Abtak Media Google News

અમદાવાદમાં આવતીકાલે રમાશે ફાઇનલ: ઋતુરાજ ગાયકવાડનું ફોર્મ સૌરાષ્ટ્ર માટે ચિંતાજનક

સૌરાષ્ટ્રની ટીમે કર્ણાટકને સેમીફાઇનલમાં પાંચ વિકેટે પરાજય આપી ત્રીજી વખત વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. આવતીકાલે સવારે 9 કલાકથી અમદાવાદમાં સૌરાષ્ટ્રની ટીમ ફાઇનલ જીતવાના બુલંદ ઇરાદા સાથે મહારાષ્ટ્ર સામે મેદાનમાં ઉતરશે. જો સૌરાષ્ટ્રના બોલરો ઋતુરાજ ગાયકવાડને કાબૂમાં રાખવામાં સફળ રહેશે તો ચેમ્પિયન બનવાની તક ધણી જ વધી જશે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગ્રાઉન્ડ-એ ખાતે રમાયેલા સેમીફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રના સુકાની જયદેવ ઉનડકટે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય લીધો હતો. કર્ણાટકની ટીમ 49.1 ઓવરમાં માત્ર 171 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. આર.સમર્થે 88 રન ફટકાર્યા હતા. સુકાની જયદેવ ઉનડકટે 26 રન આપી ચાર વિકેટો ખેડવી હતી. જ્યારે પ્રેરક માંકડે બે વિકેટો ઝડપી હતી. 172 રનના વીજયી લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે માત્ર 36.2 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 172 રન બનાવી લીધા હતા.

જય ગોહિલે 82 બોલમાં 61 રન અને પ્રેરક માંકડે 32 બોલમાં 35 રન બનાવ્યા હતા. સેમીફાઇનલમાં કર્ણાટકને પાંચ વિકેટે હરાવી સૌરાષ્ટ્રની ટીમે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ચાર વિકેટો ખેડવનાર જયદેવ ઉનડકટને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

બીજી એક સેમીફાઇનલમાં મહારાષ્ટ્રની ટીમે આસામને 12 રને પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ કર્યા છે. મહારાષ્ટ્રની ટીમે પ્રથમ બેટીંગ કરતા સાત વિકેટના ભોગે 350 રન બનાવ્યા હતા. જેની સામે આસામની ટીમ આઠ વિકેટ ગુમાવી 338 રન બનાવી શકી હતી. આવતીકાલે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર વચ્ચે ફાઇનલ જંગ જામશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ટીમ 2007/2008માં વિજય હઝારે ટ્રોફીમાં ચેમ્પિયન બની હતી. જ્યારે 2017/2018માં રનર્સઅપ રહી હતી. 15 વર્ષના લાંબા અંતરાલ બાદ સૌરાષ્ટ્ર પાસે વિજય હઝારે ટ્રોફીનું ફાઇનલ જીતવાનો સુવર્ણ મોકો છે. જો કે મહારાષ્ટ્રના સુકાની ઋતુરાજ ગાયકવાડ હાલ ખૂબ જ સારા ફોર્મમાં છે.

ક્વાર્ટર ફાઇનલમાં તેને આક્રમક બેવડી સદી ફટકારી હતી જ્યારે સેમી ફાઇનલમાં 168 રન બનાવ્યા હતા. જો તેને કાબૂમાં રાખવામાં સૌરાષ્ટ્રના બોલરો સફળ રહેશે તો ચોક્કસ ટાઇટલ જીતવાના ચાન્સ વધી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.