સાબરકાંઠા: જિલ્લા વિકાસ અધિકારીએ શરૂ કરી એવી યોજના કે તમામ ગામલોકો સામેથી રસી લેવા દોડશે

સાબરકાંઠા, હિતેશ રાવલ: કોરોના મહામારી માટે રસીકરણએ સૌથી પ્રભાવી પગલું મનાઈ રહ્યું છે. જો કે હજુ પણ ગ્રામ્ય કક્ષાએ રસી સામે ઘણા ભ્રમક સંદેશા સહિત અંધશ્રદ્ધા જોવા મળી રહી છે. આના પગલે 100% રસીકરણ થઈ શકતું નથી. આ પ્રશ્ન દરેક સ્થળે જોવા મળી રહ્યો છે. ત્યારે સાબરકાંઠામાં તંત્ર દ્વારા એક અનોખી અને આવકારદાયક પહેલ શરું કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર પટેલએ 100 ટકા રસીકરણ કરનાર ગ્રામ પંચાયતોને માટે ઈનામ યોજના રજૂ કરી છે.

100 ટકા રસીકરણ તો 10 લાખ અને 95 ટકા રસીકરણ  તો 5 લાખની વિશેષ ગ્રાન્ટ આપવાની નવી પહેલ

કોરોના મહામારી સામે સૌથી સબળ શસ્ત્ર સમાન વેક્સિનેશન જરૂરી થઇ પડ્યું છે. જોકે એકવીસમી સદીના આ યુગમાં પણ અંધશ્રદ્ધા સહિત ગભરાટ અને સામાજિક માન્યતાઓને પગલે ગ્રામીણ સમાજની સાથે અમુક શહેરી વિસ્તારો પણ રસીકરણ થી દૂર રહી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર પટેલ દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી રસી પહોંચે તેમજ સ્થાનિક ગ્રામજનો પણ ઉત્સાહ સાથે વેક્સિનેશનમાં ભાગીદાર બને તે માટે સ્થાનિક સરપંચો તેમજ પંચાયતના સભ્યોને પ્રોત્સાહિત કરવા એક ઇનામી યોજના જાહેર કરી છે.  જે અંતર્ગત સો ટકા વેક્સિનેશન કરનારા ગામડાઓને રૂપિયા ૧૦ લાખની વધારાની ગ્રાન્ટ આપવામાં આવશે. જ્યારે ૯૫ ટકા સુધી કરનારા ગામડાઓને 5 લાખની ગ્રાંટ આપવામાં આવશે.

 

સાબરકાંઠા  જિલ્લામાં રસીકરણ મુદ્દે નવી પહેલ

આ ગ્રાન્ટ થકી ગામડાઓમાં બાકી રહેલા કામો થઈ શકશે. સાથે વેકસીનેશનની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવાના અભિયાનમાં સરપંચો સહિત સ્થાનિક કક્ષાના આગેવાનો જોડાશે. જો કે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયમાં કોરોના મહામારી સામે જીત મેળવવા માટે રસીકરણની વ્યાપક સ્વરૂપે સમજના છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવાના અવિરત પ્રયાસોના પગલે ૬૫ ટકાથી વધારે લોકો સુધી પ્રથમ ડોઝ પહોંચી ચૂક્યો છે.

 

આગામી સમયમાં ૭૫ ટકાથી વધારે લોકો સુધી રસી પહોંચાડવાનો લક્ષ્યાંક રખાયો છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ રજુ કરેલ ઇનામી યોજના થકી છેવાડાના વ્યક્તિ સુધી રસીકરણ પહોંચશે.  તેમજ સો ટકા રસીકરણ થવાના પગલે કોરોના મહામારી સામે જીત મેળવી શકાશે.

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનાં નવાનગર ગામે 100 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. 18 વર્ષથી લઈ  તમામ વયના નાગરિકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છ. જેના પગલે આગામી સમયમાં સ્થાનીક ગ્રામજનો માટે જિલ્લા વિકાસ અધિકારીએ રજુ કરેલ યોજનામાં ભાગીદાર બનશે તેમજ વહીવટી તંત્ર દ્વારા મેળવેલી રકમ થકી ગામનો વિશેષ વિકાસ કરી શકાશે.  જોકે હિંમતનગરના નવાનગર ગામએ કરેલો પ્રયાસ આગામી સમયમાં અન્ય ગામડાઓમાં કરવામાં આવે તો કોરોના સામે સો ટકા વેક્સિનેશનમાં  સફળતા મળી શકે તેમ છે.