Abtak Media Google News

હિતેશ રાવલ, સાબરકાંઠા: થોડા દિવસ પહેલા રાજ્યવ્યાપી રાશન અનાજ ચોરી કૌભાંડ પકડવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી 49 લોકો આ કૌભાંડમાં પકડાયા હતા. જેમાંથી 4 લોકો સાબરકાંઠા જિલ્લાના હોવાથી પુરવઠા વિભાગમાં હડકંપ મચી ગયો હતો . જેમાં ઇડરના રાવોલી ગામે સસ્તા અનાજનું વિતરણનો જે મામલો હતો તે આજે ફરી બિચક્યો છે.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રાવોલ ગામે આવેલ સસ્તા અનાજના દુકાનદારથી 7 ગામના લોકોને સમયસર અનાજ મળતું નથી. છેલ્લા 1 વરસથી લોકો પરેશાન થઈ ગયા છે. અવારનવાર ઇડર મામલતદારને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. જેથી ગઈ કાલે 7 ગામના લોકોએ હલ્લા બોલ કરી તંત્રને જાણ કરી હતી. તંત્રને જાણ કરવા છતાં પણ કોઈ અધિકારી ફરકયા ન હતા.

જેને લઇ આજે સવારેથી ગામ લોકોએ ભેગા થઈ આ દુકાનેથી અનાજ ના લેવાનો નિર્ણય કર્યો છે. ઇડર મામલતદારને સવારથી જાણ કરવા છતાં મામલતદાર 4 વાગે રાવોલ ગામે પોહચ્યા હતા. પરંતુ ગ્રામ લોકોએ દુકાનદારને હટાવો ના સૂત્રોચ્ચાર કરતા વાતાવરણ ગરમાયુ હતુ. ગ્રામજનોએ રજુઆત કરી હતી કે, ‘જ્યાં સુધી આ દુકાનદારને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અહીંથી અનાજ લેવામાં નહીં આવે.

ગ્રામજનોએ રજુઆત કરી હતી કે, ‘અમારા હિસ્સાનું અનાજ બરોબાર વેચી મારવામાં આવતું હતું તેવું લાગી રહ્યું છે. રાજ્ય વ્યાપી અનાજ ચોરી કૌભાંડમાં આ દુકાનની પણ તાપસ કરવામાં આવે તો રહસ્ય બહાર આવી શકે છે. લોકડાઉન વખતે પણ આ દુકાનદારની કામગીરી પર સવાલ ઉઠયા હતા. ગ્રામજનોએ મીડિયાનો સંપર્ક કરી આ મુદ્દાને ઉજાગર કરવા પ્રયત્ન કર્યો હતો. ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરતા દુકાનદાર પલાયન કરી ગયો હતો. ઇડર મામલતદારે રેશનિગની દુકાને તાળા બાંધી કરી જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.