“સારથી” : 15 જુલાઇએ પ્રતિક ગાંધી સાથે બનો એક અવ્યાખ્યાયિત પ્રેમના સાક્ષી

ગુજરાતી ફિલ્મ જગત હવે પોતાની જૂની છબી છોડી નવા જ કોન્સેપ્ટ સાથે સિનેમાના પડદે ચમકી રહી છે. અર્બન ગુજરાતી ફિલ્મોના ટ્રેન્ડમાં આપણને ગામડાની વેર-ઝેર વાડી લવ સ્ટોરી જેવા ટોપીકના બદલે નવા કોન્સેપ્ટસ સાથે સસ્પેન્સ થ્રીલર, હોરર, કોમેડી અને યુનિક લવ સ્ટોરી જોઈ રહ્યા છીએ. હાલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ હિટ ફિલ્મોની હારમાળા આપી રહી છે અને હવે ફરી આ હારમાળા માં એક વધારે ફૂલનો વધારો થનાર છે.

“સારથી” એક વૃદ્ધ સ્ત્રી અને અનાથ બાળકના અવ્યાખ્યાયિત પ્રેમને વર્ણવતી પ્રતિક ગાંધી સ્ટારર ફિલ્મ સૌના હૃદયને સ્પર્શી જશે.‘બે યાર’, ‘લવની લવ સ્ટોરી’, ‘વેન્ટિલેટર’, જેવી ગુજરાતી ફિલ્મો અને ‘સ્કેમ ૧૯૯૨’, ‘ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર’ અને ‘વિઠ્ઠલ તીડી’ જેવી વેબ સિરીઝથી મનોરંજન જગતમાં ધૂમ મચાવનાર પ્રતીક ગાંધી થોડા જ સમયમાં ફરી ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના રાઇટર અને ડાઇરેક્ટર રફીક શેખ છે. 15 જુલાઇના રીલીઝ થનારી આ ફિલ્મ ગુજરાતી મનોરંજનમાં ચાર ચાંદ લગાવી દેશે.

પ્રતિક ગાંધી સિવાય ફિલ્મમાં મિનલ પટેલ, સૌમ્યા પંડ્યા, છાયા વોરા, શેખર શુક્લા, આકાશ સિપ્પી, મેઘના પંડ્યા, કીર્તિકા ભટ્ટ, વૃંદા ત્રિવેદી, સ્વયમ છાયા અને પવાર ભાવ્યાએ ફિલ્મમાં મુખ્ય કિરદાર નિભાવ્યા છે. સારથી ફિલ્મના અદભુત દૃશ્યોની સાથે જ ઘણા સીન આંખના પાંપણ ને ભીના કરી નાખશે.

માઇન્ડ બ્લાસ્ટર મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનનાર આ ફિલ્મના પ્રોડ્યુસર રફીક શેખ અને કાર્તિક ભટ્ટ છે. ફિલ્મમાં મ્યુઝિક ભાનુશાલીએ આપ્યું છે. ફિલ્મ 15 જુલાઇના રોજ રજૂ થનાર છે.