સાધુ વ્રતને બાંધે છે- મોરારીબાપુ: મહુવા ખાતે વ્યાસ-વાલ્મિકી-તુલસી એવોર્ડ અર્પણ

લેખક્-ચીંતક  ગુણવંત શાહ તથા બ્રહ્મલીન પ્રેમાડુંગરજી (તામિલનાડુ)ને વાલ્મિકી એવોર્ડ, ભાગવત ભાસ્કર પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીજી (વૃંદાવન) તથા ભાગવતાચાર્ય પૂ. ભુપેન્દ્ર પંડયા (મુંબઈ)ને વ્યાસ એવોર્ડ તેમજ સાધ્વી ઋતંભરા, આચાર્ય પૂ. હરિદાસ મહારાજ (અયોધ્યા) તથા આશિષ મિશ્ર (વારાણસી)ને તુલસી એવોર્ડ અપાયા હતા

રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને  સ્વાતંત્ર્યદિનની શુભકામના પાઠવતા પૂ.બાપૂ

કલિ પાવનાવતાર પૂજ્યપાદ સંત  તુલસીદાસજી મહારાજની જન્મ જયંતી- પ્રસંગે પૂજ્ય મોરારી બાપુની નિશ્રામાં કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે 2010થી પ્રતિવર્ષ “તુલસી જન્મોત્સવ” તરીકે ઉજવવામાં આવે છે. આ પરંપરા મા તુલસી જયંતી મહોત્સવનો 11 મો મણકો ે 15 ઓગસ્ટ 2021ના રોજ  ,મહુવા ખાતે સંપન્ન થયો.

ઉલ્લેખનીય છે કે 2010થી આરંભાયેલ આ ઉપક્રમમાં પ્રારંભના  ચાર વર્ષ સુધી માત્ર “તુલસી એવોર્ડ” અર્પણ થતો હતો. પરંતુ 2015થી પૂજ્ય બાપુ દ્વારા “વ્યાસ એવોર્ડ” અને “વાલ્મિકી એવોર્ડ” નો પણ સમાવેશ કરવામાં આવ્યો. ગત વર્ષે કોરોના મહામારી ના કારણે  તુલસી જયંતી સમારોહ આયોજિત થઇ શકયો ન હતો. તેથી આ વર્ષે બે વ્યાસ એવોર્ડ અને બે વાલ્મિકી એવોર્ડ તેમજ કુલ ચાર તુલસી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા.

પ્રથમ તુલસી એવોર્ડ કામદગીરી પીઠાધીશ્વર સદગુરુ સ્વામી શ્રી રામ સ્વરૂપચાર્યજી મહારાજ (ચિત્રકુટધામ)ને અર્પણ કરવામાં આવ્યો.ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક, વિચારક, ચીંતક, સાક્ષર અને ’વિચાર યજ્ઞના આચાર્ય’ એવા ગુણવંતભાઈ શાહને વાલ્મિકી એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા.

બીજો વાલ્મિકી એવોર્ડ, (બ્રહ્મલીન) ભક્તિ ભારતી પૂજ્ય પ્રેમા પાંડુરંગજી (તમિલનાડુ)ને અર્પિત થયો,   ઉલ્લેખનીય છે કે વ્યાસ- વાલ્મીકિ અને તુલસી એવોર્ડ વિદ્યમાન વિદ્વાનોને આપવામાં આવે છે. પરંતુ પૂજ્યા  ત્યારબાદ વ્યાસ એવોર્ડ ભાગવત ભાસ્કર પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી (વૃંદાવન) ને અર્પિત થયો,

બીજો વ્યાસ એવોર્ડ સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય  ભુપેન્દ્રભાઈ પંડ્યાજી (મુંબઇ) ને એનાયત કરવામાં આવ્યો. આ વર્ષના બાકીના ત્રણ તુલસી એવોર્ડ પૈકી પૂજ્ય દીદીમા સાધ્વી  ઋતંભરાજીને આપવામાં આવેલા  બીજો તુલસી એવોર્ડ સત્યમ્ પીઠાધીશ્વર આચાર્ય પૂજ્ય હરિદાસ મહારાજ (અયોધ્યા) ને અર્પણ કરવામાં આવ્યો અને ત્રીજો તુલસી એવોર્ડ પંડિત  આશિષ મિશ્ર (વારાણસી) ને અર્પણ થયો.

આ પ્રસંગે પૂજ્ય મોરારિ બાપુએ પોતાના પ્રસન્નતા પૂર્ણ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે -“વિશ્વની કોઈપણ વ્યાસપીઠ મારી વ્યાસપીઠ છે- અર્થાત્ , અસ્તિત્વની વ્યાસપીઠ છે. વ્યાસપીઠ એ વ્યાસપીઠ છે, એમાં કોઇ નાનું-મોટું નથી. કેટલીક વ્યાસપીઠને પ્રસિદ્ધિ મળી છે, બાકીનાને સિદ્ધિ મળી છે. એટલે તમામ વ્યાસપીઠ સમાન આદરની અધિકારી છે. બાપુએ જણાવ્યું કે સાધુ માટે કોઈ વ્રત બંધન નથી હોતું. તે ઇચ્છે, તો વ્રત તોડી પણ શકે! સાધુને વ્રત ન બાંધે, બલ્કે સાધુ વ્રતને બાંધે છે! એ સંદર્ભમાં બાપુએ જણાવ્યું કે પોતે અન્ય ઉપક્રમો બંધ કર્યા છે, પરંતુ હનુમાનજીની કૃપાથી આ ઉપક્રમ ચાલુ રાખવાનો તેમનો મનોરથ છે. અને એ રીતે આવતા વર્ષે બે વાલ્મિકી એવોર્ડ, બે વ્યાસ એવોર્ડ અને ત્રણ તુલસી એવોર્ડ એટલે કે કુલ સાત એવોર્ડ જે તે ક્ષેત્રના મહાનુભાવોને અપાશે. જો દેશકાળ અનુકુળ હશે, તો એ વખતે  પાંચ કે સાત દિવસનો કાર્યક્રમ રહેશે.

પૂજ્ય બાપુએ  સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વને તુલસી જયંતિની વધાઈ પાઠવી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બાપુએ જવાન, કિસાન, વિજ્ઞાન અને ઇમાન – એ સહુ માટે કામ કરનારા આપણા દેશના  રાષ્ટ્રપતિ  તેમજ પ્રધાનમંત્રીને પણ સ્વાતંત્ર પર્વ ઉપરાંત તુલસી જયંતીની વધાઈ પાઠવી. પૂજ્ય બાપુએ કહ્યું કે – “મહાત્મા ગાંધીએ રાષ્ટ્રને એક કરેલું. એ જ રીતે તુલસીદાસજીએ આખા વિશ્વને જોડ્યું છે. રામચરિતમાનસનું ઉદાહરણ ટાંકતાં પૂજ્ય બાપુએ કહ્યું કે લંકા વિજય પછી જ્યારે શ્રીરામ અયોધ્યા ગમન કરે છે, ત્યારે  સેતુબંધ બતાવીને માતા જાનકીને કહે છે કે *મેં આ સેતુબંધ બાંધ્યો અને અહીં  મહાદેવજીની સ્થાપના કરી.”

બાપુએ જણાવ્યું કે સેતુબંધ કરનાર જ કલ્યાણ કરી શકે છે. તુલસીદાસજીએ પરમ પુરુષાર્થવાદી વિશ્વામિત્રજી અને પરમ પ્રારબ્ધવાદી વશિષ્ઠ ઋષિ વચ્ચે સેતુબંધ રચવાનું કામ  કર્યું છે. રાષ્ટ્રીય સ્તર પર એકતાનો દિવસ તો આજે છે જ, પણ વૈશ્વિક એકતા જેણે સ્થાપી છે, એવા ગોસ્વામી શ્રી તુલસીદાસજીની જન્મ જયંતી પણ આજે છે. આખરી માણસથી લઇને સર્વોચ્ચ વ્યક્તિ સુધીના સહુને બાપુએ આજના દિવસે વધાઈ પાઠવી. પૂજ્ય બાપુએ જણાવ્યું કે શિવજીના મસ્તક પર ગંગા છે અને ચંદ્ર છે. મતલબ કે બુદ્ધ પુરુષ આપણને પ્રકાશિત કરે અને પવિત્ર પણ કરે છે. શંકરના મસ્તિષ્ક પરની ગંગા સહુને પવિત્ર કરે છે જ્યારે ભાલ પરનો ચંદ્ર સૌને પ્રકાશિત કરે છે.

પૂજ્ય બાપુએ એક રૂખડ સાધુ સાથે થયેલા તેમના સત્સંગના સંદર્ભમાં અદભુત વાત કહી કે તુલસીદાસજીની જન્મ તિથિ સાતમ શા માટે છે? તુલસીજીને સાતનો આંક સૌથી વધારે પ્રિય છે. આમ તો તુલસીદાસજીને 1,3,5 7,9 અને 11 એટલા અંક પસંદ છે.  અને તેનો સરવાળો 36 થાય છે, જે પૂર્ણાંક છે. આપણે ત્યાં  ’બત્રીસ લક્ષણા’નું ઘણું જ મહત્વ છે. પરંતુ તુલસીદાસજી તો  36લક્ષણા છે!  તુલસીદાસજીને સાતનો આંક વધારે પ્રિય છે અને એટલા માટે એમણે રામચરિતમાનસના સાત સોપાન આપ્યા છે. બાલકાંડ સંસ્કારનો કાંડ છે, અયોધ્યા કાંડ માં સ્વીકાર છે, અરણ્યકાંડમાં સત્સંગ છે.

સુંદરકાંડમાં સંવાદ છે, લંકાકાંડ સંઘર્ષનો કાંડ છે અને સાતમા ઉત્તર કાંડમાં સુખ છે. આ સાત કાંડના ’સાત સ’ તુલસીદાસજીનું જન્મ સપ્તક છે. પૂજ્ય બાપુએ સહુ મહાનુભાવો- વિદ્વાનોને અને ઉપસ્થિત અતિથિઓને કહ્યું કે હું આપને પત્રમ્-પુષ્પમ્-ફલમ્ – તોયમ્ અર્પણ કરી આપની વંદના કરું છું – આપનો સત્કાર કરું છું. જેમાં પત્ર એ કેવળ કાગળ નથી  પણ મારું કલેજું છે. પુષ્પમ્ એ માત્ર ફૂલ નથી પણ ગુરુકૃપાની ખુશ્બુ છે! જેની મહેક અને મૂલ્ય બંનેને આપ જાણો છો ફલમ્ એટલે ગુરુકૃપાથી જે શુભ કર્મ થયું હોય એનું ફળ  અને જળ એટલે મારા નેત્રોનું અશ્રુ જળ હું આપના ચરણોમાં અર્પણ કરું છું.

બાપુએ કહ્યું કે સાધુ બનવું સહેલું નથી. સાધુ બનવા માટે બહુ સાધના કરવી પડે છે-સાધુ બનતા બહુ વાર લાગે છે, બહુ રાહ જોવી પડે છે. સાધુનાં દર્શન તો કોઈ પુણ્યપૂંજને  કારણે થઈ જાય છે, પણ સાધુ બનવા માટે જન્મ જન્મની સાધના જોઈએ! પૂજ્ય બાપુએ પોતાના અંતર મનની વાત કરતાં જણાવ્યું કે મારા અંગત આસ્થામાં ત્રણ ત્રિભુવન ગુરુ છે- એક ભગવાન શંકર, બીજા  પૂજ્ય ત્રિભુવન દાદા અને ત્રીજા કાગભુષંડીજી મહારાજ. પૂજ્ય બાપુએ અંતમાં જણાવ્યું કે કોઈપણ ગુરુ કદી કંઠી ન પકડે, એ તો સાધકનો – આશ્રિત નો કંઠ પકડે, કે જેથી “રામ” સિવાય એમાંથી કશો શબ્દ ન નીકળે.

સીમિત શ્રોતાઓ વચ્ચે , પરમ પવિત્ર વાતાવરણમાં કૈલાસ ગુરુકુળના રમણીય પરિસરની આધ્યાત્મિક આબોહવામાં, આદિ ગુરુ  શંકરાચાર્યજી સંવાદ ગૃહમાં આ રીતે તુલસી જયંતિ મહોત્સવ સંપન્ન થયો.