અબતક-રાજકોટ

સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટી છે પરંતુ મૃત્યુમાં વધારો થતાં ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના જિલ્લામાં વધુ ૨૩૦૪ કેસ પોઝિટિવ આવ્યા છે તો સામે ૯ દર્દીઓનો વાયરસે ભોગ લીધો છે.

૨૩૦૪ લોકો સંક્રમિત: ૯ દર્દીઓના વાયરસે ભોગ લીધા

જેમાં સૌરાષ્ટ્રના એપી સેન્ટર રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા એકદમથી વધી ગઈ છે અને પરિણામે એક જ મહિનામાં ૧૬,૬૪૯ કેસ નોંધાયા છે. આ સાથે બીજી લહેરમાં એપ્રિલ માસમાં નોધાયેલા કેસના ૧૪,૦૦૦ના આંક કરતા પણ વધી ગયો છે. કોરોનાના નવા કેસની બાબતમાં તમામ પ્રકારના રેકોર્ડ જેવા કે સૌથી વધુ એક જ દિવસમાં કેસ, સૌથી વધુ પોઝિટિવિટી રેશિયો, સૌથી વધુ એક્ટિવ કેસ સહિતના રેકોર્ડ ત્રીજી લહેરમાં તૂટી ગયા છે. સદનસીબે મૃતાંક અને હોસ્પિટલાઈઝેશનમાં બીજી લહેર કરતા આંક વધ્યા નથી તેથી તંત્રને ઘણી રાહત થઈ છે. જો કે ત્રીજી લહેર દરમિયાન એક જ દિવસમાં ૪ મોત થવાનું પ્રથમ વખત બન્યું છે. આ તમામ દર્દીઓ વેક્સિનેટેડ ન હોવાનું તંત્રે જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં ૯૫૮ કેસ અને ચાર દર્દીના મોત

રાજકોટ શહેરમાં ૧૦૧ વર્ષના વૃધ્ધા, ૭૯ વર્ષના વૃધ્ધા, ૮૯ અને ૫૫ વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી ૮૯ વર્ષના વૃધ્ધે રસીનો એક ડોઝ લીધો હતો જ્યારે બાકીના ત્રણેયે રસી લીધી નથી એટલે કે ચારમાંથી કોઇ ફુલ્લી વેક્સિનેટેડ ન હતા. તબીબોએ અગાઉ ઘણી વખત કહ્યું છે કે જે લોકોએ રસી લીધી છે તેમાં કોરોના ગંભીર અસર કરતો નથી.
તો બીજી તરફ ભાવનગર જિલ્લામાં પણ કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ભાવનગર શહેરમાં ૧૮૫ પોઝિટિવ કેસ સાથે ૨ દર્દીઓના મોત પણ નિપજ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ૨૩ લોકો સંક્રમિત થયા છે અને એક દર્દીનું મોત નિપજ્યું છે. તો જામનગરમાં પણ કોરોનાના ૧૭૬ કેસ નોંધાયા છે અને એક દર્દીએ જીવ ગુમાવ્યો છે. તો જામનગર ગ્રામ્યમાં ૯૩ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે એક પણ મૃત્યુ ન થતા રાહત અનુભવાય રહી છે.
અમરેલી જિલ્લામાં કોરોનાના ૭૮ પોઝિટિવ કેસ નોંધાયો છે. તો મોરબીમાં પણ કોરોનાએ ફુફાળો મારતા વધુ ૧૩૮ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના કંટ્રોલમાં આવતા વધુ ૬૯ કેસ પોઝિટિવ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાની લહેર ઠંડી પડતા પોઝિટિવ કેસની સંખ્યા ૫૦ ની અંદર નોંધાઈ છે.
અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં ૩૩ લોકો સંક્રમણમાં સપડાયા છે. તો દેવભૂમિ દ્વારકામાં ૨૭ કેસ પોઝિટિવ નોંધાયા છે. પોરબંદરમાં વધુ ૧૦ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે તો સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા બોટાદમાં ૫ કેસ પોઝિટિવ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.