સંજુની તોફાની ઇનિંગ એળે ગઈ, ભારતનો નવ રને પરાજય

સાઉથ આફ્રિકાએ નિર્ધારીત 40 ઓવરમાં ચાર વિકેટે 249 રનનો સ્કોર નોંધાવ્યો હતો,જેના જવાબમાં ભારતીય ટીમ આઠ વિકેટે 240 રન જ નોંધાવી શકી હતી

સંજૂ સેમસનની ધમાકેદાર બેટિંગ અને શ્રેયસ ઐય્યરની અડધી સદી છતાં ગુરૂવારે લખનૌ ખાતે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ભારતને સાઉથ આફ્રિકા સામે 9 રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમે ત્રણ મેચની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. લખનૌમાં રમાયેલી મેચમાં વરસાદનું વિઘ્ન નડ્યું હતું. જેના કારણે મેચની ઓવર ઘટાડીને 40-40 ઓવરની કરી દેવામાં આવી હતી. જેમાં ભારતે ટોસ જીતીને સાઉથ આફ્રિકાને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. ક્લાસેન અને ડેવિડ મિલરની અણનમ અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ નિર્ધારીત 40 ઓવરમાં ચાર વિકેટે 249 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ આઠ વિકેટે 240 રન જ નોંધાવી શકી હતી.

ભારત માટે સંજૂ સેમસને સૌથી વધુ અણનમ 86 રન ફટકાર્યા હતા.250 રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નિરાશાજનક રહી હતી. સુકાની શિખર ધવન અને શુભમન ગિલની જોડી નિષ્ફળ રહી હતી. ધવન ચાર અને ગિલ ત્રણ રન નોંધાવીને આઉટ થયા હતા. ભારતે આઠ રનના સ્કોર પર પોતાના બંને ઓપનર ગુમાવી દીધા હતા. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ અને ઈશાન કિશને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા. ગાયકવાડ 19 અને કિશન 20 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, બાદમાં શ્રેયસ ઐય્યર અને સંજૂ સેમસને લડાયક બેટિંગ કરી હતી પરંતુ તેમની બેટિંગ વિજય અપાવવા માટે પૂરતી સાબિત થઈ ન હતી.

શ્રેયસ ઐય્યર અને સેમસન બંનેએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. ઐય્યર 37 બોલમાં 50 રન નોંધાવીને આઉટ થયો હતો જેમાં તેણે આઠ ચોગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ શાર્દૂલ ઠાકુર 33 રન નોંધાવીને આઉટ થયો હતો. જોકે, સેમસને અંતિમ બોલ સુધી છેડો જાળવી રાખ્યો હતો પરંતુ ટીમને વિજય અપાવી શક્યો ન હતો. અંતિમ ઓવરમાં ભારતને જીતવા માટે 30 રનની જરૂર હતી. સેમસને શમશીએ કરેલી ઓવરમાં પ્રથમ બોલ પર સિક્સર અને ત્યારપછી સળંગ બે ચોગ્ગા ફટકારીને વિજયની આશા જગાવી હતી પરંતુ ત્યારપછીનો બોલ ખાલી રહ્યો હતો અને પાંચમાં બોલ પર તેણે ફરીથી ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ આ પ્રયાસ પૂરતો સાબિત થયો ન હતો. તેણે 63 બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ સિક્સરની મદદથી 86 રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. સાઉથ આફ્રિકા માટે લુંગી નગિડીએ ત્રણ, કાગિસો રબાડાએ બે તથા વેન પાર્નેલ, કેશવ મહારાજ અને તબરૈઝ શમશીએ એક-એક વિકેટ ખેરવી હતી.