Abtak Media Google News

સૂર્ય ગ્રહણના કારણે મેચ નિર્ધારીત સમય કરતા ૨ કલાક મોડી શરૂ કરાઈ: સૌરાષ્ટ્ર ગઈકાલના સ્કોરમાં માત્ર ૯ રન ઉમેરી થયું ઓલઆઉટ

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઉત્તરપ્રદેશ સામેની રણજી ટ્રોફીની ચાર દિવસીય મેચમાં આજે બીજા દિવસે સૌરાષ્ટ્રની ટીમ ૩૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેની સામે આ લખાય રહ્યું છે ત્યારે ઉત્તરપ્રદેશની ટીમે ૨ વિકેટના ભોગે ૧૦૮ રન બનાવી લીધા છે. સૌરાષ્ટ્ર ગઈકાલના સ્કોરમાં વધુ ૯ રન ઉમેરી આજે ઓલઆઉટ થઈ ગયું હતું. ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગઈકાલી શરૂ થયેલી રણજી ટ્રોફિ એલીટ ગ્રુપ-બીમાં ચાર દિવસીય મેચમાં સૌરાષ્ટ્રની સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચના પ્રથમ દિવસે સૌરાષ્ટ્રની ટીમે ઓપનર હાર્વિક દેસાઈ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા અને સેલ્ડન જેકશનની અર્ધ સદીની મહેનતી ૮ વિકેટના ભોગે ૩૨૨ રન બનાવ્યા હતા. આજે સવારે સૂર્યગ્રહણ હોવાના કારણે બીજા દિવસની રમત નિર્ધારીત સમય કરતા ૨ કલાક મોડી શરૂ કરવામાં આવી હતી. સામાન્ય રીતે મેચનો પ્રારંભ સવારે ૯:૩૦ કલાકે થતો હોય છે પરંતુ આજે ૧૧:૩૦ કલાકે મેચ શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રની ટીમ પોતાના ગઈકાલના સ્કોરમાં માત્ર ૯ રન ઉમેરી ૩૩૧ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર પી.આર.ભુતે અણનમ ૩૮ રન બનાવ્યા હતા. તો ઉત્તર પ્રદેશ વતી સૌરભ કુમારે ૮૫ રન આપી સૌરાષ્ટ્રની ૪ વિકેટો ખેડવી હતી. આ લખાય છે ત્યારે ઉત્તરપ્રદેશે સૌરાષ્ટ્રના ૩૩૧ રનના સ્કોર સામે પ્રથમ દાવમાં ૨ વિકેટના ભોગે ૧૦૮ રન બનાવી લીધા છે. સૌરાષ્ટ્ર પોતાના બન્ને મેચમાં જીત સાથે હાલ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે.

જ્યારે ઉત્તરપ્રદેશનો બન્ને મેચમાં પરાજય થયો છે અને હાલ ટીમ ૧૨માં ક્રમાંકે છે. ઘર આંગણે ઉત્તરપ્રદેશને પરાજય આપવા સૌરાષ્ટ્રની ટીમ ભારે ઉત્સાહીત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.