Abtak Media Google News

હિતેશ રાવલ,સાબરકાંઠા: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ મળી રહ્યા છે. ત્યારે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કોરોનાની અસર જણાતા હોય તેવા દર્દીઓને ગ્રામ્ય કક્ષાએ જ સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા ઉભી કરવા ગામના સરપંચ અને આગેવાનોને અપીલ કરવામાં આવી છે.

જિલ્લાના જે ગામડાઓમાં કોરોનાના કેસ હોય અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરીયાત ન હોય તેવા એસિમ્પ્ટોમિક દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તેમજ યોગ્ય આઇસોલેશન થઇ શકે તે ગામડાના કોમ્યુનિટી હોલ તેમજ પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામા જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ દ્વારા ગામના સરપંચ અને આગેવોને અપીલ કરી છે, જેથી જયાં પણ કોવિડ દર્દી હોય તેના આસપાસના પરીવારજનો અને ફળીયામાં વધતા સંક્રમણને અટકાવી શકાય, જયાં દર્દીને રહેવા, જમવા તથા શૌચાલયની સગવડ ઉભી કરવા પણ ભલામણ કરાઇ છે.

જો આ પ્રકારે કોમ્યુનિટી હોલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવે તો નજીકના આરોગ્ય સેન્ટરના કર્મચારી દ્વારા તેનું નિયમિત ચેકઅપ તેમજ યોગ્ય સારવારની વ્યવસ્થા  જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પુરી પાડવામાં આવશે.

પોશીના ખાતે કોવીડ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો

સાબરકાંઠા જિલ્લાના અંતરીયાળ એવા પોશીના તાલુકામાં પણ કોરોનાની અસર જોવા મળી રહી છે જેને લઇ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે.

બહુધા આદિજાતિ વસતી ધરાવતા પોશીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ મળી આવતા ગરીબ દર્દીઓને ખેડબ્રહ્મા સિવિલ કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ઝડપથી સારવાર મળી રહે અને કોરોનાના પ્રાથમિક લક્ષણો હોય તો યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે પોશીના મામલતદાર કચેરી ખાતે સવારે 10 થી સાંજના 6:30 કલાક દરમિયાન વિવિધ વિભાગના 33 જેટલા કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે તાલુકાના આરોગ્ય અધિકારી સાથે કોવિડ દર્દીઓને ટેલીફોન દ્વારા તેમને સારવાર પડતી અગવડતાનો અને રિકવરી વિષે પૂછ પરછ  કરશે. એમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.