Abtak Media Google News

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હવે સંપૂર્ણપણે પૂર્ણ થવામાં છે ત્યારે આગામી 12મી જુલાઈના રોજ અષાઢી બીજના શુકનવંતા દિવસે રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપવા રાજ્ય સરકાર તલપાપડ થઈ રહી હતી. અને અંતે રૂપાણી સરકારે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને “સુપ્રીમ” મંજૂરી આપી દીધી છે. રુપાણી સરકાર અમદાવાદમાં નાથની નગરચર્યાને “ના” નથી કહી શકી.

આજે સવારે રાજ્ય સરકારની કેબીનેટ બેઠક મળી હતી. જેમાં રથયાત્રાને મંજૂરી આપવા અંગેના અલગ અલગ તમામ પાસાની ઝીણવટભરી તપાસ કરી લેવામાં આવી છે અને સરકાર અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરોમાં થોડી પાબંદી સાથે રથયાત્રા યોજવા મંજૂરી પ્રદાન કરી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે દેશની સર્વોચ્ચ અદાલતે એવી ટકોર કરી છે કે, આ વર્ષે પુરી સીવાય કોઈ સ્થળે જગન્નાથજીની રથયાત્રા યોજી શકાશે નહીં. જો કે, સુપ્રીમે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પાસ કરેલા આદેશોમાં દખલગીરી ન કરવાનું જણાવ્યું હોય રૂપાણી સરકાર આ વર્ષે અષાઢી બીજે અમદાવાદ સહિતા ગુજરાતના અનેક શહેરોમાં થોડી ઘણી છુટછાટ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા માટે છુટછાટ આપે તેવી પ્રબળ સંભાવના જણાય રહી જ હતી. કેબીનેટ બેઠકમાં આ અંગે સત્તાવાર નિર્ણય જાહેર કરી ભગવાન જગન્નાથજીની જળયાત્રા બાદ હવે રથયાત્રાને પણ લીલીઝંડી આપી દીધી છે.

કાનૂની દાવપેચ ઉભા ન થાય તે માટે સરકારે છેલ્લી ઘડીએ મંજૂરીની જાહેરાત કરી છે

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે અમરનાથ યાત્રા અને હજયાત્રા પણ રદ કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોએ અષાઢી બીજની રથયાત્રાને મંજૂરી ન આપવાનો નિર્ણય લીધો છે જે અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેના જવાબમાં ચીફ જસ્ટીસ એન.વી.રમનાના નેતૃત્વમાં બેચે જણાવ્યું હતું કે, આ વર્ષે ઓડિસ્સાના પુરી સીવાય અન્ય કોઈ સ્થળે જગન્નાથજીની રથયાત્રા યોજી નહીં શકાય. સુનાવણી દરમિયાન એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પાસ કરેલા આદેશમાં સુપ્રીમ કોર્ટ દખલ ન કરી શકે. જસ્ટીસે દીલગીરી વ્યકત કરતા જણાવ્યું હતું કે, અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પાસ કરેલા આદેશોમાં દખલ નહીં કરીએ, અમને પણ દુ:ખ છે પરંતુ દખલ યોગ્ય નથી. આવતા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને મંજૂરી મળે તેવી આશા વ્યકત કરતા સુપ્રીમ કોર્ટે અન્ય સ્થળોએ રથયાત્રાની મંજૂરી માંગતી અરજી ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટના આ આદેશમાં એવું ક્યાંય જણાવવામાં આવ્યું નથી કે, રાજ્ય સરકાર પણ રથયાત્રા માટે મંજૂરી આપી શકશે નહીં જેના કારણે રૂપાણી સરકાર રથયાત્રાને નામંજૂરી આપવા માટે મજબૂર બને તેવું એકપણ પાસુ હાલ જણાતું નથી.

એક તબક્કે તો મંદિરના મહંતે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી હતી. આ વર્ષે લાખો ભાવિકોની ભાવના સાથે કોઈપણ છેડછાડ કરવાના મુડમાં રૂપાણી સરકાર નથી. ખુદ સુપ્રીમ બની રાજ્યમાં રથયાત્રા માટે મંજૂરી આપશે તે ફાઈનલ મનાઈ રહ્યું છે. આજે કેબીનેટની બેઠકમાં આ અંગે નિર્ણય લઈ લેવામાં આવશે અને સત્તાવાર ઘોષણા 2-3 દિવસ બાદ કરવામાં આવશે. બીજી તરફ જગન્નાથજી મંદિર દ્વારા 144મી રથયાત્રા કાઢવા માટેની જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જે દર્શાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા મંદિરના સંતો-મહંતો અને ટ્રસ્ટીઓને આડકતરી રીતે રથયાત્રા માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.