સાબરમતી કે સંતતુ ને કર દીયા કમાલ…

ગાંધીજીનો પુન:જન્મ ક્યારે?

બીજી ઓકટોબરે પૂ.મહાત્મા ગાંધીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીની વિચારધારા માનવ જીવનને પારસમણી જેવું બનાવી દે છે. આજે ભારત જ નહીં સમગ્ર વિશ્વ માનવજાત મહાત્મા ગાંધીને સત્ય-અહિંસાના મહામાનવ તરીકે ઈશ્ર્વરી અવતાર સમજી પૂજે છે. દરેકને ગાંધી ગમે છે, દરેક પોતાની જાતને ગાંધીવાદી ગણાવવામાં જાણે કે, હરિફાઈમાં ઉતર્યા હોય તેમ ગાંધીજી સાથે પોતાનો નાતો અને હક્ક દર્શાવવો દરેકને ગમે છે પરંતુ ગાંધીજીને સંપૂર્ણપણે ઓળખવાની ક્યાંય તસ્દી લેવાતી નથી. ગાંધીજીનો પ્રેમ માત્ર ઔપચારિક બની ગયો છે. ગાંધી શું હતા ? તેમણે કેવા કામ કર્યા, તેમના વિચારબીજથી માત્ર ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વના માનવ સમાજ પર કેવી અસર કરી તે હંમેશા ગહન વિચાર-વિમર્શનો બની રહ્યું છે. ગાંધીજીના જીવન અને તેમના પ્રત્યેક આચરણ અનેક ગુઢ રહસ્યો વિષમય આશ્ર્ચર્યજનક પરિણામો અને કૃપા પાત્ર દ્રષ્ટિકોણથી ભરેલા હોય છે. વિશ્વમાં કદાચ માનવ ઈતિહાસમાં અત્યાર સુધી એવી કોઈ વ્યક્તિ પ્રત્યે ગહન ચર્ચા-વિચારણા, આલેખન, લેખો અને અભ્યાસરૂપ સાહિત્યનું સર્જન નહીં થયું હોય જેટલું મોહનદાસ કરમચંદ ગાંધીના બાળપણથી લઈ યુવાવસ્થા અને જીવનની અંતિમ ઘડી સુધીની દરેક પ્રવૃતિ, દરેક સંઘર્ષ દરેક સંવાદ અને દરેક વૈચારિક પરિબળોની ચર્ચા-વિચારણા થઈ હોય.

અનેક અભ્યાસક્રમો, પુસ્તકો, વિશ્વ વિદ્યાલયો, તત્વ ચિંતકો મોહનદાસ કરમચંદ ગાંધીના એક જ વિષયના અધ્યયનથી વિધ્વતાના સમુદ્ર તરીને મહાવિચારક બનીને વિશ્વ માનવ સમાજમાં પોતાની ઓળખ ઉભી કરી.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ ચલાવશે રેડીયો સ્ટેશન

ગાંધીનો પુર્નજન્મ ક્યારે થશે, ગાંધીજીની વિચારધારા આજે તેમના ૧૫૧માં જન્મદિવસે ફરીથી યાદ આવી. સાબરમતીના સંત તરીકેની ઓળખ ધરાવતા બાપુના નામ સાથે જોડાયેલા દરેક તત્ત્વો સમાજ માટે પ્રેરક બની જાય છે. આજે ગાંધી જ્યંતી નિમિતે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટેનો રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યો છે. આ રેડિયો સ્ટેશનમાં કેદીઓ દ્વારા જ કાર્યક્રમો આપવામાં આવશે. કેદીઓને ધૂન-ભજન અને પ્રભાતીયા ગાવાની ટ્રેનિંગ આપવામાં આવશે. રેડિયો કેદીનો દૂર ઉપયોગ ન થાય તે માટે સાયબર ઓપ્ટીકલ ટેકનોલોજીથી આ રેડિયો સ્ટેશન ચલાવવામાં આવશે. જેલ વિભાગના વરિષ્ઠ ડીજીપી કે.એલ.એન.રાવે  જણાવ્યું હતું કે, જેલના કેદીઓ માટે શરૂ કરવામાં આવેલા આ રેડિયો સ્ટેશનમાં કેદીઓના આત્મકલ્યાણ માટેના કાર્યક્રમો યોજાશે. જે માટે રૂા.૨૦ લાખની ફાળવણી કરવામાં આવી છે. નવરાત્રી જેવા કાર્યક્રમો અને ધૂન-ભજનના કાર્યક્રમોમાં કેદીઓ જ પ્રસારણ અને રેડીયો જોકી તરીકેની ભૂમિકા ભજવશે.

બે અલગ અલગ વિચારધારાઓનું સંકલન એટલે ગાંધી

મહાત્મા ગાંધીને ઓળખવા અને તેમના વિશે અભ્યાસ કરતા એક વાત એ પણ સામે આવે છે કે, ગાંધી ભિન્ન વિચારધારાને એક કરનારા હતા. તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા તદન અલગ અલગ પરંતુ માતૃભૂમિ ભક્ત વ્યક્તિઓને એક સાથે બેસાડ્યા. દેશી રજવાડાઓ અને સ્વતંત્ર્તા માટે લડતા,  સ્વતંત્રીય સેનાનીઓ અને રાજકીય મહાનુભાવોને એક કર્યા. તેમણે તમામ વર્ગના અલગ અલગ ધર્મ વિચારધારાના લોકોને એક છત્ર હેઠળ ભેગા કર્યા. ગાંધીજીને વિવિધતામાં એકતા ઉભી કરનાર ભાવના તરીકે ઓળખવા જોઈએ.

ગાંધી શું છે? તેમને કેવા માનવ ગણવા?

પોરબંદરમાં જન્મેલા, રાજકોટમાં ભણેલા, વિદેશમાં ભણેલા અને ભારતના તારણહાર બનેલા મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વ સમાજ માટે સત્ય-અહિંસાના મસીહા તરીકે અમરત્વ પામ્યા છે. ગાંધીજી શું હતા ? તેમણે શું કર્યું ? તેમણે આશ્ર્ચર્યજનક પરિણામ આપતા કાર્યો કઈ અમોધ શક્તિના સહારે પાર પાડ્યા તે એક ગહન સંશોધનનો વિષય છે. અત્યારે ગાંધીજીના નામે સત્ય-અહિંસાની વાતો કરવાવાળા અને રાજકારણ અને જાહેર જીવનમાં પોતાનો વાસ્તવિક કપટી, સ્વાર્થી અને લાલચુ સ્વભાવીક વૃતિને ખાદીના ઉજળા તાંતણામાં વિટોળીને રાજકીય વેંતરણી પાર કરવા વાળા ગલીએ ગલીએ ગાંધીના નામ વટાવનારા ફૂટી નીકળ્યા છે. ગાંધીજી રેટીયો કાતતા હતા. પોતે પણ રેટીંયો કાતે છે પણ ગાંધીજીના રેટીયામાં અને આજે ગાંધીજીના પ્રતિકાત્મક આચરણના દેખાવમાં કાંતવામાં આવતા રેટીંયામાં આસ્માન-જમીનનો ફર્ક છે. હળદરના ગાંઠીયે ગાંધી નથી બની જવાતું, સફેદ કપડા પહેરવાથી ગાંધી વિચારધારા જીવનમાં આવી જતી નથી. સાદગી કેવા ચમત્કાર સર્જે છે તે ગાંધીજીનું જીવન બતાવે છે. સત્ય-અહિંસા અને માત્રને માત્ર સાત્વીક સંકલનથી વિશ્ર્વના માનવ સમાજ માટે મોટી ક્રાંતિ સર્જનાર મહાત્મા ગાંધીને માનવી એટલી ઉપમા મળે છે. કોઈ કહે છે, ગાંધીજી પ્રખર રાષ્ટ્રવાદી હતા, કોઈ કહે ગાંધીજી માતૃભૂમિને પ્રેમ કરતા સંતાન હતા, કોઈ કહે તે સત્યના સંદેશાવાહક હતા, કોઈ કહે તે ખુબજ બુદ્ધિશાળી રાજકારણી હતા, કોઈ તેમને સંત કહે છે, કોઈ તેમને ફકીરની ઉપમા આપે છે. ભારતમાં ગાંધીજી મહાત્મા અને રાષ્ટ્રપિતા તરીકે પૂજાય છે. વિશ્ર્વભરમાં ઠેર-ઠેર તેમના નામના મ્યુઝીયમ, પ્રતિકો અને પ્રતિમાઓ મુકાઈ છે. ગાંધી માત્ર ભારત અને ભારતીયોના વ્હાલા નથી વિશ્ર્વના તમામ ધર્મો ગાંધીજીને પ્રણામ કરે છે.

અહિંસાના હિમાયતીને જીવનની અંતિમ ક્ષણે હિંસામાં જ આહુતી આપવી પડી

મહામાનવ મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વને સત્ય-અહિંસાનો ધર્મ આપ્યો. પોતે બકરીનું દૂધ પિતા હતા પરંતુ પાસાણ જેવી આત્મશક્તિ ધરાવતા હતા. રેટીયો કાતીને સુતર બનાવતા હતા પરંતુ વજ્રથી પણ વધુ મજબૂતીથી સમાજને એકયતામાં જકડી રાખતા હતા. સાદગી ગાંધીજીની ઓળખ હતી પરંતુ તેમનું વ્યક્તિત્વ, ભવ્યતાભર્યું હતું. અહિંસાના આ પૂજારી ક્યારેય બીમાર પડ્યા ન હતા. તેમણે કર્મ, સિદ્ધીનો વિશ્વને પરચો આપ્યો હતો. અહિંસાના આ મસીહાને છેવટ હિંસામાં પોતાની આહુતિ આપવી પડી અને ‘હે રામ’ના અંતિમ શબ્દથી ગાંધી વિચારધારાને પૂર્ણ વિરામ નહીં પરંતુ અલ્પ વિરામ દેવાની ફરજ પડી. આજે આ સમગ્ર સૃષ્ટિ વધુ એક ગાંધીને ઝંખી રહ્યું છે તે વાત નિરવિવાદ છે.

સવિનય કાનૂન ભંગ માટે મીઠાની અને સખત કાનૂની નિષેધ માટે શરાબની પસંદગી ગાંધીજીની માસ કોમ્યુનિકેશન સ્કીલનું ઉત્તમ ઉદાહરણ

આજે બીજી ઓકટોબરે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર દેશ જ નહીં વિશ્વએ ફરી એકવાર આજના દિવસને અનુરૂપ મહામાનવ મહાત્મા ગાંધીની જીવનયાત્રા, પ્રેરણાદાયી કર્યો અને જીવનના મર્મ સમજવા માટેના પ્રયત્નો કર્યા છે. ગાંધીજીનું વ્યક્તિત્વ સમજવા માટે જેટલું અધ્યયન થયું છે તે હજુ સીમીત ગણાય છે. ગાંધીજીએ ક્યાં કાર્યો શા માટે કર્યા ? તેનો હેતુ શું હતો તે હંમેશા વિચાર-વિમર્શનો વિષય રહ્યો છે. દાંડીકુચ અને સવિનય કાનૂન ભંગ માટે મીઠાનો જ ઉપયોગ શા માટે કર્યો. મીઠુ સબરસ ગણાય છે, રાજાથી રંક સુધીના તમામની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ નમક પર અંગ્રેજોના આધીપત્યનો મુદ્દો ઉઠાવીને ગાંધીજીએ સમગ્ર દેશની જનતાને એકતાંતણે બાંધી લીધા. ત્યારબાદ ગાંધીજીએ દારૂ વિરોધી ઝુંબેશને પોતાના જીવનમાં સ્થાન આપ્યું. દારૂનું દુષણ પણ તમામ વ્યક્તિઓને સ્પર્શ કરતું દુષણ છે. નમકના હિમાયતી અને દારૂના

વિરોધી મહાત્મા ગાંધી ખરેખર માસ કોમ્યુનિકેશન સ્કીલ અને સૌને સાથે રાખવામાં સફળ માનવ તરીકે ઈતિહાસમાં ઉજાગર થયા છે. ગાંધીજીને સમજવા માટે નમકથી લઈને શરાબના વિરોધ સુધીની સફર કરવી પડે ત્યારે સાચા ગાંધી ઓળખાય.

ગાંધીજીની ચાહનાનો ઈજારો માત્ર ભારતીયોનો જ નથી પાકિસ્તાન અને વિશ્ર્વના તમામ ખંડોમાં બાપુ આજે પણ પૂજાય છે

ભારતના જન્મદાતા મહાત્મા ગાંધીની આજે ૧૫૧મી જન્મજયંતિ છે. ગાંધીજીના વિરોધીઓ આજે પણ એમની હત્યા અને ગાંધીના વિરોધને વ્યાજબી ઠેરવવા માટે મિથ્યા પ્રયાસો કરે છે. ગાંધીજીના અયોગ્ય ઠેરવવાના જેટલા પ્રયાસો થાય છે તેટલા જ ગાંધીબાપુના ઉપાસકોની લાગણી વધી રહી છે. ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ ગાંધી વિચારધારાને આદર્શ માનનારા લોકો લાખોની સંખ્યામાં વસે છે. દક્ષિણ આફ્રિકા હોય કે યુરોપ અને અમેરિકામાં પણ ગાંધીજીને પરફેક્ટ પર્સન તરીકે મુલવવા વાળા છે. ત્યારે ગાંધીજીની ચાહતનો ઈજારો માત્ર ભારતીયોનો જ નથી.

સુરત ખાતે બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પતા કરી ભાવવંદના પાઠવતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ

બાપુએ સત્ય, અહિંસા, સ્વચ્છતાના માત્ર ઉપદેશ આપ્યા નથી,પણ એવું જીવન જીવીને બતાવ્યુ: સી.આર.પાટીલ

આજે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરત ખાતે પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના પાઠવી હતી અને જણાવ્યું હતું કે , અંગ્રેજોના આધીન આપણાં દેશને સ્વાધિનતા અપવવાની લડતમાં મહાત્મા ગાંધીજીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે, આઝાદીની દેશવ્યાપી લડતનું તેમણે અડગ મનોબળ, નીડરતા, સંયમ, સાહસ, વિજયના સંકલ્પ, સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ કર્યું અને તેનું પરિણામ આજે સમગ્ર વિશ્વ જાણે છે.

તેઓએ જણાવ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે , પૂજ્ય બાપુ સત્ય, અહિંસા, સ્વચ્છતાના હંમેશા આગ્રહી રહ્યા છે, તેનું અનુસરણ પણ તેમના જીવનમાં રહ્યું છે, તમણે માત્ર ઉપદેશ આપ્યા નથી, પણ એવું જીવન જીવી પણ બતાવ્યું છે. આપણે તમના પ્રેરણાદાયી જીવનમાંથી જેટલું શીખીને આપણાં જીવનમાં ઉતારીએ તેટલું ઓછું છે, સમગ્ર વિશ્વ આજે મહાત્મા ગાંધીજીને સન્માનપૂર્વક જોવે છે, એ ફક્ત પૂજ્ય બાપુનું નહી સમગ્ર ભારતવર્ષનું સન્માન છે.

પાટીલે જણાવ્યું હતું કે, દેશના કરોડો નાગરિકોએ સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવી દેશને સ્વચ્છ બનાવવાની જે મુહિમ ચલાવી છે, તેનાંથી સાચા અર્થમાં પૂજ્ય બાપુને સ્મરણાંજલિ અર્પણ થઈ છે. ગાંધીજીના ‘આત્મનિર્ભર’ ભારતના સંકલ્પને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરોડો દેશવાસીઓ રાષ્ટ્રવાદના ભાવ સાથે ચરિતાર્થ કરવા પોતાનું યોગદાન આપી રહ્યા છે. મહાત્મા ગાંધીજી સદાય તેમના ઉચ્ચ વિચારો, ઉપદેશો, આદર્શ જીવનમૂલ્યો થકી આપણી સૌની વચ્ચે સદાય અમર રહેશે.

વિશ્ર્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે: મુખ્યમંત્રી

પોરબંદરના કીર્તિ મંદિરની ર્પ્રાનાસભામાં ડિજીટલી સહભાગી તથામુખ્યમંત્રી

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પોરબંદરમાં કીર્તિ મંદિર ખાતે આયોજિત પ્રર્થના સભામાં વીડિયો કોન્ફરન્સી સહભાગી થતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધીજીની શાશ્વત વિચારધારામાં રહેલા છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે પૂજ્ય બાપુની રામરાજ્ય, કલ્યાણ રાજ્ય અને સૌના ઉતનની ભાવના આજે ’સૌના સુખે સુખી, સૌના દુ:ખે દુ:ખી’ની ર્પ્રાના ભાવી સૌ સાથે મળીને ચરિર્તા કરે તે સમય ની માંગ છે. મુખ્યમંત્રીએ મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા, સફાઇને જે આજીવન અહેમિયત આપી હતી તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આજના કોરોના સંકટના વૈશ્વિક સંક્રમણમાં માસ્કનો ઉપયોગ, વારંવાર હાથ સેનેટાઈઝ કરવા, દો ગજ કી દુરી થી સોશિયલ ડિસ્ટન્સ એ જ સ્વચ્છતા અને સ્વસ્તાના સરળ-સહજ ઉપાયો છે. તેમણે ઉમેર્યું કે પૂજ્ય બાપુએ સ્વરાજ્ય અપાવ્યું અને સ્વરાજ્યની સંકલ્પના આપી હતી.

આપણે હવે સુરાજ્ય સાથે રામરાજ્ય એટલે કે સૌના હિત સૌના ઉત્કર્ષની પ્રતિબધ્ધતા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પાર પાડવી છે. મુખ્યમંત્રીએ ગુજરાતે સદા સર્વદા ગાંધીજીના આદર્શ, ગાંધી વિચાર અને તેમના ચિંધેલા માર્ગે ચાલીને દેશ અને દુનિયાનું માર્ગદર્શન કર્યું છે તેનો પણ વિશેષ ઉલ્લેખ કર્યો હતો.  વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાતે સદાચાર, શાંતિ, જસ્ટિસ ટુ ઓલ અપીઝમેન્ટ ટુ નન ના આધાર પર ગાંધીજીના આદર્શ જન-જન સુધી પહોંચે તે માટે પોરબંદર કિર્તિ મંદિરી શરૂ કરી મહાત્મા ગાંધીના અભ્યાસ સન રાજકોટ, સાબરમતી આશ્રમ, દાંડી કુટીર અને દાંડી નમક સત્યાગ્રહ  સ્મારક સુધીની આખી ગાંધી ટુરિસ્ટ સર્કિટ વિકસાવી છે.

મુખ્યમંત્રી એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિશ્વભરના ગાંધી પ્રેમીઓ ગાંધીજીવન-કવનના અભ્યાસ તથા તેને જોવા- માણવા ગુજરાત આવશે અને આ દર્શનીય સ્થળોમાંથી ગાંધીવિચારની પ્રેરણા મેળવશે.  વિજયભાઈ રૂપાણીએ પૂજ્ય બાપુના પ્રિય ભજન ’વૈષ્ણવ જન તો’ની પંક્તિઓ ’પર દુ:ખે ઉપકાર કરે તોય, મન અભિમાન ન આણે’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આપણે સૌ આ પરોપકાર ભાવ, સેવા ભાવના જીવનમાં અપનાવી સૌના સાથ, સૌના વિકાસને સાકાર કરી પૂજ્ય બાપુને સાચી ભાવાંજલિ આપીએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રામ રાજ્યની પૂજય બાપુની કલ્પના આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સુશાસનમાં સૌના કલ્યાણ ભાવી સાકાર થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત દ્વારા પૂજય બાપુના સર્વગ્રાહી વિકાસના વિચારો પણ પરિપૂર્ણ કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે.

આ પ્રાર્થના સભામાં પોરબંદર ખાતે પ્રવાસન મંત્રી  અને જિલ્લા પ્રભારી મંત્રી  જવાહરભાઈ ચાવડા, સાંસદ  રમેશભાઈ, ધારાસભ્ય  બાબુભાઇ સહિત અગ્રણીઓ, નાગરિકો પણ જોડાયા હતા.

કોંગ્રેસ ગાંધીજીને દ્વારા પુષ્પાંજલિ અર્પણ

આજે રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીજી ની ૧૫૧મી જન્મજયંતી નિમિતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ અને ફૂલહાર કરવામાં આવ્યા આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, વિરોધપક્ષ નેતા  વશરામભાઇ સાગઠીયા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ર્ડો હેમાંગભાઈ વસાવડા, દિનેશભાઇ મકવાણા,  સેવાદળ પ્રમુખ રણજિતભાઈ મુંધવા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, ઓબીસી પ્રમુખ રાજુભાઈ આમરણીયા, માઇનોરિટી ચેરમેન યુનુશભાઈ જુણેજા, નરેશભાઈ સાગઠીયા, વોર્ડ પ્રમુખ કૃષ્ણદત્ત રાવલ, તુષાર  દવે, અલ્પેશભાઈ ટોપીયા, ગોરધનભાઈ મોરવાડીયા, મહેન્દ્રભાઈ માળી, ગીરીશભાઈ ઘરસંડિયા, દિનેશભાઇ પટોળીયા, જગદીશભાઈ સખીયા,  મેપાભાઇ કણસાગરા, તમામ કોર્પોરેટર, તમામ હોદેદારો તેમજ કાર્યકર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફ્રિડમ યુવા ગ્રુપ પ્રેરિત ગાંધી વિચાર યાત્રા સમિતિ દ્વારા જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ

ભૂલકાઓ ગાંધીજી અને કસ્તુરબાના પાત્રો દ્વારા ‘મેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે…?’નો સંદેશ પાઠવ્યો

ગાંધ વિચાર યાત્રા સમીતી દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવા ના હેતુ સાથે વિહાન વોરા, ગીત અને ચંચલ આ બાળકો દ્વારા ગાંધી, કસ્તુબા અને ડોકટરના પાત્રો ના પાત્રો ભજવી, ગાંધીજી અને કસ્તુરબા પ્રજાને અપીલ કરે છે કે મેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે…? તેમજ સોશીયલ ડિસ્ટન્સનું પાલન, હાથ ઘોવા, માસ્ક પહેરવું સહીતના સંદેશ આપી રહ્યા છે. તેમજ આ સમગ્ર સોશીયલ મીડીયા, પ્રીન્ટ તેમજ ઇલેકટ્રોનીક મીડીયાના માઘ્યમથી છેવાડાના નાગરીક સુધી આ જનજાગૃતિ ફેલાવવાનું બીડુ ફિડમ યુવા ગ્રુપ અને ગાંધી વિચાર યાત્રા સમીતી દ્વારા ઉપાડવામાં આવેલ છે. ગાંધી જયંતિના દિવસથી આ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો.

આ સમગ્ર આયોજન સંસ્થાના સ્થાપક અને ગાંધી વિચાર યાત્રાના પ્રણેતા ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ મનોજ ડોડીયા, પ્રવીણ ચાવડા, સંજય પારેખ, કીરીટ ગોહેલ, રીતેશ ચોકસી, સુરેશ રાજપુરોહીત, નીમેષ કેસરીયા, અલ્પેશ ગોહેલ, અલ્પેશ પલાણ, જયપ્રકાશ ફૂલારા, રસીક પડીઆ, મીલન વોરા, ધૃમીલ પારેખ, ચંદ્રેશ પરમાર, દિલજીત ચૌહાણ રાજન સુરુ સહીતનાઓ જહેમત ઉઠાવી હતી.

“ગાંધી બાપુ “

દેશના પિતાની ગરજ સારે એ બાપુ,

સ્વતંત્રતાનો સાર સમજાવે એ બાપુ,

પોરબંદરના વતની એ બાપુ,

મહાત્મા જેને કહી શકાય એ બાપુ,

હકની લડત લડવા સદાય તૈયાર એ બાપુ,

માનવતામાં સ્વતંત્રતાનો પરિચય અપાવનાર એ બાપુ,

અંગ્રેજોની સત્તાને અહિંસા વડે પરાસ્ત કરનાર એ બાપુ,

દેશમાં સ્વચ્છતાનો પ્રચાર કરાવનાર એ બાપુ,

ખાદીથી જેની ઓળખ એ બાપુ,

નોટમાં સદાય હસતાં રહેતા એ બાપુ,

પોતાના સ્વને દેશનાં સર્વ માટે વિલીન કરનાર એ બાપુ,

દેશ માટે સદાય લડી છતાં હસતાં રહે એ બાપુ,

પરદેશમાં ભારતની છબીઓ ઉપસાવનાર એ બાપુ,

વ્યક્તિત્વ જેનું સાદગીભર્યું એ બાપુ,

પારદર્શકતા જેનો જીવન નિયમ એ બાપુ,

ગાંધી બાપુ, મારા તમારા સૌના બાપુ.

-લિ. દેવ એસ મહેતા

 

ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પણ કરતા રાજ્યપાલ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી અવસરે પૂ. બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે રાજયપાલએ જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાના માર્ગ પર વિશ્ર્વકલ્યાણ અને વિશ્ર્વબંધુત્વના સંદેશ દ્વારા દેશના નાગરિકોને પ્રેરિત કર્યા હતા.

મોહનથી ‘મહાત્મા’: બાપુના સંસ્કારોનું સિંચન એટલે ‘કબા ગાંધીનો ડેલો’

આજે રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મ જયંતિ છે, દેશ તેમને વંદન કરી રહ્યો છે. પરંતુ આપણે વાત કરવી છે, રાજકોટના કબા ગાંધીના ડેલાની ભલે,ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર રહ્યું, પરંતુ સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટ સાથે બાપુને અતુટ લગાવ રહ્યો હતો. બાપુના પિતા કરમચંદ ગાંધી પોરબંદરનાં દિવાન હતા, મોહનદાસના જન્મને ૭ વર્ષ પછી તુરત જ કરમચંદ રાજકોટના દિવાન બન્યા, અને પૂરો પરિવાર રાજકોટ આવી વસ્યો અને ત્યારથી ગાંધીજી સાથે રાજકોટ જોડાઈ ગયું પિતા કરમચંદ ગાંધી અને પરિવાર દરબારગઢ નજીક આવેલા મકાનમા રહેવા લાગ્યા, ગાંધીને ગ્રામીણ વિદ્યાલયમાં અભ્યાસ માટે મોકલ્યા… રાજકોટના રાજવીએ ૧૮૮૧માં પિતા કરમચંદ ગાંધીને મોંઘામાં મોંઘો ગણી શકાય એવો કિંમતી પ્લોટની ઓફર કરી, પરંતુ કરામચંદજીએ અડધો પ્લોટ સ્વીકાર્યે, આ પ્લોટ ઉપર મકાન બનાવાયું અને તે સ્થળ એટલે હાલ ઘી કાંટા રોડ ઉપર આવેલ રાજકોટનો કબા ગાંધીનો ડેલો. મોહનથી મહાત્મા બનનાર બાપુના સંસ્કારોનું સિંચન એટલે આ કબા ગાંધીનો ડેલો.

મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે ૨થી ૮ ઓકટોબર નશાબંધી સપ્તાહ ઉજવાશે

જીલ્લાના વિવિધ ગામોમાં રાત્રે લોક સાંસ્કૃતી કાર્યક્રમો અને લોકડાયરા યોજાશે

ગુજરાતને નશામુક્ત બનાવવા તા નશાબંધી અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર પ્રતિ વર્ષ નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતીના અનુસંધાને આવતી કાલ તા.૦૨-૧૦-૨૦૨૦ થી ૦૮-૧૦-૨૦૨૦ દરમિયાન સમગ્ર ગુજરાતના જિલ્લાઓના નશાબંધી અધિક્ષક અને નશાબંધી મંડળના સંયુક્ત ઉપક્રમે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.

જે અન્વયે રાજકોટમાં તા. ૨ અને શુક્રવારે સવારે ૮:૩૦ કલાકે જ્યુબિલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર વિધિ, વિદ્યાર્થીઓની નશાબંધી રેલીને વિદાય, નશાબંધી પ્રચાર સાહિત્ય પત્રિકા અને સ્ટીકર વિતરણ તથા નશાબંધી પ્રદર્શન, વ્યસનમુક્તિ પ્રતિજ્ઞાના કાર્યક્રમ યોજાશે. તા. ૨ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રૈયા ગામે, તા. ૩ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે જંગવડ અને મહિકા ગામે, તા. ૪ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પારેવાડા અને હોલમઢ ખાતે લોક સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરો યોજાશે. તા. ૫ ના રોજ બપોરે ૧૧:૩૦ કલાકે રાજકોટમાં જાહેર સ્થળો જેમ કે, એસ.ટી. બસસ્ટેન્ડ, બહુમાળી ભવન, કલેકટર કચેરી કમ્પાઉન્ડ વગેરે વિસ્તારમાં નશાબંધી પ્રચાર-પ્રસાર સાહિત્ય, માસ્ક વિતરણના કાર્યક્રમો આયોજિત થશે. તા. ૫ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે કાળીપાટ અને માટેલ વિરપર ખાતે, તા. ૬ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે નવાગામ અને લજાઈ ગામે, તા. ૭ ના રોજ રાત્રે ૮:૩૦ કલાકે નાના માંડવા અને જાલસીકા ખાતે લોક સાંસ્કૃતિક કાર્યક્રમ અને લોકડાયરાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૮ ના રોજ બપોરે ૪:૩૦ કલાકે કલ્યાણ કામદાર કેન્દ્ર, કોઠારીયા કોલોની ખાતે સત્યનારાયણ ભગવાનની કથા, વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા, સાહિત્ય વિતરણનો કાર્યક્રમ યોજી નશાબંધી સપ્તાહની પૂર્ણાહૂતિનો કાર્યક્રમ યોજાશે.