Abtak Media Google News

દુનિયાની ત્રણ મોટી આર્થિક તાકાતોને યુદ્ધની અસર થશે પણ ચીન તેમાંથી બાકાત રહેવાને કારણે તેની આર્થિક સ્થિતિ મજબૂત બનશે

રશિયા- યુક્રેન યુદ્ધના કારણે અમેરિકાની આગેવાની હેઠળ નાટો અને તેના સાથી દેશોએ મોસ્કો સામે આર્થિક પ્રતિબંધો લાદવાની શરૂઆત કરી છે જેનો આડકતરો લાભ ચીનને થશે. યુએસ, રશિયા અને યુરોપિયન યુનિયનને આર્થિક નિયંત્રણોને કારણે સહેવું પડશે પણ ચીન આ મામલે તટસ્થ હોવાથી તેને કોઇ આર્થિક નુકશાન થવાની સંભાવના નથી. પરિણામે દુનિયાની ત્રણ મોટી આર્થિક તાકાતોને યુદ્ધની અસર થશે પણ ચીન તેમાંથી બાકાત રહેવાને કારણે ભવિષ્યમાં તેની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

યુક્રેન પર રશિયાએ આક્રમણ કર્યું ત્યારે 27 ફેબુ્રઆરીએ ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ જર્મનીના વિદેશ પ્રધાન એનાલિના બારબોક સાથે ફોન પર યુક્રેનની સ્થિતિની ચર્ચા કરતાં જણાવ્યું હતું કે રશિયાની સુરક્ષાની ચિંતાને નાટોએ છેલ્લા પાંચ પગલાના સંદર્ભમાં જોવી જોઇએ. જેમાં નાટોએ પૂર્વ તરફ વિસ્તરણ કર્યું છે. વાંગે જણાવ્યું હતું કે શીત યુદ્ધ પુરૂ થઇ ગયું છે. તેથી નાટોએ તેની વ્યૂહરચના અને જવાબદારીઓ એ પ્રમાણે બદલવી જોઇએ. વાંગે એનાલિનાને સ્પષ્ટ જણાવ્યું હતું કે ચીન રશિયા પર આર્થિક નિયંત્રણો લાદવાની તરફેણમાં નથી. કેમ કે તેમાં બંને પક્ષોને નુકશાન છે.

ચીન આમ રશિયા પર આર્થિક નિયંત્રણો મુકવાની તરફેણમાં નથી અને બીજી તરફ રશિયા તરફી બેલારૂસે તેના બંધારણમાં સુધારો કરી તટસ્થતા શબ્દ દૂર કરીને રશિયાના અણુશસ્ત્રો તેની ભૂમિ પર ખડકવાની તૈયારી કરી હોવાથી યુરોપમાં સુરક્ષાનો મામલો પેચીદો બની ગયો છે. તેમાં પણ હવે યુક્રેનને યુરોપિયન યુનિયનનું સભ્યપદ આપવાનો નિર્ણય લીધો છે તેને કારણે રશિયા હવે તેની સુરક્ષાને મામલે નમતું જોખે તેમાં કોઇ માલ નથી.  આમ હવે યુએસની આગેવાની હેઠળ નાટો યુરોપમાં રશિયાને ભીંસમાં લેવા મશગૂલ હશે ત્યારે ચીનને પેસિફિકમાં તેની મનમાની કરવાની તક મળી જશે.

હવે ચીન યુએસની આગેવાની હેઠળ નાટો દ્વારા રશિયા પર લદાઇ રહેલા આર્થિક નિયંત્રણો મામલે રશિયાને સહાય કરે તો તેમાં પણ ચીનને વધારે લાભ થાય તેમ છે. ચીન અને રશિયા વચ્ચે સહકાર સધાવાને કારણે ભારતની હાલત કફોડી થઇ શકે છે. હાલ ભારતની 60 ટકા લશ્કરી જરૂરિયાતો મોસ્કો દ્વારા પુરી પડાતી હોઇ રશિયા-ચીન યુતિ ભારત માટે ઘાતક પુરવાર થઇ શકે છે. બીજી તરફ યુએસમાં નવેમ્બર 2022માં કોંગ્રેસની ચૂંટણી બાદ યુએસના પ્રમુખ જો બાઇડનની સ્થિતિ નાજુક બની રહે તેમ છે. હાલ ડેમોક્રેટ સેનેટમાં પાતળી બહુમતિ ધરાવે છે પણ નવેમ્બરમાં ચૂંટણી બાદ રિપબ્લિકનોની બેઠક વધશે તો બાઇડન માટે ધાર્યા કાયદા મંજૂર કરાવવાનું મુશ્કેલ બનશે. બીજી તરફ રશિયા આગામી મહિનાઓમાં આર્થિક નિયંત્રણોને કારણે નબળું પડશે. આમ, રશિયા અને યુએસ બંને નબળાં પડશે તો ચીનનો મહાસત્તા તરીકે ઉદય થશે.

જરૂર પડે ચીન રશિયાને તેનું ઓઇલ સસ્તા ભાવે વેચવાની પણ ફરજ પાડી શકે છે. રશિયાએ આર્થિક નિયંત્રણો સામે માર્ગ કાઢવા ચીનનું કહ્યું કરવું પડે તેમાં કોઇ નવાઇ નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.