Abtak Media Google News

મન મોર બની થનગનાટ કરે

ગિર, સોરઠ અને સૌરાષ્ટ્રમાં કેસર કેરીના આંબાઓ ફળદ્રુપતા ગુમાવી રહ્યાં છે, બાગાયતકારોના ખર્ચા પણ ઉપડતા નથી: આંબાના બગીચા કાપી ખેતી તરફ વળી રહેલા ખેડૂતો

વિશ્ર્વ પ્રસિધ્ધ કેસર કેરીના બગીચા અને આંબાઓનું જતન નહીં થાય તો થોડા જ દાયકામાં કેસર કેરી લુપ્ત થાય તેવી ભીતિ: કૃષિ સંશોધન કેન્દ્ર માટે કેસર કેરીના બગીચાઓ બચાવી રાખવા મોટો પડકાર

ઉનાળાની કાળઝાળ ગરમીનો તપારો ભુલાવીને તરોતાજા બનાવી દેતા તાલાલાની કેસર કેરીના સ્વાદ રસ વિશ્ર્વભરના તમામ દેશોમાં દિવસે-દિવસે લોકપ્રિય બનતી જાય છે. એક જમાનો હતો કે, આઝાદી પૂર્વે બ્રિટનના શાહી મહેલ બકીંમહામ પેલેસ અને અમેરિકાના વ્હાઈટ હાઉસથી લઈને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ માટે ખાસ પસંદગી પાત્ર બનેલી તાલાલાની કેસર કેરી અચુક પહોંચાડવામાં આવતી હતી.

સમય, સ્થિતિ અને કાળ યથાવત રહેતા ન હોય તેમ વિશ્ર્વમાં ધુમ મચાવી રહેલી તાલાલા પંથકની કેસર કેરી અને કેસર આંબાના બગીચાઓ પર હવે બદલાયેલા મોસમની આડઅસરો થવા લાગી છે. ગ્લોબલ વોર્મિંગથી બદલાયેલુ વાતાવરણ ફળોના રાજા ગણાતી કેસર કેરી સામે અસ્તિત્વનું જોખમ ઉભુ કરનારૂ બન્યું છે. આ વર્ષે જ અનુકુળ આબોહવાના અભાવે તાલાલા પંથકની કેસર કેરીના બગીચાઓની 70 ટકા જેટલા મોર અને નાની ખાકડીઓ ખરી જતાં કેસર કેરીના બાગાયતદારો માટે નફો તો એકબાજુ રહ્યો પણ આ વખતે ખોટનો ધંધો કરવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે.

કેસર કેરીના બગીચાઓ માટે માર્ચ-એપ્રીલનો કુણો તડકો અને કોરૂ વાતાવરણ અનુકુળ હોય છે ત્યારે છેલ્લા એક દાયકામાં એપ્રીલ મહિના દરમિયાન પડતી ધુમ્મસ અને ઝાકળ તેમજ માવઠાના કારણે કેસર કેરીના આંબામાંથી મોર ખરી જાય છે અને આ વખતે પણ ધુમ્મસ અને ઝાકળના કારણે કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા પંથક ગિર અને સૌરાષ્ટ્રમાં કેસર કેરીનો 70 ટકાથી વધુ મોર ખરી ગયો છે. આ વખતે કેસર કેરીની ક્વોલીટી આવશે પરંતુ કોન્ટીટી ઘટી જશે. કેસર કેરીના બાગાયતો માટે આ વખતે ખર્ચ અને આવકનો સાંધા મેળ કરવો અશક્ય બની જશે. માત્ર 30 ટકા જેટલો જ ફાલ તૈયાર થનાર હોવાથી 5 લાખની આવક ધરાવતા બગીચામાં બાગાયતદાર માટે સરેરાશ 1 લાખનો ખર્ચ થતો હોય છે. ત્યારે આ વખતે 70 ટકા જેટલો મોર ખરી જતાં 5 લાખના બદલે માંડ-માંડ 80 હજારથી 1 લાખ રૂપિયાની આવક થાય તેવી પરિસ્થિતિમાં બદલાયેલા વાતાવરણને લઈને તાલાલા પંથકના ખેડૂતો માટે આ વખતે કમાણીનો કોઈ અવકાશ રહ્યો નથી.

તાલાલા પંથકના બાગાયતદાર ખેડૂતે ‘અબતક’ને જણાવ્યું હતું કે, આ વખતે શરૂઆતમાં આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં મોર આવ્યા હતા પરંતુ અનુકુળ હવાના કારણે ઝાકળ વર્ષા અને ઈયળ, ચુસ્યો અને નાની જીવાતના કારણે 70 ટકા જેટલો મોર ખરી ગયો છે અને ખેડૂતો માટે માત્ર 20 થી 25 ટકા જેટલી કેરી પાકે તેવી પરિસ્થિતિમાં ખેડૂતોની સ્થિતિ દયાજનક બની ગઈ છે.

તાલાલા પંથકના ખેડૂતોએ સરકાર સમક્ષ આંબાના પાકને નુકશાનીની પરિસ્થિતિમાં તાલાલા પંથક સહિતના કેસર કેરીના બાગાયતદાર વિસ્તારોમાં તાત્કાલીક સર્વે કરીને નુકશાનીનું વળતર ચૂકવવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોની આવક વધારવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે તાલાલા સહિત સમગ્ર ગીર અને કેસર કેરીના ઉત્પાદન વાળા વિસ્તારમાં કેસર કેરીનો નામશેષ થઈ રહેલો પાક બચાવવા માટે અસરકારક કામગીરી કરવાની આવશ્યકતા છે.

આંબાના પાકને બદલાતા જતા વાતાવરણથી ખુબજ વિપરીત અસર થઈ રહી છે ત્યારે ગિરમાં વધતા જતાં ખર્ચને ઓછી થતી આવકને લઈને નાના બાગાયતદારો કે જેમની પાસે ટૂંકી જમીન અને મર્યાદિત સંખ્યામાં આંબાના વૃક્ષ છે તેવા ખેડૂતો માટે આંબાના પાક પર જ જીવન નિર્વાહ ચલાવવું અશકય હોવાથી અનેક ખેડૂતો પોતાના આંબાના બગીચાઓ કાપીને ધાન, મગફળી, મકાઈ, શેરડી જેવા પાકો તરફ વળી રહ્યાં છે. આંબાના પાકને જો પુરતી આવકને સુરક્ષીત ન કરવામાં આવે તો મોસમના બદલાયેલા મિજાજ વચ્ચે તાલાલા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની કેસર કેરી લુપ્તતાના આરે પહોંચી જશે તેવું કહેવું અતિશ્યોક્તિભર્યું નથી.

આધુનિક કૃષિ ઈજનેરીમાં જેવી રીતે નવા પાકનું સંશોધન અને સુધારેલી જાતોના બિયારણની શોધ સતત ચાલુ છે તેની સામે મોસમના બદલાવ સામે ટકી શકે તેવા આંબાની નવી જાત માટે સતત સંશોધન આવશ્યક છે. જો બદલાયેલા મોસમ સામે ગિર પંથકના કેસર કેરીના આંબા નહીં ટકે તો ગિરની કેસર કેરી લુપ્ત થઈ જશે.

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. કચ્છમાં જયાં પાણીના ટીપાની અછત હતી ત્યાં હવે કેરીના બગીચાઓ લહેરાઈ રહ્યાં છે. કચ્છ-ઝાલાવાડમાં બાગાયતી ખેતી પછાત હતી. હવે ત્યાં મોસમના બદલાયેલા મિજાજ વચ્ચે તમામ પાકો સારી રીતે થાય છે. વિશ્ર્વના પર્યાવરણમાં મોટી ઉથલ-પાથલ થઈ રહી છે તેની સામે કેસર કેરીને લુપ્ત થતી બચાવવી હવે અનિવાર્ય બની છે.

ખેડૂતોની આવક ડબલ કરવા મોદી સરકાર સજ્જ, બીજી તરફ કુદરત રૂઠી

કૃષિ પ્રધાન ભારત અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક વધારવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબધ્ધ બની છે. જણસ સાચવવાની વ્યવસ્થા, ટેકાના ભાવ અને ખેડૂતોને પોતાનો માલ પોતાની ઈચ્છા મુજબ વેંચવાની સ્વાયતતા જેવી સગવડો આપવામાં આવી છે. બીજી તરફ સંપૂર્ણપણે કુદરત આધારિત ખેતીને દાયકામાં બે-ત્રણ વાર વરસાદની અછત કે, અતિવૃષ્ટિ, વાવાઝોડા જેવા પરિબળોનો ભોગ બનવું પડે છે અને ખેડૂતોને મોઢામાં આવેલ કોળીયો ઝુંટવાઈ જાય છે. આ વખતે કેસર કેરીના બગીચાઓમાં વિક્રમ પ્રમાણમાં મોર આવ્યા પણ અચાનક ઝાકળ અને ધુમ્મસથી 70 ટકા પાક ખરી પડ્યો.

વિશ્ર્વનું બદલાયેલું વાતાવરણ ખેતી માટે ક્યાંક આફત તો ક્યાંક આશિર્વાદ

ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેન્ટ ચેન્જની અસર દેખાવા લાગી છે. અત્યારે દુબઈમાં કાતિલ ઠંડી પડી રહી છે, ક્યાંક ક્યાંક બરફ વરસી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઝાકળ વર્ષા થઈ રહી છે. બદલાતા વાતાવરણથી ક્યાંક નુકશાન તો ક્યાંક ફાયદા થાય છે. ઝાલાવડ પંથકની પછાત ખેતી હવે હરિયાળી બનતી જાય છે. ખેડૂતો 3-3 પાકો લેતા થયા છે. માટીમાં ફેરફાર થઈ રહ્યો છે તો એક જમાનામાં ખેતી માટે અવ્વલ ગણાતા સોરઠ અને સૌરાષ્ટ્રમાં આબોહવા બદલાતા આંબા જેવા રોકડીયા પાકોને પણ નુકશાન થઈ રહ્યું છે.

ગિરના આંબાવાડીયાઓ બચાવવા જરૂરી

ગિરની કેસર કેરીનું વિશ્ર્વમાં નામ છે. તાલાલાની કેસર કેરી અદ્ભૂત અને સમગ્ર વિસ્તારમાં વર્ષે કરોડો રૂપિયા કમાવવાનું નીમીત બને છે ત્યારે છેલ્લા કેટલાંક વર્ષોથી કેરીના પાકમાં સતત થઈ રહેલો ઘટાડો અનેક ખેડૂતોને પોતાના બગીચાઓ કાપી નાખવા મજબૂર કરી રહ્યાં છે. આંબાવાડીયાના કારણે દરિયાની ખારાશ આગળ વધતી નથી. હવે જો ગિર પંથકના આંબા કપાવા લાગશે તો દરિયાની ખારાશ આગળ વધશે, ખેતીની જમીન ફળદ્રુપતા ગુમાવશે. બાગાયતી આંબાના બગીચા બચાવવા માટે અસરકારક કામગીરી કરવાનો સમય આવી ગયો છે.

કેસર કેરીના આંબાનું સંવર્ધન, સંશોધન અને પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા માટે સતત સંશોધન થાય છે: ડો.કે.એ.કારેથા

તાલાલા પંથકમાં આ વખતે બદલાયેલા મોસમના મિજાજના કારણે 70 ટકા જેટલી ખાખટી અને આંબાના મોર ખરી પડ્યા છે તે અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હોટી કલ્ચર વિભાગના ડો.કે.એ.કારેથાએ ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગિરના આંબાના બગીચા અને ખાસ કરીને કેસર કેરીના જતન અને સંવર્ધન સતત સંશોધનનો અભ્યાસ ચાલી રહ્યો છે. કેરીની ગુણવત્તા અને પ્રમાણ સુધરે તે માટે નવી જાતોનું સંવર્ધન થઈ રહ્યું છે. જમ્બો કેરી જેવી નવી જાતથી ખેડૂતોની આવક વધી રહી છે. આંબાના બગીચાઓનું વાવેતર અને અંતર ઘટાડીને વાવવાની નવી પધ્ધતિ વિકસાવવામાં આવી છે. કેસર કેરીના બાગાયતદારોને સતતપણે દવા, ખાતરનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ વખતે ઓછા પાક અંગે ડો.કારેથાએ જણાવ્યું હતું કે, (અનુ. આઠમા પાને)

સામાન્ય રીતે ઝાડ પર આવતા મોર ખરવાનું પ્રમાણ સામાન્ય હોય છે. જો કે આંબાના ઝાડને મૌસમની બદલાતી પરિસ્થિતિની વિશેષ અસર હોય છે. બદલાયેલા વાતાવરણમાં પાક ટકી રહે તેવી સુધારેલી જાતો પણ શોધવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.