સારંગપુરમાં ઐતિહાસિક ફુલડોલ ઉત્સવમાં હજારો હરિભક્તો રંગાયા.

mahant swami
mahant swami

પ્રમુખસ્વામી મહારાજના ધામગમન બાદ પૂ.મહંતસ્વામીના હસ્તે પ્રથમ રંગોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ૭ લાખ સાધુ સંતો પધાર્યા: હરિભક્તોએ મહાપ્રસાદ લીધો: મહોત્સવના બે કલાકમાં સમગ્ર સ્થળ સ્વચ્છ કરાયું.

તીર્થધામ સારંગપુરમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે પણ ફુલડોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો. દેશ-પરદેશથી ૭૦૦૦૦ હરિભક્તો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતા.

વર્તમાનકાળે ભગવાન સ્વામિનારાયણ આઘ્યાત્મિક અનુગામી પ.પૂ.મહંતસ્વામી મહારાજની હાજરીમાં પણ ગઇકાલે આ ઉત્સવ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાયો. વહેલી સવારથી જ સમગ્ર સારંગપુર ગામ હિલોડે ચડ્યું હતું. હરિભક્તોના વિશાળ પ્રવાહથી સારંગપુરની ગલીઓ ઉભરાતી હતી. ચારેય બાજુ માનવમેદની નજરે ચડતી હતી. પરદેશથી આવનારા હરિભક્તોની સંખ્યા પણ બહુ મોટી હતી. અમેરિકા, ઇંગ્લેન્ડ, ટાન્ઝાનિયા, દારેસલામ, કેન્યા, દુબઇ, બાહરીન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા, ઇન્ડોનેશીયા, હોંગકોંગ વગેરે દેશોમાંથી હરિભક્તો પધાર્યા હતા.

ભારતના વિવિધ પ્રાંતોમાંથી પણ હરિભક્તો રંગોત્સવ નિમીતે સારંગપુરમાં ઉમટ્યા હતા. કેટલાક તો પદયાત્રા અને સાઇકલયાત્રા કરીને પણ અહીં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આવનાર હરિભક્તોની વ્યવસ્થા પણ ઉત્તમ રીતે કરવામાં આવી હતી. ૩૦ જેટલા સેવા વિભાગોમાં ૮૦૦૦ સ્વયંસેવક-સેવિકાઓ ખડેપગે ઉભા રહીને સેવા કરી રહ્યા હતા. હરિભક્તોની સુવિધા માટે થોડા થોડા અંતરે પૂછપરછ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સેવા વિભાગોમાં સંતો-ભક્તોએ ઉપવાસ-વ્રત કરતા કરતા તનતોડ સેવા કરી હતી.

હરિભક્તો મંદિરમાં દર્શન કરી બીએપીએસ વિદ્યામંદિરના પટાંગણમાં પ્રવેશ કરી રહ્યા હતા. ત્યાં ૧૦ લાખ ચોરસફૂટ ભૂમિને સ્વચ્છ અને સમથળ કરીને સભામંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. ૧૪૦ * ૪૦ * ૩૦ ફૂટનો મંચ અત્યંત દર્શનીય હતો.

ઢળતા સૂરજની સાથે સાંજે ૫ વાગ્યે જ્યારે ફુલડોલ ઉત્સવની મુખ્ય સભાની શ‚આત થઇ ત્યારે સભાસ્થળ હરિભક્તો-ભાવિકોથી ઉભરાતુ હતું. જીવનમાં કેવળ બાહ્ય રંગનું જ મહત્વ નથી પણ આંતરિક રંગો- ભક્તિ, જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય અને ભગવાનના મહિમાના રંગો વધુ અગત્યના છે. એ જ આ વર્ષના રંગોત્સવનો મુખ્ય સંદેશ હતો. આ સંદેશને અનુ‚પ સંસ્થાના સદ્ગુ‚વર્ય સંતો પૂ. વિવેકસાગર સ્વામી, પૂ.ઇશ્ર્વરચરણ સ્વામી, પૂ.ડોકટર સ્વામીએ પ્રસંગોચિત્ત હૃદયસ્પર્શી અને મનનીય પ્રસંગો કહ્યા હતા. પ.પૂ. મહંતસ્વામીએ બરાબર સાંજના ૬ વાગ્યે વિશાળ સભામાં પ્રવેશ કર્યો હતો.

તેઓએ તેમના આશીર્વાદમાં આત્મા પરમાત્માના જ્ઞાનની મહત્તા, સંતો-ભક્તોમાં નિર્દોષભાવ તથા સંપ, સુહૃદ્ભાવ અને એકતાના રંગે રંગવાના આશીર્વાદ પાઠવ્યાહતા. ત્યારબાદ સભામાં પધારેલ વિવિધ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉત્સવની ચરમસીમા આવી, જેમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજે ઠાકોરજીનું પૂજન આરતી કરી ઠાકોરજીને રંગે રંગ્યા હતા. એ જ પ્રસાદીના રંગને હોજમાં ઉમેરી આધુનિક યંત્રથી સુસજ્જ પીચકારી હાથમાં ગ્રહી પ.પૂ.મહંતસ્વામી મહારાજે હજારો ભક્તોને સાંજના ૮.૧પ વાગ્યા સુધી અઘ્યાત્મના રંગે તરબોળ કર્યા હતા.અંતે સૌ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગરમ-ગરમ સ્વામિનારાયણ ખીચડી અને ખજૂર ધાણીના ફગવાનો પ્રસાદ લઇ બધા છૂટા પડ્યા. સૌના મુખ પર પ્રસન્નતા દેખાતી હતી. સમગ્ર પરિસરમાં આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવના તરંગો ઝિલાઇ રહ્યા હતા. આટલો વિશાળ ઉત્સવ સરળતાથી સફળતાપૂર્વક સંપન્ન થયો. જે આ મહોત્સવમાં સેવા કરનાર બીએપીએસના સંતો-હરિભક્તોના કુશળ આયોજનને આભારી હતો..