Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા:

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના લીમડા ગામે કૂતરું કરડવા જેવી નજીવી ઘટનાનો કરૂણ અંજામ આવ્યો છે. આ ઘટના પાંચ વર્ષ અગાઉ બની હતી. કૂતરું કરડવા મામલે થયેલી અથડામણમાં ફરીયાદીનું મોત થયું હતું. આ મામલે આજે ઈડર કોર્ટ દ્વારા આરોપીને સખત સજા ફટકારવામાં આવી છે. આજીવન કારાવાસ સહિત અન્ય એક કેસમાં 10 વર્ષની સજા ફટકારી છે. આ કઠોર સજા ઉપરાંત રૂપિયા 10 હજારનો દંડ કરતા ઈડર કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઈ ગયો હતો.

બનાવની વિગત અનુસાર, સાબરકાંઠાના વિજયનગરના લીમડા ગામે વર્ષ 2016માં 5 વર્ષ અગાઉ કૂતરું કરડવા જેવી સામાન્ય બાબતે અથડામણ થઈ હતી. વર્ષ 2016માં 22 ડિસેમ્બરના રોજ સાંજના સમયે લીમડા ગામે રહેતા આરોપી સંદીપભાઈ ધુળાજી પાંડોરની નાની દીકરીને ચેતનભાઇના ઘર નજીક વિહાણેલી કુતરીએ બચકાં ભરતા ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે આરોપી સંદીપભાઈ ચેતનભાઇના ઘરે આવી અવાર-નવાર ગાળો ભાંડી જતો રહેતો હતો. તારી કૂતરીને હું મારી નાખીશ કહી….અપશબ્દો બોલતો. જેના પગલે ફરિયાદી પિતા અને પુત્ર ચેતનભાઈ આરોપી સંદીપભાઈના ઘરે જઈ કેમ ગાળો બોલો છો ? તેમ કહેતા માથાકૂટ થઇ હતી. જે દરમ્યાન સંદીપે ચેતનને કુહાડીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

ફરીયાદીનું મોત થતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 2016માં બીજા નગરના લીમડા ગામે કુતરુ કરડવાની અદાવત રાખી આરોપી સંદિપકુમાર પાંડોર ફરિયાદી સર્જનભાઈ પાંડોર ઉપર કુહાડીના ઘા કરતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે સમગ્ર મામલો કોર્ટમાં ચાલી જતાં આજે ફરિયાદી પક્ષ તરફથી ધારદાર રજુઆતો કરાતાં કોર્ટ દ્વારા આરોપીને આજીવન કારાવાસ સહિત અન્ય એક કેસમાં વધુ ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સાથોસાથ દસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જોકે પાંચ વર્ષથી ચાલી રહેલા આ કેસમાં આજે ઇડર કોર્ટ એ ફાઈનલ કડક જજમેન્ટ આપતા ફરિયાદી પક્ષે ન્યાય મળ્યાની રાહત અનુભવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.