સોરઠ પંથકમાં કેસર કેરીની હરરાજી શરૂ, જાણો 10 કિલોના એક બોક્સનો શું છે ભાવ

સૌરાષ્ટ્રની પ્રખ્યાત ફળોની રાણી અને મધમીઠી કેસર કેરીના હાલમાં ઇજારા રાખનારા દ્વારા સોદા પડી રહ્યા છે, અને સરેરાશ એકાદ હજારની આસપાસ આ સોદા પાડી રહ્યા છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ પાકને 70 ટકાથી વધુ નુકસાન થાય તેવું અનુમાન થઈ રહ્યું છે, ત્યારે સોરઠ પંથકમાં ઇજારા રાખનારાને કેસર કેરીના સોદા મોંઘા પડી રહ્યા છે. ગત વર્ષે કેસર કેરીનું ઉત્પાદન થોડું વધુ હતું, અને આગોતરી કેરી પણ વધુ આવી હોવાથી એપ્રિલના અંતમાં કેરીનુ 10 કિલોનું બોક્સ 600 થી 700 માં માર્કેટમાં વહેચાયું હતું . જ્યારે આ વર્ષે સોરઠમાં કેરીનો આગોતરો પાક માત્ર 15 ટકા  બચ્યો છે. જેથી કેરીના રસિયાઓને મધ મીઠી કેસર કેરીની વધુ કિંમત ચૂકવવી પડશે તેવી સંભાવના સેવાઈ રહી છે. તથા આ વખતે શરૂઆતના દિવસોમાં કેસર કેરીના 10 કિલોના બોક્ષમાં 1000 રૂપિયા આસપાસ ચૂકવવા પડશે તેવું હાલના સોદા પરથી લાગી રહ્યું છે.  જો કે, હવે ધુળેટી બાદ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે પાછોતરી કેરીનું ઉત્પાદન વધે તો કેરીના ભાવ એપ્રિલના અંતમાં ઘટે તેવું ઈજારાદારો જણાવી રહ્યા છે. પણ જો સવારે પડતી ઝાકળનું પ્રમાણ વધે તો કેરી ખરવાનું પણ પ્રમાણ વધે જેને લઈને કેરીનું ઉત્પાદન ઓછું થશે તો ભાવ ગત વર્ષ કરતાં વધુ ચૂકવવો પડે એવી શક્યતા સેવાઈ રહી છે.