. જો રિપોર્ટ માટે લેબના સ્ટાફને  ઘરે બોલાવવામાં આવશે તો માત્ર રૂા.550 ચૂકવવા પડશે તેવી જાહેરાત આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત સીટી સ્કેનના ભાવમાં પણ રૂા.500નો ઘટાડો કરવામાં આવ્યાની તેઓએ  ઘોષણા કરી છે.

આરટીપીસીઆર હવે માત્ર રૂા.400માં થશે: નીતિન પટેલની જાહેરાત

આજે પત્રકાર પરિષદને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વધુ એક વખત કોરોનાના પરીક્ષણ માટે આરટીપીસીઆર રીપોર્ટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 700 રૂપિયામાં આરટીપીસીઆરનો રિપોર્ટ થતો હવેથી માત્ર આ રિપોર્ટના રૂા.400 વસુલી શકાશે. જો કોઈ વ્યક્તિ આરટીપીસીઆર માટે ખાનગી લેબના સ્ટાફને ઘરે બોલાવે તો રૂા.300 વધુ ચૂકવવા પડતા હતા હવે આ રકમ ઘટાડી રૂા. 150 કરવામાં આવી છે એટલે ઘરે આરટીપીસીઆર રિપોર્ટ કરાવવા બોલાવશે તો રૂા.550 ચૂકવવાના રહેશે. જ્યારે એરપોર્ટ ખાતે આરટીપીસીઆર રિપોર્ટના રૂા.2700 નિયત કરવામાં આવ્યા છે.

 ઘરબેઠા આરટીપીસીઆર રિપોર્ટ કરાવશો તો રૂા.550 ચૂકવવા પડશે

તેઓએ ઉમેર્યું હતું કે, તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન આપી સુરક્ષીત કરવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં વિનામુલ્યે ટેસ્ટ થઈ શકે તેના માટે રૂા.112 કરોડના નવા મશીનો ખરીદવામાં આવશે. સોલા અને ગાંધીનગરમાં એમઆરઆઈ મશીનની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત નવા સિટી સ્કીન મશીન ખરીદાશે. હાલ ખાનગી હોસ્પિટલમાં સિટી સ્કેન માટે રૂા.3000 નિયત કરવામાં આવ્યા છે. તેમાં પણ રાજ્ય સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 2500માં સિટી સ્કેન રીપોર્ટ કરાવી શકાશે. જિલ્લા કક્ષાની મેડિકલ કોલેજોમાં અને હોસ્પિટલો માટે નવા 17 સિટી સ્કેનની ખરીદી કરવામાં આવશે.

સિટી સ્કેન મશીનની ખરીદી માટે રૂા.82.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. એરપોર્ટ પર ખાનગી લેબ દ્વારા થતાં મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટના ચાર્જમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હવે માત્ર રૂા.2700માં એરપોર્ટ પર મુસાફરોના ટેસ્ટ કરી શકાશે. આજે મળેલી કેબીનેટની બેઠકમાં વિવિધ નિર્ણય લેવામાં આવ્યા હતા. જો કે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવાશે તે અંગેની બાહેધરી આપી છે. મહાપાલિકા વિસ્તારમાં સાંજના સમયે લોકોના આરોગ્યની ચકાસણી માટે શેરી કલીનીક શરૂ કરાશે તેવું તેઓએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.