Abtak Media Google News

ગુજરાતના મત્સ્યદ્યોગના રાજ્ય મંત્રી પરષોતમ સોલંકીએ આજે પોતાની જ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ભાજપની સરકારમાં માછીમારો માટે કંઈ કામ થતું નથી, એસી ગાડીમાં ફરતા નેતાઓ માછીમારોનું દર્દ સમજતા નથી, જે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું એ પણ ઘણું ઓછુ છે. પરષોતમ સોલંકીના વિધાનો બાદ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને ભાજપમાં ભારે ખળભળાટ મચી ગયો છે તેવું આ પહેલી વખત બન્યું છે. જ્યારે કોઈ મંત્રીએ પહેલી વખત જાહેરમાં આવીને ખુલ્લેઆમ ભાજપની સરકાર પર જ પ્રહારો કર્યા છે.

પરષોતમ સોલંકીએ પોતાના જ કેબીનેટ કક્ષાના મંત્રી જવાહર ચાવડા લાચાર હોવાનું પણ વિધાન કર્યું છે. ભાજપ સરકારના એક મંત્રીના આકરા જાહેર ઉચ્ચારણોના કારણે આગામી દિવસોમાં ભાજપની રાજનીતિમાં ભૂકંપ સર્જાય તેવી શકયતા છે. કોળી સમાજના દિગ્ગજ આગેવાન ગણાતા મત્સ્યોદ્યોગના રાજ્ય કક્ષાના મંત્રી સોલંકીએ એવું વિવાદાસ્પદ વિધાન પણ કર્યું હતું કે, પાટીદાર સમાજ પણ ભાજપ સરકારની સામે થયો પણ તેનું શું થયું, સરકારે તેનું શું કરી લીધુ ? ભાજપની સરકારમાં માચ્છીમારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. સરકાર માચ્છીમારો માટે સહાયની જાહેરાતો કરે છે પરંતુ તેનો અમલ થતો નથી.

સમુદ્ર કાંઠાના લોકો માટે સરકારે કામ કરવાની જરૂર છે. મારા વિભાગના કેબીનેટ મંત્રી જવાહર ચાવડા પણ લાચાર છે. પરસોતમ સોલંકીએ એવું પણ જણાવ્યું હતું કે, માછીમારો માટે વાવાઝોડા પછી જાહેર થયેલી રાહતની રકમ ઓછી છે. લોકોને રાહત પેકેજથી સંતોષ થયો નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, માછીમારો માટે તેમનું ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. કેમ કે સહાયની રકમ ઘણી જ ઓછી છે. સોલંકીએ એવો પણ હુંકાર કર્યો હતો કે, હું પણ આખુ ગુજરાત ભેગુ કરી શકું એટલી ક્ષમતા ધરાવું છું પરંતુ સરકારની સામે પડવું એ ખોટુ છે, પાટીદાર સમાજ સરકારની સામે પડ્યો પણ શું કરી લીધુ.

પરસોતમ સોલંકી ભાવનગર ગ્રામીણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ છેલ્લી પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યાં છે. અગાઉ પણ એક વખત મીડિયા સમક્ષ આવીને સરકારની કામગીરી સામે નારાજગી દર્શાવી હતી તે સમયે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમને મનાવવા માટે દોડી ગયા હતા. તેઓ રાજનીતિમાં તેમના કાર્યકરગણમાં ભાઈ તરીકે ઓળખાય છે. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, હું ભાજપનો જ છું અને તમામ સમાજના લોકો માટે કામ કરતો આવ્યું છું પરંતુ ભાજપ સરકારમાં માચ્છીમારોને અન્યાય થઈ રહ્યો છે એટલે મારૂ બોલવું પડી રહ્યું છે. પરસોતમ સોલંકીના આ વિધાનોએ ભારે રાજકીય ચર્ચા આખા રાજયમાં જગાવી છે.

કેટલાક રાજ્ય નિરીક્ષકો એવું કહી રહ્યાં છે કે, ચૂંટણીઓ નજીક હોવાથી રાજકીય સ્ટંટ કરવાનું શરૂ થઈ ગયું છે. સોલંકીના આ વિધાનોના પ્રતિભાવ કેવા રહે છે તે આગામી દિવસોમાં જોવા મળશે. તાઉતે વાવાઝોડા બાદ સરકારે જે કામગીરી કરી તેની સામે પરસોતમ સોલંકીએ ખુલ્લેઆમ અસંતોષની લાગણી વ્યકત કરી છે અને દરિયાકાંઠે વસતા લોકો માટષ વધુ કામ કરવાની રાજ્ય સરકારને સલાહ આપી છે.

ભાજપના મંત્રી પુરષોતમ સોલંકીએ માછીમારોના રાહત પેકેજ અંગે નિવેદન આપી સરકારની કામગીરી સામે સીધા જ આક્ષેપો કર્યા છે. ગુજરાત સરકારએ સમગ્ર નુકશાનને ધ્યાનમાં રાખીને માછીમારોને 105 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. જેમાં 25 કરોડ રૂપિયા સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે આપવામાં આવેલા. તેમજ 80 કરોડ રૂપિયા મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે ફાડવામાં આવ્યા હતા. બને પેકેજ મળીને કુલ 105 કરોડનું પેકેજ આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.