રણજી ટ્રોફીની ફાઇનલમાં સરફરાઝ ખાનની શાનદાર સદી

મુંબઈના 374 સામે બીજા દિવસે મધ્યપ્રદેશે 1 વિકેટ ગુમાવી 123 રન ફટકાર્યા

રણજી ટ્રોફીની ફાઈનલ મેચ મુંબઈ અને મધ્યપ્રદેશ વચ્ચે રમાઈ રહી છે. બીજા દિવસે મુંબઈના વિસ્ફોટક બેટ્સમેન સરફરાઝ ખાને શાનદાર સદી ફટકારી હતી. સરફરાઝ ખાને 190 બોલમાં 12 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. સરફરાઝે આ સિઝનમાં 900થી વધુ રન બનાવ્યા છે. બીજા દિવસે રમત શરૂ થતાં જ ગૌરવ યાદવે શમ્સ મુલાનીને આઉટ કરીને મુંબઈને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. મુંબઈના 374 સામે બીજા દિવસે મધ્યપ્રદેશે 1 વિકેટ ગુમાવી 123 રન ફટકાર્યા

સરફરાઝ ખાને અગાઉ રણજી ટ્રોફી 2019-2020 સિઝનમાં 6 મેચમાં 928 રન બનાવ્યા હતા. આ સિઝનમાં પણ તેણે માત્ર છ મેચ રમી છે. સરફરાઝ ખાન પાસે એક સિઝનમાં 1000 રન પૂરા કરવાની તક છે. મુંબઈ માટે માત્ર શ્રેયસ ઐય્યર (1321 રન), વસિમ જાફર (1260 રન), અજિંક્ય રહાણે (1089) અને રૂસી મોદી (1008) એક સિઝનમાં એક હજારથી વધુ રન ફટકારી ચૂક્યા છે.

રણજીમાં બે વખત 900 પ્લસનો આંકડો પાર કરનાર માત્ર ત્રીજો બેટ્સમેન

સરફરાઝ ખાન રણજી ટ્રોફીમાં બે અલગ-અલગ સિઝનમાં 900થી વધુ રન બનાવનાર ત્રીજો બેટ્સમેન છે. મુંબઈ તરફથી આ સિદ્ધિ હાંસલ કરનાર તે પ્રથમ ખેલાડી છે. અજય શર્માએ રણજી ટ્રોફીના 88 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર આ સિદ્ધિ હાંસલ કરી હતી. અજય શર્માએ 1991-92ની રણજી સિઝનમાં 993 રન અને 1996-7 સિઝનમાં 1033 રન બનાવ્યા હતા.