Abtak Media Google News

આધુનિક વિકાસની તેજ રફ્તાર વચ્ચે અકસ્માતોની વધતી જતી ઘાત માનવ સમાજ માટે મોટો પડકાર બની ચુક્યો છે. કેન્સર અને એઇટ્સ જેવી લાઇલાજ બિમારીમાં થતાં મૃત્યુથી અનેક ગણા વધુ જીવન માર્ગ અકસ્માતમાં હોમાઇ જાય છે.

આકસ્મિક મૃત્યુની ટકાવારી ઘટાડવા માટે માર્ગ સુરક્ષા અને અકસ્માત નિવારણ માટેના સતત પ્રયાસો ચાલતા રહે છે પરંતુ જેમ-જેમ વાહન વ્યવહારનો વ્યાપ વધતો જાય છે તેમ આકસ્મિક મૃત્યુની ટકાવારી પણ વધતી જાય છે. અકસ્માતમાં મૃત્યુદર નીચો લાવવા માટે વાહનોની ગુણવત્તા, સારા રસ્તાનું નિર્માણ અને કાબેલ ડ્રાઇવરો માટે ખૂબ જ ચિવટ રાખવામાં આવે છે. લાયસન્સ અને માર્ગ પરિવહનના નિયમોનું પાલન કરવાની તકેદારી સાથેસાથે આકસ્મિત મૃત્યુ નિવારણ માટે કાયદાકીય સુધારાઓ પણ થતાં રહે છે.

ક્યાંય અંતરિયાણ અકસ્માત થાય અને ઇજાગ્રસ્તોને તાત્કાલીક ધોરણે નજીકના દવાખાને પહોંચાડવા માટેની જરૂરીયાતો આડે પોલીસ કાર્યવાહી અને સારવાર માટે દવાખાને લઇ જનારની જવાબદારી નક્કી થતી હોવાથી કોઇ રસ્તા પર ઘવાયેલાને દવાખાને લઇ જવા તૈયાર થતું ન હોવાની વાસ્તવિકતાને ધ્યાને લઇ આ અગાઉ અકસ્માતમાં ઘવાયેલાઓને દવાખાને લઇ જનારને પ્રોત્સાહિત કરવા માટે કાયદાની છૂટછાટ અને કેટલાંક કિસ્સામાં ઘટનાસ્થળેથી દવાખાને પહોંચાડવા સુધીના ભાડાની ચૂકવણી સુધીની જોગવાઇ કરવામાં આવી છે.

હવે ઘવાયેલાને દવાખાને પહોંચાડનારને પોલીસ તપાસમાં જોતરાવું પડતું નથી. આ નાના એવા સુધારાથી પણ અનેક ગંભીર રીતે અકસ્માત ઘવાયેલાઓને સમયસર દવાખાને પહોંચાડી દેવાતા મૃત્યુનું પ્રમાણ ઘટ્યું છે. તેનાથી એક ડગલું આગળ વધીને હવે માર્ગ અકસ્માતના પિડિતોને પૈસાના અભાવે જીવ ન ગૂમાવવો પડે તે માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે અકસ્માત પિડિતો માટે ખાસ ભંડોળ અને ગંભીર રીતે ઘવાયેલા લોકો માટે 50,000 રૂિ5યાનું વળતર ચુકવવાનું નક્કી કર્યું છે. આ માટે ખાસ ફંડની રચના માટે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે.

હિટ એન્ડ રન અને વિમા વગરના વાહનો સાથે અકસ્માતોનો ભોગ બનનારાઓ માટે આ ફંડ આશિર્વાદરૂપ બની રહેશે. હિટ એન્ડ રન અને વાહનનો વિમો ન હોય તેવા અકસ્માતોમાં સમયસર મદદ મળી રહે તે માટે સરકારની આ યોજના આકસ્મિક મૃત્યુની સંખ્યા પર બ્રેક મારનારી પૂરવાર થશે. આવા કિસ્સામાં સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે અને નિયુક્ત એજન્સી દ્વારા ચુકવણી કરવામાં આવશે. હાઇવે પર અકસ્માતમાં ગંભીર ઇજા થાય તેને તાત્કાલીક હોસ્પિટલ સુધી પહોંચાડવાની વ્યવસ્થા અત્યારે સારી રીતે ચાલે છે.

કોઇ અંતરિયાળ, ગંભીર ઇજામાં કણસતું હોય તો તેને તાત્કાલિક દવાખાને પહોંચાડી દેવામાં આવે ત્યાર બાદ પૈસાના અભાવે તેની સારવારમાં વિલંબ ન થાય તે માટે નેશનલ હાઇવે ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ખાસ ભંડોળ ઉભુ કરીને આકસ્મિક સંજોગોમાં પિડિતોને સરકાર હોસ્પિટલની સારવાર સહિતની સુવિધા માટે ફંડ ફાળવી દેશે. સરકારના આ પગલાંથી અકસ્માતોમાં ઘવાયેલાઓમાં સુરક્ષા કવચ વધુ કારગત બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.