Abtak Media Google News

1.81 લાખ લોકોને પારદર્શિતા સાથે સમયસર ઘરે બેઠા મળી વાહન અને લાઈસન્સ સંબંધી સુવિધાઓ ફોર્મ સહિતના ડોક્યુમેન્ટના કાગળો ડિજિટલ થતા 10 લાખ જેટલા કાગળની બચત

અબતક,રાજકોટ

રાજ્ય સરકાર દ્વારા સરકારી વિભાગોની વિવિધ સેવાઓનો લાભ લોકોને સમયબદ્ધ મળે અને પ્રક્રિયા પારદર્શી બને તે માટે આ તમામ સેવાઓને વધુને વધુ  ડિજિટલી કરવામાં આવી રહી છે. આર.ટી.ઓ. પણ આવો જ એક સરકારી વિભાગ છે, જેમાં લગભગ તમામ નાગરિકને લાઇસન્સ, વાહન સંબંધી એક યા બીજી સેવાનો લાભ લેવાનો થતો હોય છે.જે  અંતર્ગત  રાજ્ય સરકારના  વાહન વ્યવહાર વિભાગ દ્વારા આર.ટી.ઓ.ની વાહન અને  લાઇસન્સ સંબંધી વિવિધ સેવાઓને સમયાંતરે ફેસલેસ કરવામાં આવી રહી છે.

જેનો સીધો લાભ  લોકોને મળી રહ્યો છે.રાજકોટ આર.ટી.ઓ. ની ફેસલેસ સેવા અંગે માહિતી આપતા અધિકારી  પી.બી લાઠીયા જણાવે છે કે, એક સમય એવો હતો કે કચેરીમાં સવારથી સાંજ સુધી અનેક લોકો આર.ટી.ઓ સંબંધી કામગીરી માટે ઉમટી પડતા હતાં. જુદા જુદા ફોર્મ અને તેની સાથે પાંચ થી વધુ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ જોડવાની, તેનું અધિકારીઓ દ્વારા વેરિફિકેશન સહિતની કામગીરી સમય માંગી લે તેવી હતી. આ સેવાઓ ફેસલેસ બનતા હાલ કચેરીમાં મોટા ભાગે લોકોને રૂબરૂ આવવાનું થતું ન હોવાથી કચેરી મોટા ભાગે ખાલી જ જોવા મળે છે, અધિકારીઓને પણ ડોક્યુમેન્ટ ઓનલાઇન ચકાસવાના હોઈ સમયમાં બચત સાથે કામગીરી ખુબ ઝડપી, આસાન અને ચોક્સાઇયુકત બની છે.

આંકડાકીય માહિતી આપતાશ્રી લાઠીયાએ જણાવ્યું હતું કે ,  આર.ટી.ઓ.માં વર્ષ 2020 માં ડ્રાયવિંગ લાઇસન્સ  સંબંધી સેવાઓનો 49,900 તેમજ વાહન સંબંધી સેવાઓનો 28,950 લોકોને લાભ મળ્યો હતો. જયારે વર્ષ 2021-22  દરમ્યાન  ડ્રાયવિંગ લાઇસન્સ  સંબંધી સેવાઓનો 66975 તેમજ વાહન સંબંધી સેવાઓનો 35,852 લોકો સહિત કુલ 1,81,677 નાગરિકો આર.ટી.ઓ. સંબંધી સેવાકીય લાભો મેળવી સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકયા છે.સિસ્ટમ ડિજિટલાઈઝ થતા ફોર્મ સાથે જોડવાના થતા એવરેજ પાંચ ડોક્યુમેન્ટના ઝેરોકસના અંદાજે કુલ 10 લાખથી વધુ કાગળોની પણ બચત થવા પામી છે, જેનો આઢકતરી રીતે પર્યાવરણને ફાયદો થયો છે. વળી આટલા બધા ડોક્યુમેન્ટ્સ સાચવવા વિશાળ જગ્યાની પણ જરૂર હવે નહીં પડે, તેમ  લાઠીયા વધુમાં જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.