રૂપાણીની સીધી વાત… સાચી વાત; “પ્રાણવાયુ” અછત નહીં પરંતુ ગેર વ્યવસ્થાએ મોત નિપજાવ્યા ?

છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્ર્વને કાળમુખા કોરોનાનએ હચમચાવીને રાખી દીધો છે. ભારતમાં કોરોનાની બીજી લહેરે  હાહાકાર મચાવ્યો હતો. દેશમાં પ્રાણવાયુની અછતના કારણે કોરોનાના સેંકડો દર્દીઓનાં મોત નિપજયા હોવાના મૂદે વિરોધ પક્ષ હોબાળો મચાવી  રહ્યો છે. ત્યારે વાસ્તવમાં પ્રાણવાયુની અછત નહીં પરંતુ ગેરવ્યવસ્થાના કારણે કોરોનાના દર્દીઓનાં જીવનદીપ બુઝાય  ગયા હતા આજે દોઢ વર્ષ બાદ પણ વિશ્ર્વનો એક પણ દેશ કોરોનાને  પારખવામાં સદંતર નિષ્ફળ  રહ્યો છે.

કોરોનાને પારખવામાં તબીબો થાપ ખાઈ ગયા જેના કારણે દર્દીની સ્થિતિ મુજબ અપાતી સારવારના પાપે મ્યુકરમાયકોસીસ જેવા જીવલેણ રોગ ફાટી નીકળ્યા

છાશવારે રંગ બદલતા કોરોના સામે તબીબી આલમ પણ મુંઝવણમાં મૂકાય ગયું હતુ: હવે બીજી લહેરમાંથી બોધપાઠ લઈ ત્રીજી લહેરનો સામનો કરવો જોઈએ

અખતરારૂપી સારવાર દર્દીને કોરોનામાંથી મૂકત કરાવી મ્યુકર માયકોસીસ જેવી બિમારીની ગર્તામાં ધકેલી દે છે.પ્રાણવાયુ નહી પરંતુ પ્રાણદાતાની ચૂંકના કારણે સ્મશાનોમાં  લાઈનો લાગી જવા પામી હતી. ઇયને હજી પણ કોરોનાની ત્રીજી લહેરનો હાવ ઉભો કરી લોકોને  ડરાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જૂનાગઢ ખાતે  જણાવ્યું હતુ કે  ગુજરાતમાં પણ ઓક્સિજનની કમીથી કોરોનાના એકેય દર્દીનું મોત નથી થયું. ગુજરાતમાં સાડા આઠ લાખ લોકોએ કોરોનાની સારવાર લીધી હતી જેમાંથી સવા આઠ લાખથી વધુ લોકો સાજા થઈને ઘરે પણ જતા રહ્યા છે.

રાજ્યમાં અનેક શહેરોમાં કોરોનાની ડેઝિગ્નેટેડ હોસ્પિટલ હતી. જોકે, એકેય હોસ્પિટલમાં એવો બનાવ નથી બન્યો કે જેમાં ઓક્સિજનની કમીને કારણે કોઈનું મોત થયું હોય. કોઈ હોસ્પિટલમાં ઓક્સિજન ના પહોંચવાથી દર્દીઓના મોત થયાની ઘટના ના બની હોવાનો દાવો કરતાં રુપાણીએ કહ્યું હતું કે વિપક્ષ પાસે કોઈ મુદ્દા ના હોવાથી તે લોકોને ભ્રમિત કરવા જૂઠ્ઠી વાતો કરે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વાત સીધી અને  સાચી છે કારણ કે પ્રાણવાયુની કયારેય  અછત સર્જાણી નથી ગેર વ્યવસ્થાના કારણે કોરોનાના  દર્દીઓનાં  મોત નિપજયા હોવાનું સાબિત થઈ રહ્યું છે.  કોરોનાની વેકિસનની શોધ કરી લેનાર તબીબો હજી સુધી કોરોનાની  સચોટ સારવાર કેમ કરવી તે શોધી શકયા નથી. કોરોનાના દર્દીઓને અપાતી સારવારના પ્રોટોકોલમાં અવાર નવાર ફેરવાર કરવાામં આવ્યા છે.

અનેક દર્દીઓ માટે જીવનદાતા સાબિત થનારી પ્લાઝમાં થેરાપીને હવે આરોગ્ય મંત્રાલય  દ્વારા  કોરોનાની સારવારનાં પ્રોટોકોલમાંથી  કાઢી નાખવામા આવી છે. આ ઉપરાંત રેમડેસીવીર ઈન્જેકશન પણ કોરોના સામે કારગત નીવડતા  ન હોવાનું જાહેર કરાયું છે. કોરોનાના દર્દીને કેવી સારવાર આપવી તે  નિશ્ર્ચિત  નથી એટલે  દર્દીની  સ્થિતિ જોયાબાદ સારવાર  આપવામા આવી રહી છે. કોરોના પણ  કાચિંડાની માફક રંગ  બદલતો હોવાના કારણે કોઈ અકે પ્રકારની સારવાર  કારગત નીવડતી નથી.

બીજી લહેરમાં સંક્રમીત થનારી વ્યકિતના  શરીરનું  ઓકિસજન લેવલ ખૂબજ ઝડપથી ઘટી જતું હતુ અને ફેફસા પણ  વધુ સંક્રમીત થતા હતા. જેના કારણે હોસ્પિટલમાં દાખલ થનાર  મોટાભાગના દર્દીઓને ઓકિસજન આપવાની  જરૂરીયાત ઉભી થતી હતી. પરિણામે અગાઉ ભૂતકાળમાં કયારેય ઉભી ન થઈ હોય તેવી ઓકિસજનની જરૂરીયાત દેશભરમાં  ઉભી થવા પામી હતી. તબીબો યોગ્ય સમયે  દર્દીની  સ્થિતિ પારખવામાં થાપ ખાઈ ગયા હતા છેલ્લી ઘડીએ જયારે દર્દીની સ્થિતિ વધુ ગંભીર થઈ જતી હતી ત્યારે  તેમને ઓકિસજન આપવાની જરૂરીયાત  ઉભી થતી હતી.

ઓકિસજનની અછતના કારણે  કોરોનાના દર્દીઓના મોત થયા નથી તેનાથી વધુ મોત ગેર વ્યવસ્થાના કારણે થઈ હતી કોરોનાની કોઈ સચોટ  સારવાર ન  હોવાના કારણે અખતરારૂપી સારવાર દર્દીને કોરોનાથી પણ વધુ ખતરનાક રોગના સંકજામાં સપડાવી દે છે. જો સચોટ  સારવાર આપવામાં આવી હોત તો   હજારો દર્દીઓ કોરોના બાદ મ્યુકર માયકોસિસની બિમારીમાં ન ધકેલાયા હોત. કોઈપણ મહામારી સામે લડવા માટે સરકાર કાયમી ધોરણે સજજ જ હોય છે. પરંતુ  આ રોગને કેમ નાથવો તેની  પરખ તબીબોને  હોવી જોઈએ પરંતુ છાશવારે  રંગ બદલતા કોરોના સામે સેક્ધડ ગોડ એવા તબીબો પણ મુંઝવણમાં  મૂકાય ગયા હતા.

પરિણામે  જે દર્દી પર જે સારવાર કારગત નિવડે તેને  અપનાવવામાં આવતી  હતી કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર વચ્ચે જે  સમય મળ્યો  હતો તે સમયનો  સદઉપયોગ  કરવાના બદલે  કોરોના હવે જતો રહ્યો છે. તેવું માની સરકાર સાથે તબીબી આલમ પણ હાથ પર હાથ દઈને  બેઠો રહ્યો માત્રને માત્ર સલાહ સૂચનો આપવામાં આવ્યા જેના કારણે કોરોનાની  બીજી લહેર વધુ ઘાતક બની હતી. પ્રાણવાયુંની અછત અને પરંતુ ગેર વ્યવસ્થાના કારણે  કોરોનાના  દર્દીઓનાં મોત નિપજયા હોવાનું આંકડા ખોલી રહ્યા છે.

ત્રીજી લહેરનો હાઉ ઉભો કરી લોકોને  હરાવવાના  બદલે હવે બીજી લહેર વખતે જે  ક્ષતી રહી ગઈ હતી. તેના પરથી  બોધપાઠ લઈ હવે કોઈ વ્યકિતનું મોત ન નિપજે તેવી સચોટ વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર હોય કે તબીબી આલમ કયારેય  એવું ઈચ્છતા નથી હોતા કે પર્યાપ્ત વ્યવસ્થાના અભાવે  દર્દીને મૃત્યુ શૈયા પર કાયમી માટે પોઢી જવું પહે પરંતુ કયારેક મહામારી જ એવી  વિનાશક હોય છે કે ગમે તેટલી તકેદારી રાખવામાં આવે છતા લોકોને બચાવી શકાતા નથી.