- હેલ્મેટ પહેર્યા વિના આવેલા અરજદારોને દંડ ફટકાર્યો: જૂની ઉઘરાણી પણ કાઢી: સરકારી કચેરીના પરિસરમાં નિયમ વિરૂધ્ધ પોલીસ બાદ આરટીઓનું ચેકીંગ છતાં કોર્પોરેશનનું તંત્ર ચૂપ
આરટીઓ અને ટ્રાફીક પોલીસના અધિકારીઓ કે કર્મચારીઓ સરકારી નિયમ મુજબ રોડ પર ઉભા રહી વાહનચાલકોનું ચેકીંગ કરી શકે છે અને નિયમ પ્રમાણે દંડ વસૂલવાની પણ તેઓની પાસે સત્તા છે. કોઇ સરકારી કચેરીના પરિસરમાં ઉભા રહી ચેકીંગ કરવું તે નિયમ વિરૂધ્ધ છે. આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ભાજપના શાસકોની આંખ નીચે આરટીઓના અધિકારીઓએ અરજદારો પાસે બિંદાસ્ત દંડના ઉઘરાણા કર્યા હતા. છતાં શાસકો મીયાંની મીંદડી બની ગયા હતા. જન્મ-મરણના દાખલા સહિત સામાન્ય કામ માટે કોર્પોરેશન કચેરીએ આવતા લોકોને દંડના ધોક્કા પડ્યા હતા.
આરટીઓના અધિકારીઓ કે કર્મચારીઓ રોડ પર ઉભા રહીને વાહનચાલકો પાસે લાયસન્સ સહિતના અન્ય જરૂરી ડોક્યુમેન્ટ માંગે અથવા હેલ્મેટ પહેરવાની ફરજ પાડે તો તે કામગીરી નિયમ પ્રમાણે થાય છે. તેવું કહી શકાય પરંતુ ટ્રાફીક પોલીસ બાદ આજે આરટીઓએ પણ પોતાની મન મરજી મુજબ ઢેબર રોડ સ્થિત કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીના પરિસરમાં ધામા નાખ્યા હતા. કચેરી ખાતે જન્મ-મરણના દાખલા કઢાવવા માટે કે આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવા માટે આવતા અરજદારોને રોકવામાં આવતા હતા. તેઓ પાસે કેમ હેલ્મેટ પહેરી તેવું કહી દંડ વસૂલ કરવામાં આવતો હતો. સામાન્ય રીતે હેલ્મેટ તો રોડ ઉપર જ્યારે વાહન ચાલતું હોય ત્યારે પહેરવાની જરૂર પડે છે. કચેરીની બહાર કોઇ વ્યક્તિ હેલ્મેટ ઉતારીને કચેરીમાં પ્રવેશી શકે છે. તેઓની પાસેથી દંડ વસૂલી શકાતો નથી. પરંતુ આરટીઓના અધિકારીઓને આવા કોઇ જ નિયમ લાગૂ પડતા નથી. તેઓ પોતાના ઘરની ધોરાજી ચલાવી રહ્યા છે અને મન ફાવે તેવા દંડની વસૂલાત કરી રહ્યા છે. એટલું જ નહિં વાહનચાલક એટલે કે કોર્પોરેશને આવેલા અરજદાર કોઇ દલીલ કરે કે ખુલાસા કરે તો તેઓની વાતને સાંભળવામાં આવતી ન હતી. મશિન દ્વારા ડાયરેક્ટ મેમા જ પકડાવી દેવામાં આવતા હતા. એટલું જ નહિં જૂના મેમાના પણ ઉઘરાણા કરવામાં આવતા હતા.
અગાઉ ટ્રાફિક પોલીસે પણ નિયમ વિરૂધ્ધ કોર્પોરેશન કચેરીના પરિસરમાં હેલ્મેટ ડ્રાઇવ યોજી હતી. જેમાં ખૂદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર પણ દંડાયા હતા. સામાન્ય અરજદાર કચેરીએ આવે તો તેની પાસે રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે. લોકોને હેરાન કરવામાં કોઇ જ પાછીપાની કરવામાં આવતી નથી. બીજી તરફ આરટીઓના અધિકારીઓએ આજે નિયમ વિરૂધ્ધ ભાજપના શાસકોની આંખ નીચે કોર્પોરેશન કચેરીના પરિસરમાં દંડના ઉઘરાણા કર્યા હતા. છતાં કોર્પોરેશનના અધિકારીઓ કે શાસકોએ તેઓને રોકવાની તસ્દી લીધી ન હતી. કેટલાક અરજદારો તો ઉછીના સ્કૂટર લઇને જન્મ-મરણના દાખલા કઢાવવા આવ્યા હતા. તેઓને પણ આરટીઓના નિંભર અધિકારીઓએ બક્ષ્યા ન હતા.