Abtak Media Google News

રાજકોટમાં વિઝિબિલિટી માત્ર 100 મીટર, હવાઇ સેવા પર અસર: હાઇવે પર ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન, દિવસે પણ હેડ લાઇટ ચાલુ રાખવી પડે: સૌરાષ્ટ્રભરમાં સતત પાંચમા દિવસે ઝાંકળ વર્ષાથી ઠંડીનું જોર ઘટયું: 30મીથી ઠંડીનું જોર વધશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આજે સતત પાંચમા દિવસે જોરદાર ઝાંકળ વર્ષા થવા પામી હતી. જેના કારણે હવાઇ સેવા ખોરવાઇ જવા પામી છે. ગાઢ ધુમ્મસના કારણે હાઇવે પર વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિવસે પણ વાહનની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. સતત ઝાંકળ વર્ષાના કારણે શિયાળુ પાકને નુકશાની થવા પામી છે. આગામી બે દિવસ હજી ઝાંકળ વર્ષાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજે સવારે રાજકોટમાં જોરદાર ઝાંકળવર્ષા થવા પામી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 96 ટકાએ પહોંચી જવા પામી હતી. જેના કારણે વિજિબિલિટી માત્ર 100 મીટર રહેવા પામી હતી. 100 મીટર દૂરનું કશુ દેખાતું ન હતું. વહેલી સવારે મુંબઇથી રાજકોટ આવતી ફ્લાઇટ આજે સમયસર આવી શકી ન હતી. સતત પાંચમા દિવસે  હવાઇ સેવા ખોરવાઇ જવા પામી હતી. હાઇવે પર ધુમ્મસથી વધુ અસર જોવા મળી હતી. હાઇવે પર થોડે દૂરનું પણ દેખાતું ન હોવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા હતાં. દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.

સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના કારણે બે થી ત્રણ દિવસ ઝાંકળવર્ષા થતી હોય છે. પરંતુ ગત 24મીએ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાયા બાદ ગઇકાલે નવું વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ ઉભુ થવાના કારણે સતત પાંચમા દિવસે ઝાંકળ વર્ષા થવા પામી હતી. હજી બે દિવસ ઝાંકળ વર્ષા થવાની શક્યતા છે. ઝાંકળના કારણે ઠંડીનું જોર ઘટી ગયું છે.

દરમિયાન ગઇકાલથી જમ્મુકાશ્મીર સહિતના રાજ્યોમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. જેની અસર આગામી 29 કે 30મી ડિસેમ્બરથી રાજ્યમાં કાતીલ ઠંડીનો નવોદોર શરૂ થશે.

ઝાકળવર્ષાના કારણે વહેલી સવારે વાતાવરણ ભારે આહલાદક બની જાય છે. સૌરાષ્ટ્ર જાણે સિમલા બની ગયું હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા છે. હિલ સ્ટેશન જેવો અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે. જો કે છેલ્લા પાંચ દિવસથી હવાઇ સેવા ખોરવાઇ રહી છે. જેના કારણે મુસાફરો ભારે પરેશાની વેઠી રહ્યા છે. આગામી બે દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ પ્રસાર થઇ જશે અને ત્યારબાદ ધુમ્મસનું આવરણ હટતા ઠંડીનું જોર વધશે.

કાલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમૌસમી વરસાદની સંભાવના

બનાસકાંઠા, સાંબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે

ઉત્તર-પૂર્વના પવનો હાલ જમીનના નીચા લેવલ પરથી પ્રસાર થઇ રહ્યા છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આવતીકાલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમૌસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવશે અને આવતીકાલે માવઠાની સંભાવના રહીલી છે.

દિવાળી બાદ સતત વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાવાના કારણે રાજ્યમાં માવઠાનો માર યથાવત રહ્યા પામ્યો છે. દિવાળી પછી અલગ-અલગ વિસ્તારોમાં સતત ચોથી વાર માવઠાની આગાહી આપવામાં આવી છે.

હાલ ઉત્તર-પૂર્વના પવનો જમીની સ્તર પરથી ફૂંકાય રહ્યા છે. જેની અસરતળે તથા વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે આવતીકાલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમૌસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર આવતીકાલે મંગળવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં આ ઉપરાંત કચ્છ જિલ્લામાં માવઠાની સંભાવના રહેલી છે.

આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવશે અને આવતીકાલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડશે. માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકશાન થવાની ભીતી રહેલી છે.

ધુમ્મસના કારણે જીરૂ, ચણા, ઘઉં અને રાયડા સહિતના પાકને નુકશાન

સૌરાષ્ટ્રમાં છેલ્લા 4 દીવસથી ધુમ્મસ સાથે ઝાકળ પડતા રવિ પાકોમાં જીરું વરિયાળી, રાયડો, બીટી કપાસ, ચણા અને શાકભાજી સહિતના પાકોમાં રોગ-જીવાત આવવાની ભીતિ ખેડૂતો ચિંતીત બન્યા છે. જમીનમાં રવી પાકનું વાવેતર કરાયું છે ત્યારે ઘઉં, રાયડો, ચણા, એરડા, જીરૂ, વરિયાળી અને બટાકાના પાકમાં સંભવિત માવઠાથી ફરીથી નુકશાન થઈ શકે છે.

બટાકામાં માવઠાથી બેકટેરીયાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે માવઠાનો માર હવે પડે નહી તેવું ખેડુતો ઈચ્છી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જેના કારણે બપોરે ગરમી પણ અનુભવાઈ રહી છે.ત્યાં જીરૂ,ધાણા, અને શિયાળુ પાકને નુકશાન જશે.જો વાતાવરણ આજથી સ્વચ્છ થઈ જશે તો કોઈ વાંધો નહિ આવે પરંતુ આવુને આવુ વાતાવરણ રહેશે તો જીવાત આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.