રૂપિયાના દિવસો શરૂ: ડોલર સામે મજબૂતાઈ વધતા ફોરેક્સ રિઝર્વને રાહત!!

રૂપિયો થઈ જશે મોટો!!!

50 પૈસાની તેજીને કારણે રિઝર્વ બેન્ક ઉપર ડોલરના વેચાણનું દબાણ ઘટ્યું

હવે રૂપીયો મોટો થઈ જશે… રૂપિયાના દિવસો શરૂ થઈ ગયા છે. રૂપિયાએ ડોલર સામે મજબૂતાઈ પકડતા હવે ફોરેક્સ રિઝર્વને રાહત થઈ છે. રૂપિયામાં 50 પૈસાની તેજીના કારણે રિઝર્વ બેન્ક ઉપર ડોલરના વેચાણનું દબાણ ઘટ્યું છે.

ઇન્ટરબેંક ફોરેક્સ માર્કેટમાં રૂપિયાએ 15 મહિનામાં તેનો સૌથી મોટા એક દિવસીય વધારો નોંધાવ્યો છે. શુક્રવારનું શટડાઉન ત્રણ સપ્તાહમાં સૌથી વધુ છે.  શરૂઆતના વેપારમાં રૂપિયો 79.50ના સ્તરને તોડીને મજબૂત ખુલ્યો હતો અને 79.26 પર બંધ થતાં પહેલાં 79.20ની ઊંચી સપાટીને સ્પર્શ્યો હતો, જે તેના અગાઉના 79.76ના બંધ કરતાં અડધો રૂપિયો વધુ મજબૂત હતો. શુક્રવારે રૂપિયાની 50 પૈસાની તેજી, જે ગયા વર્ષના એપ્રિલ પછીની સૌથી તીવ્ર છે. આ તેજીના કારણે આરબીઆઈ પર તેના ફોરેક્સ રિઝર્વમાંથી ડોલર વેચવાનું દબાણ ઘટશે.

સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર 22 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ફોરેન એક્સચેન્જ રિઝર્વ 1.1 બિલિયન ડોલર જેટલું ઘટીને 571.6 બિલિયન ડોલર થયું હતું.  જ્યારે વિદેશી ચલણની અસ્કયામતોમાં ઘટાડો 1.4 બિલિયન ડોલર હતો. પણ હવે રૂપિયાની મજબૂત સ્થિતિ શરૂ થતાં ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં ઘટાડાનું પ્રમાણ ઘટે તેવી શકયતા સેવાઈ રહી છે.

ડોલર છેલ્લા ઘણા સમયથી વધુમાં વધુ મજબૂત થઈ રહ્યો હતો. જેને પરિણામે રૂપિયો જે અન્ય દેશોની કરન્સી સામે મજબૂત સ્થિતિમાં હતો. પણ ડોલર સામે નબળો પડી રહ્યો હતો. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. શુક્રવારે રૂપિયાએ તેની મજબૂત સ્થિતિ બનાવી છે. જેના પરથી હવે લાગી રહ્યું છે કે રૂપિયાના દિવસો શરૂ થઈ ગયા છે. આને પરિણામે ગઈકાલે માર્કેટમાં પણ ગુલાબી તેજી જોવા મળી હતી.

ક્યાં કારણો રૂપિયાને નબળો પાડે છે ?

વેપાર ખાધમાં વધારો

નિકાસ કરતાં આયાત વધે એટલે વેપાર ખાધ ઉભી થાય છે જે છેલ્લા 15 વર્ષોમાં વધી છે. આને ઘટાડવા સરકારે આયાત ઉપર લગામ લગાવવા અનેક પગલાંઓ લીધા છે.

તેલ અને સોનાની આયાતમાં વધારો

તેલ અને સોનાની આયાતમાં વધારો અર્થતંત્ર માટે નુકસાનકારક છે. તેલમાં તો અત્યારે ભારત બીજા પર આધારિત છે. જેનો કોઈ વિકલ્પ નથી. માટે સરકારે સોનાની આયાતમાં ઘટાડો કરવા પગલાં લીધા છે.

વિદેશી કંપનીઓ નફો પોતાના દેશોમાં મોકલે છે

ભારતમાં કાર્યરત વિદેશી કંપનીઓ જંગી નફો કરે છે. બાદમાં આ નફાની રકમ તે પોતાના દેશમાં મોકલે છે. આ રકમ પણ ડોલરની મદદથી મોકલાતી હોય રૂપિયાને ડબલ માર પડે છે.

એફડીઆઈ ઘટવું

ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું પ્રમાણ વધારવા સરકારે અનેક પ્રોત્સાહન આપ્યા. જે સફળ રહ્યા છે. પણ જો આ એફડીઆઈ ઘટે તો રૂપિયાને અને  અર્થતંત્રને મોટો ઝટકો લાગે છે.

વ્યાજદરમાં હજુ 50 બેઝિઝ પોઇન્ટના વધારાની શક્યતા

રૂપિયાએ એક નવી શરૂઆત કરી છે. તેના મૂલ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. હજુ આવતા દિવસોમાં તે વધુ મજબૂત થવાની અપેક્ષા છે. તેમ છતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 5 ઓગસ્ટના રોજ દ્વિ-માસિક નાણાકીય નીતિ સમીક્ષા વખતે વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી છે. અર્થતંત્રને મજબૂત બનાવવા 50 બેઝિઝ પોઇન્ટનો વધારો થઈ શકે છે. તેવું નિષ્ણાંતોનું અનુમાન છે.