Abtak Media Google News

માંદગી આવી.. આર્થિક ભીંસ લાવી…ની જેમ કોરોના મહામારીએ પણ વિશ્ર્વભરનાં દેશોને આર્થિક ફટકો પડયો છે. ભલભલા દેશોને આર્થિક સહિત તમામ ક્ષેત્રે પછડાટ લાગી છે. જેમાંથી ભારત પણ બાકાત નથી ભારતીય અર્થતંત્રનાં જીડીપીમાં 7.3 ટકાનો ઘટાડો થયો પરંતુ મહામારીના કપરા સમયમાં નુકશાની સ્વાભાવિક છે. પણ હાલ કેન્દ્ર સરકાર અને મધ્યસ્થ બેંક એટલે કે રીઝર્વ બેંકનાં સમન્વયી પગલાથી ભારતીય અર્થતંત્ર ફરી પુરપાટ ઝડપે દોડવા આગળ ધપી રહ્યું છે. અર્થતંત્રની ગાડીને વેગવંતી દોડાવવા રીઝર્વ બેંકે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેનાથી જેમ વ્યાજનો ઘોડો 24 કલાક દોડતો રહે છે તેમ હવે, રૂપીયો પણ 24 કલાક દોડશે.

માર્કેટમાં મની સરકયુલેશન વધારી અર્થતંત્રની ગાડીને ફરી પૂરપાટ ઝડપે દોડાવવા રીઝર્વ બેંકનો વધુ એક મહત્વનો નિર્ણય

કહેવાય છે ને કે વ્યાજનું મીટર કયારેય અટકતું નથી. વ્યાજતો વ્યાજ પરંતુ વ્યાજ એમ આ ઘોડો સતત દોડતો જ રહે છે. આનો અંત આવતો નથી. પરંતુ હવે, વ્યાજના આ ઘોડાને રૂપીયો આંબી જશે. કારણ કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ બજારમાં રૂપીયાની તરલતા વધારવા ઐતિહાસીક કહી શકાય એવો મહત્વનો નિર્ણય કર્યો છે. આરબીઆઈના ગવર્નર શકિતકાંત દાસએ જાહેરાત કરતા જણાવ્યું કે, હવે, નેશનલ ઓટોમેટેડ કલીયરીંગ હાઉસ-એનએસીએચ 24-7 કલાક કામ કરશે. એટલે કે હવે રજાના દિવસોમાં પણ બેંકોમાં તમારા વ્યવહાર અટકશે નહીં. આ નવો નિયમ આગામી 1લી ઓગષ્ટથી લાગુ થશે. આરબીઆઈના આ નિર્ણયથી શનિ-રવિ કે અન્ય કોઈ રજાના દિવસોમાં નાણાંકીય વ્યવહારો અટવાતા તે હવે થશે નહીં.

નેશનલ ઓટોમેટેડ કલીયરીંગ હાઉસ 24X7 કલાક કાર્યરત થતા રજાના દિવસોમાં પણ નાણાંકીય લેવડ-દેવડ થઈ શકશે

અઠવાડીયાના સાતેય દિવસ અને 24 કલાક નેશનલ ઓટોમેટેડ કલીયરીંગ હાઉસ કામે લાગતા નાણાંકીય વ્યવહાર લેવડ દેવડ વધુ વધશે. આનાથી બજારમાં મળી સરકર્યુલેશન વધશે આથી 1લી ઓગષ્ટથી બજારમાં નાણાંકીય તરલતા વધુ વધશે. અને અંતે અર્થતંત્રને વેગ મળશે. અર્થતંત્રનો ઘોડો પણ દોડતો થઈ જશે, જણાવી દઈ કે, આ એનએસીએચ એ એક પૈસા ચૂકવણીની સિસ્ટમ છે જેનું વ્યવસ્થાપન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા-એનપીસીઆઈ દ્વારા કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.