- એકતાનગર ખાતે
એકતા નગર ખાતે અંદાજીત રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર નિર્માણ પામશે તેમ રાજય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જાહેરાત કરી હતી તેઓએ ઉમેર્યું હતુ કે,ગુજરાતની પ્રજાની પીવાની પાણીની કુલ જરૂરીયાતમાંથી 80 ટકા જેટલી જરૂરીયાત નર્મદાના પાણીથી પૂરી પાડવામાં આવે છે અંદાજીત રૂ.82,000 કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઈ રહી છે.
મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાગૃહમાં જણાવ્યું છે કે, નર્મદા માટેના આંદોલન ભૂતકાળ બન્યા છે, હવે ફક્ત નર્મદાના વિકાસની વાત થશે.
અંદાજીત રૂ. 82,000 કરોડના ખર્ચે નર્મદા યોજના પૂર્ણ થવા જઇ રહી હોવાનું પણ મંત્રીએ ઉમેર્યુ હતુ.
વર્ષ– 2014 પહેંલા સરદાર સરોવર દ્વારા રાજ્યમાં વિકસાવવામાં આવેલ સિંચાઇ ક્ષમતા અંદાજીત 1.62લાખ હેક્ટર જેટલી હતી જેમાંથી અંદાજીત 2.53 લાખ હેક્ટર સિંચાઇ થતી. જે વર્ષ 2017 માં આ ડેમ તેની સંપૂર્ણ સપાટીએ પહોંચ્યો ત્યારે સરદાર સરોવર યોજના દ્વારા રાજ્યમાં થયેલ સિંચાઇ આજે 16.22 લાખ હેક્ટરે પહોંચી છે.
નળકાંઠા, ફતેવાડીનો નવો વિસ્તાર વિકસીત કરવાની તબક્કા–1 ની કામગીરી પ્રગતિ હેઠળ છે. જે ઓગષ્ટ – 2025 માં પુર્ણ થશે. ત્યારબાદ તબક્કા–2ની કામગીરી હાથ ધરવામાં આવશે. આશરે સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના 39 ગામોની 35,688 હેકટર જમીનને સિંચાઈનો લાભ મળશે
મંત્રીએ વિશેષમાં જણાવ્યું હતુ કે, એકતા નગર ખાતે અંદાજીત રૂ. 50 કરોડના ખર્ચે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર આકાર પામશે. જે સરદાર સરોવર ડેમના નિર્માણ પાછળની નોંધપાત્ર સફર દર્શાવશે.
જાન્યુઆરી–ર025 સુધી પ્રશાખા નહેરો (માઈનોર નહેરો) સુધીના કામો પૂર્ણ કરી કુલ 17.22 લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા અને પ્ર–પ્રશાખા નહેર (સબ–માઈનોર નહેર) સુધી 15.55 લાખ હેક્ટર વિસ્તાર વિકસિત થયેલ છે.
માર્ચ–2025 પછી બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો વર્ષ 2025-26 દરમ્યાન ચાલુ રાખવાનું આયોજન છે તેમ મંત્રીશ્રીએ કહ્યું હતુ.
બનાસકાંઠા જીલ્લાની દિયોદર તાલુકાના 14 ગામો અને પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના 11 ગામોના ભૌગિલીક રીતે ઉંચાઈવાળા અનકમાન્ડ વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા માટે ઉદવહન સિંચાઈ યોજના માટે રૂા.100 કરોડની જોગવાઈ કરાઇ છે.
વર્ષ 2025-26 ના બજેટમાં અમદાવાદ જીલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂા.875 કરોડની જોગવાઈ, નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે રૂા.501 કરોડની જોગવાઈ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે રૂા.204 કરોડની જોગવાઈ કરાઇ છે.
વર્ષ 2025-26ની સરદાર સરોવર યોજના માટે રૂા.5978.86 કરોડની (એનબીઆર ના 1980.91 કરોડ સહીત)ની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર થઇ હતી.
દરિયામાં વહી જતા નર્મદાના નીર આજે ગુજરાતનાં ગામડે ગામડે પહોચ્યાં
પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,દરિયામાં વહી જતું નર્મદા નદીનું વધારાનું પાણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીતાના પરિણામે આજે ગુજરાતના ગામડે–ગામડે પહોંચ્યું છે. આજે સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના પરિણામે આપણું રાજ્ય પાણીદાર બન્યું છે. ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. 4,804 કરોડથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે. બનાસકાંઠામાં દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. 923 કરોડના ખર્ચે આશરે 300 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી 53.70 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ પાઇપલાઇનના માધ્યમથી દિયોદર તાલુકાના 46 ગામ, લાખણી
તાલુકાના 43 ગામ, ડીસા તાલુકાના 23 ગામ અને થરાદ તાલુકાના 12 ગામોને મળીને કુલ 124 ગામોના 194 તળાવોને જોડવામાં આવશે.
તેવી જ રીતે, થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. 1,150 કરોડના ખર્ચે આશરે 200 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી 63.86 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માધ્યમથી થરાદ તાલુકાના 54 અને ધાનેરા તાલુકાના 55 ગામોને મળીને કુલ 109 ગામના 117 તળાવોને પાઈપલાઈન સાથે જોડવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે.