Abtak Media Google News

સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને પુન: જીવીત કરવાના નિર્ણયને આવકારતા સાંસદ પુનમબેન માડમ

સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને પુન: કાર્યરત કરવાના નિર્ણયને સંસદસભ્ય પૂનમબેન માડમનો આવકાર

જામનગર જિલ્લાના સચાણામાં શીપ બ્રેકીંગ યાર્ડ બંધ પડ્યું હતું તે ફરીથી કાર્યરત થાય તે માટે સંસદમાં રજુઆત કરી અને તે રજુઆત માન્ય રહેતા સંસદસભ્ય પૂનમબેન માડમે વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીયમંત્રીનો આભાર માન્યો છે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્ત્વકાંક્ષી બંદરીય ઉદ્યોગથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની વિપુલ તકો ખુલશે.

લાંબા સમયથી નાના અને મધ્યમ કદના જહાજોના શીપ બ્રેકીંગ માટેનું યોગ્ય સ્થળ એવા જામનગર જિલ્લાના સચાણામાં જહાજને લગતી પ્રવૃત્તિઓનો ધમધમાટ ઠપ્પ હતો અને હજારો રોજગારી છીનવાઈ હતી અને આનુસાંગિક ધંધાઓ પણ પડી ભાંગ્યા હતા જેથી આ પડી ભાંગેલો ઉદ્યોગ ફરી ધમધમતો થાય તે માટે સંસદના ગત સત્રમાં સંસદસભ્ય પૂનમબેન માડમએ વિસ્તૃત રજુઆત કરી હતી.

આ વિસ્તાર માટે ખૂબ મહત્ત્વ ધરાવતો તેમજ રોજગારી માટે અને બંદરીય વિકાસ માટે અગત્યનો એવો પ્રોજક્ટ ફરી કાર્યરત થાય તો સચાણા સહિત લગત વિસ્તારો માટે વિકાસની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી બની રહે તેમ છે તે માટેની રજુઆત માન્ય રહી છે અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું શીપ બ્રેકીંગ યાર્ડ સચાણામાં ફરીથી કાર્યરત કરવાનો નિર્ણય જાહેર કરાયો છે. આ પ્રજાલક્ષી નિર્ણયથી ફરીથી સચાણા બંદર ધમધમશે અને શીપ બ્રેકીંગ કામગીરીના ધમધમાટથી હજારો રોજગારીની તકો સાથે આનુસાંગિક ધંધાઓ ધમધમશે તેમજ સચાણા અને લગત વિસ્તારોનો વિકાસ થશે. ગ્રામ્ય વિસ્તારોમાં એક પ્રકારની ગતિશીલતા સાથેની રોનક આવશે.

ઉલ્લેખનીય છે કે, સચાણાની શીપ બ્રેકિંગ ગતિવિધિ પુન:વેગવાન બનવાથી વિશ્વના મેરી ટાઈમ અને શીપ બ્રેકિંગ-શીપ રીસાયક્લીંગ મેપ પર સચાણા ફરીથી અનોખું સ્થાન પામશે. હાલ કોરોના મહામારીના સમયમાં જ્યારે ઉદ્યોગો-ધંધા-રોજગાર-વ્યવસાયોને આર્થિક વિપરીત અસર પડી છે તેવા સંજોગોમાં સચાણા શીપ બ્રેકિંગ યાર્ડ અને આનુસાંગિક ઉદ્યોગો વ્યવસાયો દ્વારા રોજગાર અને આર્થિક આધારમાં નવું બળ પૂરશે સાથે સાથે દેશ વિદેશના નાના મધ્યમ કદના જહાજો સચાણામાં શીપ બ્રેકિંગ રિસાયક્લીંગ માટે આવતા થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારને લગત વેરાઓ પણ મળતા થશે તેમજ સમગ્ર પણે આ વિસ્તાર નવા પ્રાણસંચાર સાથે ધબકતો થશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું નઝરાણું જામનગર જિલ્લામાં નવા રંગરૃપ સાથે કાર્યરત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.